|
વલ્લભવિદ્યાનગરમાં ચંદ્રગ્રહણ
તા. ૮-૮-૨૦૦૮ના રોજ સ્વામીશ્રી બોચાસણથી વલ્લભવિદ્યાનગર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય ખાતે પધાર્યા હતા. સંતો, સત્સંગીઓ અને સેંકડો છાત્રોએ સ્વામીશ્રીને ઉમળકાભેર વધાવ્યા હતા.
નિત્ય પ્રાતઃપૂજા અને દર્શન લાભ માણતા આણંદ-વિદ્યાનગર વાસીઓને સ્વામીશ્રીના સાંનિધ્યમાં ચંદ્રગ્રહણનો વિશિષ્ટ લાભ મળ્યો હતો.
તા. ૧૬મી ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ મધ્યરાત્રિએ ૧-૦૦થી ૪-૧૦ સુધી વલ્લભવિદ્યાનગર ખાતે બી.એ.પી.એસ. છાત્રાલયના ઉપવનમાં ચંદ્રગ્રહણપર્વની સભા યોજાઈ. સ્વામીશ્રી ગ્રહણ પૂર્વેથી જ સભામાં બિરાજી ગયા. આણંદ-વલ્લભવિદ્યાનગર ઉપરાંત જેને જ્યાં જ્યાંથી ખબર મળ્યાં ત્યાં ત્યાંથી દૂર દૂરથી સ્વામીશ્રીનો આ વિશિષ્ટ લાભ લેવા માટે અહીં દોડી આવ્યા હતા. છેક જામનગરથી માંડીને સુરત અને મુંબઈ અને કેટલાક તો લંડનથી પણ ખાસ રક્ષાબંધન અને ગ્રહણનો લાભ લેવા માટે ઊમટ્યા હતા. મધ્યરાત્રીએ પણ આખો સભામંડપ ચિક્કાર ભરાયેલો હતો. ગ્રહણપર્વર્ નિમિત્તે બી.એ.પી.એસ. છાત્રાલયના સંતો-યુવકોએ વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કર્યું હતું.
સભાના આરંભે વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીએ ઊજવેલાં વિશિષ્ટ ગ્રહણોની સ્મૃતિઓ કરાવી. ત્યારપછી છાત્રાલયની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓની રજૂઆત જાહેરખબરની રીતે વિદ્યાર્થીઓએ કરી. ત્યારપછી સ્વામીશ્રીની સાથે સેવામાં રહેલા સંતો નારાયણચરણ સ્વામી, પ્રિયદર્શન સ્વામીએ સ્વામીશ્રીના વિશિષ્ટ સ્વાનુભવો કહ્યા. ભગવત્ચરણ સ્વામીએ પણ એમાં ઉમેરો કર્યો.
ત્યારપછી છાત્રાલયની કેટલીક લાક્ષણિકતાઓ જાહેરખબરની રીતે રજૂ થઈ. જેમાં વચ્ચે વચ્ચે હળવા રસનું દર્શન થતું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ '૫૦ વર્ષ પછી છાત્રાલય કેવું હશે!' એનું જિજ્ઞાસાપ્રેરક વર્ણન પ્રસ્તુત કર્યું. જિગર પ્રજાપતિએ છાત્રોની ઉજ્જ્વળ કારકિર્દીની વાત કરી અને ત્યારપછી પાર્થ ઘાસવાળાએ 'તમારા સ્મિત કેરી ચાંદનીથી' એ સ્વરચિત ભક્તિ-ગઝ લનું ગાન કર્યું. મિત સુતરિયા કે જેઓ એન.સી.સી.ના યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માટે સમગ્ર ભારતના પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં ગુજરાત તરફથી રશિયા ગયા હતા, તેમની વિશેષતાઓ રજૂ થઈ. એ જ રીતે યોગીન ગજ્જરે સમગ્ર ભારતમાં તબલાવાદનમાં યુથ ફેસ્ટિવલમાં ચતુર્થ ક્રમાંક મેળવ્યો હતો. અમરીષ મિયાણીએ અત્યાર સુધીમાં થિયેટર જોયું જ નથી, વગેરે યુવકો વિશેની રજૂઆત થઈ. અનિલ સાપોલિયાએ કેટલાંક વિશિષ્ટ યોગાસન કરી બતાવ્યા અને ત્યારપછી બારમા ધોરણમાં ભણી રહેલા વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સંવાદ રજૂ કરી સ્વરચિત કૃતિનું ગાન કર્યું.
મહંત સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યાપછી સંતો અને સંગીતજ્ઞ યુવકોએ બે ગ્રૂપમાં વહેંચાઈને અંતાક્ષરી રજૂ કરી અને આ રીતે સમય સરતો ગયો. કોઈને ખ્યાલ ન રહ્યો કે ૧:૦૦ વાગે શરૂ થયેલું આ ગ્રહણ ક્યારે પૂરું થઈ ગયું! છેલ્લે કૃષ્ણપ્રિય સ્વામીએ 'દીખલા દીદાર પ્યારા' સંકીર્તન રજૂ કર્યું. છેલ્લી દશ મિનિટ ગ્રહણમુક્તિ માટેની ધૂન કરવામાં આવી. બરાબર ૪:૧૦ વાગે ગ્રહણ પૂરું થયું. હજારો હરિભક્તોએ આગ્રહણનો લાભલીધો. સ્વામીશ્રીએ પણ સતત વિરાજીને સૌને અદ્ભુત સુખ આપ્યું. સ્વામીશ્રીના દિવ્ય હાસ્યની સ્મૃતિઓ સૌનાં હૈયે વસી ગઈ. નિત્યકર્મથી પરવારી સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે લગભગ ૫:૪૦ વાગી ગયા હતા.
|
|