|
'મહાજનો યેન ગતઃ સ પંથાઃ' અમેરિકામાં બી.એ.પી.એસ. રીજનલ લીડરશીપ સેમિનાર
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોનાં પ્રસારણ માટે સમર્પિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અમેરિકાના કાર્યકરોનું એક સેમિનાર પર્વ તાજેતરમાં યોજાઈ ગયું. 'મહાજનો યેન ગતઃ સ પંથાઃ' જેવા વૈદિક કેન્દ્રવર્તી વિચાર સાથે મહાપુરુષોના પગલે પગલે કાર્યકરો જીવનના પાઠ શીખે એ હેતુથી નોર્થ અમેરિકાનાં જુદાં જુદાં છ ક્ષેત્રોમાં 'રિજનલ લીડરશિપ સેમિનાર' જૂન અને જુલાઈ માસમાં યોજાઈ ગયા. અઢી દિવસના આ સેમિનારમાં અહીંનાં મંદિરો અને સત્સંગ કેન્દ્રોમાં વિવિધ વિભાગોમાં સેવા આપતા ૨૨૫૦ ચુનંદા કાર્યકર ભાઈ-બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો.
સ્વામીશ્રીની આજ્ઞાથી ભારતથી સત્સંગ પ્રચાર અર્થે પધારેલા કોઠારી ભક્તિપ્રિય સ્વામી(મુંબઈ), નરેન્દ્રપ્રસાદ સ્વામી(આચાર્ય સ્વામી), અક્ષરચરણ સ્વામી, પ્રિયસ્વરૂપ સ્વામી, ધર્મરાજ સ્વામી વગેરે સંતોએ વિવિધ કેન્દ્રોમાં સત્સંગ કાર્યક્રમોમાં લાભ આપ્યો હતો. આ સંતો ઉપરાંત અમેરિકામાં સત્સંગપ્રવૃત્તિ કરતા સ્થાનિક સંતોનાં પ્રેરક પ્રવચનો દ્વારા કાર્યકરોમાં સત્સંગની અસ્મિતા અને કાર્યનિષ્ઠા જેવા ગુણોનું સહજ સિંચન થયું હતું. નોર્થ અમેરિકા ખાતે મધ્યસ્થ કાર્યાલયમાં સેવા આપતા યજ્ઞવલ્લભ સ્વામી, ચૈતન્યમૂર્તિ સ્વામી, ગુણસાગર સ્વામી, મંગલસ્વરૂપ સ્વામી અને રિજનમાં સેવા આપતા અન્ય સંતોએ કાર્યકરોને સત્સંગ પ્રવૃત્તિને સુચારુ બનાવવાની કાર્યશૈલીનું માર્ગદર્શન આપ્યું હતું. સેમિનાર દરમ્યાન વિવિધ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ અંગત જીવનમાં સત્સંગ, સેવા અને વ્યવહારમાં સંતુલન જાળવવા માટેનું આયોજન કરવાની તાલીમ પણ મેળવી હતી.
કાર્યકરોમાં આત્મીયતા અને સંઘનિષ્ઠા કેળવતી વિવિધ રમત-ગમતનું પણઆયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે રજૂ થતાં કાર્યક્રમોમાં કાર્યકરોની જીવનશૈલીને સ્પર્શતાં પાસાંઓને પ્રશ્નોત્તરી તથા સંવાદરૂપે રજૂ કરવામાં આવ્યાં હતાં.
સેમિનારના સફળ આયોજન અને સંચાલન માટે સંતોની સાથે નોર્થ અમેરિકા સત્સંગ મંડળના સૂત્રધાર કનુભાઈ આઈ. પટેલ તથા સ્થાનિક હરિભક્તો વિપુલભાઈ બુદ્ધદેવ, જીમિતભાઈ મહેતા અને ડૉ. ચિરાગભાઈ પટેલનું યોગદાન પ્રશંસનીય રહ્યું હતું. સમગ્ર સેમિનારમાં સૌને જાણે સ્વામીશ્રી પ્રત્યક્ષ ઉપસ્થિત હોય તેવી દિવ્યતાનો માહોલ અનુભવાયો હતો.
આમ, અઢી દિવસના આ સેમિનારમાંથી વિદાય લેતી વખતે પ્રત્યેક કાર્યકરના હૈયે એક અનોખો થનગનાટ જોવા મળતો હતો. સંસ્કૃતિનાં આધ્યાત્મિક મૂલ્યોના જતન માટે પ્રમુખસ્વામી મહારાજના વચને તન-મન-ધન ન્યોચ્છાવર કરનારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આ મજબૂત સ્તંભો, માત્ર આ સંસ્થા માટે જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિના વારસદારો માટે આદર્શ બની રહ્યા છે.
|
|