|
ગઢડામાં બી.એ.પી.એસ. દ્વારા આરોગ્ય કેન્દ્ર સહિત લોકસેવાનાં ત્રણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ તથા નેત્રનિદાન-નેત્રમણિ આરોપણ કેમ્પ
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તીર્થધામ ગઢડા ખાતે, ગઢડા અને આજુબાજુનાં ગામનાં લોકોની સુખાકારી અને લાભાર્થે લોક-કલ્યાણની ગંગા સમા અનેકવિધ સામાજિક નવપ્રસ્થાનોનું લોકાર્પણ તા. ૬-૯-૨૦૦૮ના રોજ કરવામાં આવ્યું હતું.
બી.એ.પી.એસ. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મંદિરનાં પ્રાંગણમાં જ રચાયેલ સ્વામિનારાયણ દવાખાનું, વ્યસનમુક્તિ કેન્દ્ર, મહિલા ઉત્કર્ષ કેન્દ્ર અને પર્યાવરણ જાગૃતિ કેન્દ્રનાં ઉદ્ઘાટનવિધિ પ્રસંગે ગુજરાત રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઈ દલાલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમા, ગઢડા નગરપાલિકાના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સારંગપુર મંદિરનાં કોઠારી જ્ઞાનેશ્વર સ્વામી, ગઢડા મંદિરના કોઠારી અધ્યાત્મસ્વરૂપ સ્વામી તથા સંતોએ વૈદિક મંત્રોચ્ચારો અને શાસ્ત્રોક્ત વિધિથી આ ત્રણેય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઉદ્ઘાટનવિધિ બાદ યોજાયેલી જાહેરસભામાં ગઢડા નગરની ભાવિક જનતા ઊમટી હતી. ઉપસ્થિત મહાનુભાવોના સત્કારવિધિ બાદ બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ચાલતા સંસ્થાનાં વિરાટ સેવાકાર્યોનો પરિચય આપ્યો હતો.
સમારોહને સંબોધતાં ગઢડાના અગ્રણી ડૉ. કળથિયાએ જણાવ્યું હતું કે 'બી.એ.પી.એસ. દ્વારા દવાખાનાના ઉદ્ઘાટનથી ગામના લોકોને સેવાનો લાભ મળશે. તેમજ વ્યસનમુક્તિના કાર્યને વેગ મળશે.' પૂર્વર્ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 'દરેક કાર્યર્ સરકાર જ કરે તેવી છાપ સમાજમાં છે ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમની સંસ્થા આજે સમાજને આરોગ્ય સેવાઓ, વ્યસનમુક્તિ અને મહિલા ઉત્કર્ષની અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે.' ઊર્જામંત્રી સૌરભભાઈ દલાલે જણાવ્યું હતું કે 'ગઢડામાં દવાખાના સહિતનાં જે લોકાર્પણ થયાં તેનાથી ગઢડામાં લોકોને મોટો લાભ થયો છે. મહિલા-બાળ ઉત્કર્ષનાં કાર્યોથી પણ જાગૃતિ આવશે. પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત આ સેવાયજ્ઞથી ગઢડાની જનતાને આવનારા દિવસોમાં મોટો લાભ થશે.'
આ પ્રસંગે દવાખાનાના નિર્માણ તથા સંચાલનમાં નિઃશુલ્ક સેવા આપનાર ડૉક્ટરો પૈકીના ડૉ. બાજડિયા, ડૉ. ભૂવા, ડૉ. ધાનાણી, ડૉ. હર્ષદભાઈ, ડૉ. ઝીણાભાઈ, ડૉ. વાઘાણી અને ડૉ. રાવલનું મંત્રીશ્રીઓના હસ્તે સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ગઢડાના મામલતદાર મહિપાલસિંહ ચુડાસમા, ઉદ્યોગપતિ શામજીભાઈ કેવડિયા, નગરપાલિકાના ચીફ ઓફિસર અશિત ઉપાધ્યાય, નગરપાલિકાના સભ્યો, ભક્તરાજ દાદાખાચર તથા જીવાખાચરના વંશજો, સ્થાનિક આગેવાનો અને વ્યાપારીઓ સહિત ઉપસ્થિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આરુણિ ભગતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ દવાખાનાંનો પ્રારંભ થયા બાદ માત્ર ૪૦ દિવસ દરમ્યાન રોજના સો દર્દીઓ લેખે ૪૧૧૪ જેટલા દર્દીઓ લાભાન્વિત થયા હતા.
|
|