ભાદરામાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૯-૧૦-૨૦૦૮થી તા. ૧૨-૧૦-૨૦૦૮ સુધી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યસ્થાન ભાદરામાં બિરાજીને સ્વામીશ્રીએ સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. તા. ૯-૧૦-૨૦૦૮ના રોજ સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે ગામની ભાગોળથી જ મોટરસાઈકલ સવારોએ સ્વામીશ્રીને વધાવ્યા હતા. મંદિરના સભામંડપમાં સંતો-હરિભક્તોએ વિવિધ હાર અર્પણ કરી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ મહિમાવંતી જન્મભૂમિ પર સુવર્ણની આભા ખડી કરી રહેલા પીળા રંગના પથ્થરમાંથી બની રહેલા ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય નિહાળીને સ્વામીશ્રીએ ખૂબ પ્રસન્નતા દર્શાવી હતી.
તા. ૧૨-૧૦-૨૦૦૮ના રોજ સ્વામીશ્રીના પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજની રજતતુલા, રવિસભા અને સ્વામીશ્રીનાં આશીર્વચનનો લાભ પ્રાપ્ત કરી સૌએ ધન્યતાની લાગણી અનુભવી હતી.
આ જ દિવસે સંધ્યા સમયે ઊંડ નદીમાં જળવિહાર કરી, પ્રાસાદિક જળને માથે ચડાવી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને વિશેષ સ્મૃતિ આપી હતી. જળવિહાર બાદ સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાસાદિક વડ નીચે ઉપસ્થિત સૌને અદ્ભુત આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
આ ગુણાતીત-તીર્થમાં ત્રણ દિવસ રોકાઈને સ્વામીશ્રીએ ગોંડલ ગુણાતીત-ધામ અક્ષર મંદિરે જવા વિદાય લીધી હતી.
|