|
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિપર્વ
તા. ૧૮-૯-૨૦૦૮ના રોજ અમદાવાદ ખાતે સ્વામીશ્રીની પાવન નિશ્રામાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિપર્વ ભક્તિભાવપૂર્વક ઊજવાઈ ગયું. વહેલી સવારથી જ વરસાદની ઝરમર વર્ષા વચ્ચે પણ શાહીબાગના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઉત્સવનો માહોલ જામતો જતો હતો. દૂરસુદૂરથી મોટી સંખ્યામાં આવેલા હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. કપાળમાં ચંદનની અર્ચા અને તિલકચાંદલો કરેલા સ્વામીશ્રી લિફ્ટ દ્વારા મંદિર ઉપર શાસ્ત્રીજી મહારાજના ખંડ આગળ પધાર્યા ત્યારે સંતોએ 'આજે યજ્ઞપુરુષને દ્વાર' કીર્તન ગાઈને મુજરા કરી સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા. મંદિરના મધ્ય ખંડમાં શ્રીજીમહારાજ ગુણાતીતાનંદ સ્વામીને ધારે દૂધપાક પીરસતા હોય એવું આજના પ્રસંગને અનુરૂપ સુંદર સ્મૃતિદૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. દર્શન કર્યા બાદ, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરાવતાં સંતોએ સ્વામીશ્રીના મસ્તકે પાઘ બાંધી અને શાસ્ત્રીજી મહારાજના સમયમાં સંતો જે રીતે પાઘ બાંધતા હતા એવી પાઘ ધારણ કરી સ્વામીશ્રીએ આજના સ્મૃતિપર્વને વિશેષ યાદગાર બનાવી દીધો હતો. સ્વામીશ્રી જ્યારે મંદિરેથી નીચે પધાર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજના વખતના સમર્પિત અને નિષ્ઠાવાન હરિભક્તોના પાત્રરૂપે હરોળબદ્ધ ઊભેલા યુવકોએ સ્વામીશ્રીને પોતપોતાના પાત્રનો પરિચય આપી વિશિષ્ટ રીતે સત્કાર્યા.
સભામંડપમાં સ્વામીશ્રીના આગમનને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું. પાર્શ્વભૂમાં 'શાસ્ત્રીજી મહારાજનો સંગ' એ કીર્તન ગૂંજી રહ્યું હતું. સ્વામીશ્રીએ કીર્તનના તાલે તાળીઓ પાડતાં પાડતાં ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિઓ આપી હતી. આજની પ્રાતઃપૂજામાં સંતોએ શાસ્ત્રીજી મહારાજનાં દિવ્ય કાર્ય અને વ્યક્તિત્વ સંબંધી કીર્તનો કોમેન્ટરીની સાંકળ સાથે ગાયાં. આ કીર્તનો દરમ્યાન પાર્શ્વભૂમાં આવેલા ઈ-સ્ક્રીનમાં પણ શાસ્ત્રીજી મહારાજની વિવિધ દુર્લભ છબિઓનાં દર્શન થઈ રહ્યાં હતાં. શાસ્ત્રીજી મહારાજે વેઠેલા કષ્ટ સંબંધી કીર્તન દરમિયાન - 'કષ્ટ-ઉપાધિ ના લાગે ને યજ્ઞપુરુષ છે સાથે' એ કડી ગવાતાં જ માળા ફેરવતાં ફેરવતાં ડાબો હાથ ઊંચો કરીને સ્વામીશ્રીએ લટકું કરીને ઉપસ્થિત સૌને અદમ્ય ઉત્સાહથી છલકાવી દીધા હતા અને એક અવિસ્મરણીય વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. આજે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિપર્વ નિમિત્તે તૈયાર કરવામાં આવેલો દૂધપાક સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં શ્રી હરિકૃષ્ણ મહારાજને ધરાવવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ આ દૂધપાકમાં ગુલાબની પ્રસાદીભૂત પુષ્પની પાંખડીઓ પધરાવી એને પ્રસાદીભૂત કર્યો હતો. આ દૂધપાકનો પ્રસાદ સૌ હરિભક્તોને પ્રાપ્ત થયો હતો.
પ્રાતઃપૂજા બાદ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર અને ચાદર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી હતી. ત્યાર બાદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રૅકર્ડની સને ૨૦૦૯ની આવૃત્તિમાં પ્રકાશિત થયેલા દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની છબિ સ્વામીશ્રીએ નિદર્શિત કરી ત્યારે ઉપસ્થિત સૌએ ગૌરવની લાગણી અનુભવી તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધું હતું. આજના પ્રસંગે સ્વામિનારાયણ અક્ષરપીઠ તરફથી સને ૨૦૦૯ની સાલ માટેનાં કેટલાંક કૅલેન્ડરો સ્વામીશ્રીએ ઉદ્ઘાટિત કર્યાં હતાં. ત્યાર બાદ નંદ-પરમહંસોનાં કીર્તનોની કૅસેટ 'નેહ નિભાવના'નું ઉદ્ઘાટન તેના સંગીત દિગ્દર્શક શ્રી દિલીપભાઈ ધોળકિયાએ સ્વામીશ્રી પાસે કરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું: 'આજે આપણા માટે ખૂબ આનંદનું પર્વ છે. બધા સંતો-હરિભક્તો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છો, આજે ધીરો ધીરો વરસાદ આવ્યો એટલે જમવામાં ભીડો પડશે, પણ જેટલો ભીડો પડશે એટલું પચી જશે અને ઠંડક થઈ છે એટલે થોડું વધારે જમાશે પણ ખરું. ભીડાભક્તિમાં આપણે બધા ટેવાયેલા જ છીએ. વરસાદ આવે તો આપણે રાજી થવું કે દુનિયા, ખેડૂતો, વેપારીઓને શાંતિ થાય. જીવપ્રાણીમાત્રને પાણી મળશે એ મોટી વાત છે.
શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી પર પ્રગટ થયા ને એમણે જે અદ્ભુત કાર્યો કર્યાં એ પ્રસંગો આપણે કીર્તનમાં સાંભળ્યાં. એ તો અક્ષરધામમાંથી જ આવેલા, એટલે નાનપણથી જ ભક્તિ કરવી, સત્સંગ કરવો એ સહજ હતું. નાના છોકરા ધૂળમાં રમે ત્યારે સ્વામી એનાં દેરાં કરે, મૂર્તિ ને ધજા કરે. શાસ્ત્રીજી મહારાજ બાળપણથી આ રમત રમતા હતા. મંદિરો કરવા એમનો જન્મ હતો તો રમતમાં પણ એ જ કરતા. શ્રીજીમહારાજની પ્રસાદીનું ગામ મહેળાવ. સ્વામી બે-ત્રણ મહિનાના હતા તે વખતે શુક સ્વામી ત્યાં આવેલા અને એમણે વર્તમાન ધરાવીને આશીર્વાદ આપ્યા કે આ તો બહુ મોટા થશે. પછી ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયા ત્યારે તેમણે કહ્યું કે આ તો બહુ મોટાં અદ્ભુત કામ કરશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીના પણ આશીર્વાદ મળ્યા. એ તો આશીર્વાદ લઈને જ જન્મ્યા હતા, આ તો દુનિયાની દૃષ્ટિએ આ બધું કરવાનું હોય છે.
વરતાલના ગોરધનદાસ કોઠારીને વિચાર આવ્યો કે છોકરો હોશિયાર છે ને મારી પાસે રહે તો કોઠારનું બધું સંભાળે. સૌ સૌની રીતે સૌ નીરખે! ગોરધનદાસ કોઠારીએ રઘુવીરજી મહારાજ, ભગવત્પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, લક્ષ્મીપ્રસાદજી મહારાજ ને શ્રીપતિ-પ્રસાદજી મહારાજ આ પાંચ આચાર્ય સુધી વહીવટ કરેલો. પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો વિજ્ઞાનાનંદ સ્વામીને મળ્યા કે શ્રીજીમહારાજને એ મળેલા છે, ૧૨ વરસ મહારાજ ભેગા રહેલા છે એટલે ત્યાં ગયા. આચાર્ય વિહારીલાલજી મહારાજને એમ હતું કે મારી પાસે રહે તો મને સારા સેવક મળે, પણ સ્વામીને તો ભગવાન સાથે લગની હતી અને મહારાજનું જ્ઞાન, અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તાવવું હતું.
જૂનાગઢ પ્રદેશમાં પહેલેથી ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે એ જ્ઞાન હતું જ. ત્યાં મંદિરોમાં પણ અક્ષર અને પુરુષોત્તમ પધરાવ્યા છે. ગીતામાં આઠમો અધ્યાય અક્ષરબ્રહ્મ યોગનો છે ને પંદરમો પુરુષોત્તમ યોગનો છે. આ શાસ્ત્રોક્ત રીતે, સદ્ગુરુ થકી નક્કી કરી, બધે જઈને તપાસ કરી ને પછી નક્કી કર્યું કે અક્ષર-પુરુષોત્તમની વાત સાચી છે, પછી શાસ્ત્રીજી મહારાજે આ જ્ઞાનની વાત કરી.
આ કામ કરવામાં કષ્ટ પડે, પણ એમાં એ ડર્યા નથી. તેઓ વડતાલથી માન, મોટપ, કીર્તિ, પ્રતિષ્ઠા માટે નહોતા નીકળ્યા. એમને પ્રતિષ્ઠાની કંઈ પડીય નહોતી ને એની ઇચ્છાય નહોતી. તેમને તો એક જ વાત હતી કે અક્ષરપુરુષોત્તમની વાત સાચી છે, તો એનાં મંદિરો કરવાં ને લોકો માટે આ વાત જાહેર કરવી.
ગઢડા પ્રકરણના ૭૧ના વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે : 'આ વાત તમારે સમજવી ને બીજાને વાત કરવી.' શાસ્ત્રીજી મહારાજે આ આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું છે, ગમે તેમ નથી કર્યું. વચનામૃતમાં લખાયેલું છે. વડતાલ સંસ્થા તરફથી જ છપાયેલાં વચનામૃતોમાં આ વાત છે. આ એમણે ઉટાંગ-ઉભાંગ નથી ઊભું કર્યું પણ સાચી વાત કરી છે.
'સાચે દેવળે ઘંટ વાગે' - એમ શાસ્ત્રીજી મહારાજ કહેતા. આપણી વાત સાચી છે તો આજે હજારો લોકોને સમજાય છે અને લોકો એ માર્ગે ચાલે છે. શાસ્ત્રીજી મહારાજે આવીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે. આપણાં જન્મમરણ ટળી જાય ને અક્ષરધામમાં જઈને બેસાય એવું અદ્ભુત જ્ઞાન આપ્યું છે. બ્રહ્મરૂપ થયા સિવાય માયાના ભાવ ટળે નહીં ને પુરુષોત્તમની સેવા થાય નહીં. માટે આપણે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. આ જ્ઞાન સાચું છે, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ સાચા છે. કેવળ લોકોના કલ્યાણ માટે કાર્ય છે, એમાં આપણે જોડાયા છીએ તો ભગવાન ખૂબ સુખ-શાંતિ આપશે. બધાને આશીર્વાદ છે.''
આજે સતત અડધો કલાક સુધી સ્વામીશ્રીએ અદ્ભુત આશીર્વચનોની સરવાણી વહાવી હતી. શાસ્ત્રીજી મહારાજનાં કાર્ય અને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની વાતો કરતાં કરતાં સ્વામીશ્રી સમય ભૂલી ગયા હતા.
સભા બાદ આશરે ૧૫,૦૦૦ હરિભક્તોએ દૂધપાક-પૂરીનો મહાપ્રસાદ લઈ વિદાય લીધી હતી.
|
|