અક્ષરતીર્થ ગોંડલમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૧૩-૧૦-૨૦૦૮ના રોજ ભાદરાથી મહાતીર્થ ગોંડલ પધાર્યા. એક વર્ષ પછી ગોંડલ પધારી રહેલા સ્વામીશ્રીને વધાવવા માટે સમગ્ર પંથકના સંતો-હરિભક્તોનાં હૈયાં થનગની રહ્યાં હતાં. રાજકોટ-ગોંડલ બાયપાસ માર્ગ પરથી પસાર થઈ રહેલી સ્વામીશ્રીની ગાડી રાજકોટના જે જે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે તે વિસ્તારની આજુ બાજુ ના હરિભક્તોએ રસ્તા ઉપર ઊમટીને ગુરુહરિનો જયકાર કરતાં કરતાં ઠેર ઠેર બી.એ.પી.એસ.ના ધ્વજ લહેરાવીને સ્વામીશ્રીને વધાવ્યા હતા. બરાબર ૧૧:૩૦ વાગે સ્વામીશ્રી ગોંડલ પધાર્યા ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને ગુરુકુળના વિદ્યાર્થીઓએ હરોળબદ્ધ રીતે ઊભા રહીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. યોગીજી મહારાજના સ્મૃતિ મંદિર, અક્ષરદેરી તથા મુખ્ય મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. ગોંડલ મંદિરના મહંત બાલમુકુંદ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી સમગ્ર સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.
તા. ૧૪-૧૦-૨૦૦૮ના રોજ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૨૪મા પ્રાગટ્યોત્સવ-શરદોત્સવનો લાભ લઈને દેશ-વિદેશના હજારો હરિભક્તો ધન્ય બન્યા હતા. મહાતીર્થ અક્ષરદેરીના સાંનિધ્યમાં સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને તથા નિત્ય સત્સંગ કાર્યક્રમોમાં દૂર-દૂરથી ઊમટતા હરિભક્તોએ હજારોની સંખ્યામાં એ લાભ પ્રાપ્ત કર્યો હતો. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સૌને ગોંડલ ખાતે દિવાળી, ચોપડાપૂજન અને નૂતનવર્ષના પ્રારંભે ભવ્ય અન્નકૂટોત્સવનો લાભ પ્રાપ્ત થયો હતો.
|