|
બોચાસણ-વલ્લભવિદ્યાનગરમાં ચંદ્ર-સૂર્યગ્રહણનું ભક્તિપર્વ...
તા. ૧૪-૭-૨૦૦૮થી તા. ૮-૮-૨૦૦૮ સુધી બોચાસણ બિરાજીને સ્વામીશ્રીએ ગુરુપૂર્ણિમા, સત્સંગ પ્રવૃત્તિના કાર્યકરો તથા બાળસત્સંગ પ્રવૃત્તિના કાર્યકરો માટે દિવ્યસંનિધિ પર્વ વગેરે કાર્યક્રમોમાં દિવ્ય લાભ આપ્યો હતો.
બોચાસણમાં સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન સૂર્યગ્રહણ પર્વનો પણ સૌને લાભ મળ્યો હતો. તા. ૧-૦૮-૦૮ના રોજ કેનેડાથી લઈને ચીન સુધી દેખાનાર આ વિશિષ્ટ સૂર્યગ્રહણનો પ્રારંભ બપોરના ૪:૦૦ વાગે થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રી ગ્રહણ શરૂ થતા પૂર્વે સભામંડપમાં પધાર્યા અને એ સાથે ગ્રહણની સભાનો પ્રારંભ થયો. શરૂઆતમાં ધૂન બોલાવવામાં આવી અને ત્યારપછી વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું.
કોઠારી સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીની આગેવાની હેઠળ કીર્તનકાર સંતોનાં મંડળ પાડવામાં આવ્યાં. વારાફરતી બંને વડીલ સંતો જે ચિઠ્ઠી ઉપાડે એ ચિઠ્ઠીમાં આવતા વર્ણન પ્રમાણે સંગીતજ્ઞ સંતો કીર્તનો રજૂ કરતા હતા. સૌથી પહેલાં શ્રીજીમહારાજના શ્રીઅંગની ચિઠ્ઠી ઉપાડવામાં આવી. એ રાઉન્ડ પછી શ્રીજીમહારાજે કરેલી લીલા અને ઉત્સવોની ચિઠ્ઠી ઉપાડવામાં આવી. બંને પક્ષે ખૂબ જ અદ્ભુત રીતે કીર્તનો રજૂ કર્યાં.
પછી વડીલ સંતો સાથે એક ટૂંકી પ્રશ્નોત્તરી રજૂ થઈ. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામીએ અદ્ભુત આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. ગ્રહણ સમાપ્તિ વખતે સ્વામીશ્રીએ ધૂન બોલાવવાનો આદેશ આપ્યો અને એની સાથે સ્વામીશ્રીએ પોતે કરેલ સંકલ્પો કહ્યાઃ ૧. દરેક હરિભક્તના જીવનમાં નાનાં મોટાં કોઈ પણ દુઃખ હોય તે દૂર થાય. ૨. વરસાદ સારામાં સારો થાય ને બધા ખૂબ સુખી થાય. ૩. આતંકવાદને લીધે મૃત્યુ પામેલ નિર્દોષ માણસોના આત્માને શાંતિ મળે અને કુટુંબીઓને એ દુઃખ સહન કરવાનું ધીરજ અને બળ મળે. અને ૪. આતંકવાદીઓના જીવનમાં સદ્બુદ્ધિ અને સન્મતિ આવે.'
સ્વામીશ્રીએ કરેલ આ લોકહિતના સંકલ્પ સાથે આબાલવૃદ્ધ સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં મગ્ન થયા. સ્વામીશ્રી પણ આંખ મીંચીને એકાગ્રતાથી ધૂનમાં પરોવાયા.
લગભગ ૬:૦૫ વાગે ગ્રહણની સભા પૂરી થઈ. આમ, સતત બે કલાક સુધી ગ્રહણપર્વનો અદ્ભુત લાભ સૌએ માણ્યો.
|
|