|
આણંદમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવાયું રક્ષાબંધન પર્વ...
રક્ષાબંધનના પર્વનો ભારતીય સંસ્કૃતિમાં અનેરો મહિમા છે. સમગ્ર ભારતવર્ષમાં આ પર્વ અનન્ય શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઊજવાય છે. ભગવાનના શરણમાં ભક્તનું રક્ષણ છે - એવો સંદેશ પ્રસરાવતા આ પર્વની ઉજવણી સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં તા. ૧૬-૦૮-૦૮ના રોજ વલ્લભવિદ્યાનગર ખાતે કરવામાં આવી હતી. આણંદ રોડ પર આવેલા અક્ષરફાર્મ ખાતે યોજાયેલી આ પાવનપર્વની સભામાં હજારો હરિભક્તો ઊમટ્યા હતા.
ધૂન-પ્રાર્થનાથી આરંભાયેલી આ સભામાં વિવેકસાગર સ્વામીએ હરિલીલામૃત ગ્રંથની પારાયણ સાથે રક્ષાબંધન પર્વનો મર્મ સમજાવ્યો હતો. ત્યારબાદ યુવકો-કિશોરોએ ભક્તિનૃત્ય પ્રસ્તુત કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આજના પ્રસંગે સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામીએ આ સૌ મહાનુભાવોને પુષ્પહારથી સન્માન્યા.
આ પ્રસંગે પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા માટે વિવિધ મંડળોએ બનાવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી હતી. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચારપૂર્વક સ્વામીશ્રીએ પ્રાસાદિક કરેલી રાખડીઓ સૌએ એકબીજાને બાંધી ધન્યતા અનુભવી.
અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'ભગવાનની દયાથી આણંદ એ આનંદનું ધામ છે. આણંદ-વિદ્યાનગરમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને દેશ-પરદેશ જાય છે. વિદ્યાદાન એ બહુ મોટું કામ છે. શિક્ષણનું સ્તર સારું થાય એ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જેટલું શિક્ષણ આવશે એટલો સમાજનો વિકાસ થશે. શિક્ષણ ન હોય તો સમાજ કે દેશનો વિકાસ ન થાય. પણ સાથે સાથે ધર્મ પણ જોઈએ. સંસ્કાર આપવા એધર્મનું કામ છે. શિક્ષણઆપવું એ સામાજિક અને રાજકીય કામ છે. એ બેય વસ્તુનો જો સમન્વય થાય તો તેમાંથી માણસને આત્મબળ આવે છે. જેટલું ધર્મનું આચરણથશે, જેટલા ધર્મના સંસ્કારો પ્રાપ્ત થશે એટલું આપણને આત્મબળ પ્રાપ્ત થશે.
આજે રક્ષાબંધનનો દિવસ છે. આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. ભગવાન પાસે પણ આપણે એ જ માગીએ છીએ કે આપણું રક્ષણ થાય. સંસારમાં કેટલીય મુશ્કેલીઓ આવતી હોય છે, પણ તે આવા પર્વમાં ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણી રક્ષા થાય. ભગવાન ખરેખર રક્ષણ કરે છે. રક્ષાબંધનના પર્વે દરેકની અંદર શુભ ભાવના થાય, એકબીજા માટે સદ્ભાવ થાય એવું માગવું.
શાસ્ત્રો કહે છે, તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. મકાનની રક્ષા તમે કરો તો તમને રહેવાનું સુખ આવે છે એમ જો આપણે ધર્મનું રક્ષણકરીશું, ભગવાનનો આશરો રાખીશું તો ભગવાન સર્વનું રક્ષણ કરશે અને સર્વને સુખ-શાંતિ પણ થશે. સામાજિક કે સાંસારિક જે કંઈ કાર્ય હોય એ બધામાં ભગવાન મુખ્ય છે. એમને માટે આસ્થા રાખીને જેટલું કંઈ કરીશું એનું અનંત ગણું તેઓ આપણને આપે છે. આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએકે જે કંઈ અમે કર્યું છે એનું એવું ફળ આપો કે આપના ધામનું અપરંપાર સુખ મળે.'
અંતે સૌએ મહાપ્રસાદ લઈ વિદાય લીધી રક્ષાબંધન પર્વે સ્વામીશ્રીની દિવ્ય સ્મૃતિઓ સૌના હૈયે અંકિત થઈ ગઈ.
|
|