|
બોચાસણમાં દિવ્ય સંનિધિ પર્વમાં સંસ્થાના અગ્રેસર કાર્યકરો પર પ્રમુખસ્વામી મહારાજની અમૃતવર્ષા
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની કરોડરજ્જુ એટલે સંતો અને કાર્યકરોની સાંકળરૂપે બનેલી સમર્પિત સેવાધારીઓની એક સેના. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સ્થાપેલી અને પ્રમુખસ્વામી મહારાજે પોષેલી બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃત્તિ અન્વયે હજારો સત્સંગ મંડળો દેશમાં ચાલે છે. દરેક સત્સંગ મંડળનું સંચાલન કરવા માટે એક સંચાલક હોય છે. આવાં બે-ત્રણ મંડળોની દેખરેખ રાખવા એક નિરીક્ષક અને પંદરેક મંડળોની દેખભાળ કરવા એક નિર્દેશકની નિમણૂક કરવામાં આવે છે. તમામ સત્સંગ પ્રવૃત્તિની કાર્યવાહી માટે ઈશ્વરચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ સત્સંગ પ્રવૃત્તિ-મધ્યસ્થ કાર્યાલય કાર્યરત છે. મધ્યસ્થ કાર્યાલય અને નિર્દેશકો વચ્ચે સંયોજનનું કાર્ય કરવા સંયોજકની નિમણૂક કરવામાં આવે છે. નિર્દેશકો તથા સંયોજકોને અગ્રેસરો કહેવામાં આવે છે. સંતોની સાથે રહીને આ અગ્રેસરો સમગ્ર વર્ષ દરમ્યાન પોતાના નોકરી-ધંધા સિવાયનો લગભગ તમામ સમય સત્સંગ પ્રવૃત્તિ માટે ફાળવે છે. આઅગ્રેસરોને કાર્ય કરવાનું બળ અને પ્રેરણા પ્રાપ્ત થાય તે હેતુસર સ્વામીશ્રીના સાંનિધ્યમાં દિવ્ય સંનિધિ પર્વનું આયોજન સરેરાશ દર બે વર્ષે કરવામાં આવે છે. ૨૦૦૮ના આ વર્ષે આવા જ એક દિવ્ય સંનિધિ પર્વનું આયોજન બોચાસણ ખાતે તા. ૨૧-૭-૦૮થી ૨૩-૭-૦૮ દરમ્યાન કરવામાં આવ્યું હતું. ૩૧૦ પુરુષ અગ્રેસરો, ૩૪૦ મહિલા અગ્રેસરો અને કિશોર-કિશોરી નિર્દેશકોને આ પર્વમાં સ્વામીશ્રી અને વડીલ સંતોનો અપૂર્વ લાભ મળ્યો હતો.
આ પર્વ દરમ્યાન નિત્ય સવારે સ્વામીશ્રી પોતાના ઉતારેથી સભામંડપમાં પૂજા કરવા પધારે ત્યારે સ્વામીશ્રીના પથની એકબાજુ હાથમાં પ્લેકાર્ડ લઈને બેસતા અગ્રેસરો પોતાના હૈયાની પ્રાર્થનાઓ વ્યક્ત કરતા હતાઃ 'અમને શક્તિ આપો અમે સત્સંગમાં વિશેષ આત્મબુદ્ધિ કરી શકીએ...' 'સહન કરી શકીએ તેવું બળ અમને આપો...', 'અમે ક્રોધ ન કરીએ', 'એકબીજાને સમજી શકીએ' વગેરે. સ્વામીશ્રી દરેક અગ્રેસર પાસેથી પસાર થતી વખતે આ વાંચતા અને આશીર્વાદ મુદ્રા દ્વારા, વાણી દ્વારા કે દૃષ્ટિ દ્વારા પ્રતિભાવ આપીને સૌને દિવ્ય સ્મૃતિ આપી દેતા. સ્વામીશ્રીના પથની એકબાજુ નાનાં-નાનાં સંવાદ-દૃશ્યો રજૂ કરીને કાર્યકરો વિવિધ આધ્યાત્મિક ભાવનાઓ વહાવતા હતા.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પણ સૌ માટે એક અવિસ્મરણીય ભાથું બની રહેતું. ખાસ કરીને સ્વામીશ્રીની પૂજા દરમ્યાન છેલ્લું કીર્તન ગવાય ત્યારે પૂજા પૂરી થયા પછી સ્વામીશ્રી તેમાં રસતરબોળ થઈને સૌને દિવ્ય સ્મૃતિઓથી છલકાવી દેતા હતા. આ પર્વના બીજા-ત્રીજા દિવસે પ્રાતઃપૂજા પછી કાર્યકરોએ રજૂ કરેલા ટૂંકા સંવાદ - 'ખબરદાર મનજી' અને 'અજબ ગાડી, ગજબ મિકેનિક' દરમ્યાન પણ સ્વામીશ્રીએ સંવાદના વાર્તાલાપોમાં ભળી જઈને સૌને ખૂબ આનંદ કરાવ્યો.
છેલ્લે દિવસે તો પ્રાતઃપૂજા પછી આશીર્વચન વરસાવીને સ્વામીશ્રીએ કળશ ચઢાવી દીધો. તમામ કાર્યવાહક સંતો અને અગ્રેસરોને ત્રણ દિવસના દિવ્ય સંનિધિ પર્વમાં સુખના સાગરમાં ઝબકોળી દીધા હોય તેવો અનુભવ થયો. કોઈએ પણ ધાર્યા કરતાં અનેકગણો વધુ આધ્યાત્મિક લાભ આપીને સ્વામીશ્રીએ સૌને કૃતાર્થ કરી દીધા.
દરરોજ સવારે ૯.૦૦થી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલતાં જ્ઞાનસત્રમાં મહંત સ્વામી, ડૉકટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ અગ્રેસરોને પ્રેરણાત્મક બોધવચનો દ્વારા ખૂબ પ્રોત્સાહિત કર્યા.
ત્યાગવલ્લભ સ્વામી તથા ઈશ્વરચરણ સ્વામી પાસેથી સત્સંગ પ્રવૃત્તિ કરતાં જે વિઘ્નો આવે, મૂંઝવણ ઊભી થાય કે પ્રશ્નો ઊભા થાય તેના સચોટ ઉકેલ મેળવ્યા.
ઉપરાંત વિવિધ વિષયની ડિબેટ, ક્વિઝ અને જુદા જુદા સંવાદો દ્વારા અગ્રેસરોને કાર્ય કરવા માટે સમજણ, બળ અને માર્ગદર્શન મળ્યાં.
ટૂંકા ગાળામાં યોજાયેલા આ દિવ્ય સંનિધિ પર્વમાં મધ્યસ્થ કાર્યાલયના સંતો તથા આદર્શજીવન વામી, જ્ઞાનવત્સલ સ્વામી, અપૂર્વમુનિ સ્વામી, સંજય પટેલ (વડોદરા), અજય ભટ્ટ(ભરૂચ) તથા મુંબઈ મંડળ, વડોદરા મંડળ અને રાજકોટ મંડળ તેમજ તમામ સંતનિર્દેશકો અને અગ્રેસરોએ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમોને સર્વાંગ સફળતા અપાવી.
સમગ્ર રીતે કાર્યક્રમ અગ્રેસરોને ખૂબ ઉપયોગી રહ્યો અને ત્રણ દિવસ તમામને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થયું હોય તેવું અનુભવાયું.
|
|