|
નીલકંઠ વણી - ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા
તીથલના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં નીચે રંગમંડપના વિશાળ ખંડમાં નીલકંઠ વણી મહારાજ તથા ગુરુપરંપરાની આરસની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા તા. ૨૫-૧૧-૨૦૦૮ના રોજ યોજાઈ હતી. એ નિમિત્તે ઠાકોરજી સમક્ષ ૯૯૮ વાનગીઓનો અન્નકૂટ ગોઠવાયો હતો. સ્વામીશ્રીએ તેની આરતી ઉતારી સ્મૃતિ આપી.
૧૦.૩૦ વાગે સ્વામીશ્રીનાં કરકમલો દ્વારા નીલકંઠ વણીની નૂતન અભિષેક મૂર્તિ સહિત ગુરુપરંપરા મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા અને આરતી-પૂજન થયાં હતાં. પૂર્વ પ્રતિષ્ઠિત નીલકંઠ વણીની મૂર્તિનું ઉત્થાપન કરી દેવાયું હતું. તે મૂર્તિનો પ્રાણ વેદોક્ત વિધિથી કળશમાં સ્થાપિત કરાયો હતો. તે પ્રાણ નૂતન મૂર્તિમાં પ્રતિષ્ઠિત કરી સ્વામીશ્રીએ યાવચ્ચંદ્રદિવાકરૌ સૌ હરિભક્તોના ક્ષેમ-કુશળ માટે નીલકંઠ વણી મહારાજ પધરાવ્યા.
આ તમામ મૂર્તિઓની સેવા કરનાર હરીશભાઈ ભૂપતાણીને આશીર્વાદ આપ્યા. સિંહાસન, મૂર્તિ વગેરેની સેવાઓ કરનાર અહીંના હરિભક્તો મગનભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ, વાલજીભાઈ ભાનુશાલી, પંકજભાઈ પટેલ, મહેશભાઈ એમ. પટેલ તથા ઉપયજમાન સુનીલભાઈ એ. દેસાઈ, વિનોદભાઈ છોટુભાઈ પટેલ તથા ડાહ્યાભાઈ એન. રાવત(ભૂતસર) તેમજ નાનાં નાનાં ગામોમાંથી પણ પોતાની શક્તિ બહારની સેવા હરિભક્તોએ કરી હતી. આ તમામ હરિભક્તોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.
૧૧:૪૫ વાગે પ્રતિષ્ઠા નિમિત્તેની સભામાં પધાર્યા. વિવેકસાગર સ્વામી પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા હતા. તેઓના પ્રવચન પછી દક્ષિણ ગુજરાતનાં વિવિધ સત્સંગમંડળોએ તૈયાર કરેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ભક્તિ અદા કરી હતી.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'ભગવાનનાં મંદિરો હજારો મનુષ્યોના કલ્યાણ માટે છે અને આવા ઉત્સવોથી આનંદ થાય છે. આજનો દિવસ પણ એવો છે કે નીલકંઠ વણી અહીં બિરાજ્યા.
दुर्लभो मानुषो देहो... મનુષ્ય દેહ દુર્લભ છે. તેનો સદુપયોગ કરીએ અને એનાથી પણ દુર્લભ સાધુનો સમાગમ છે. જે સાચા સાધુ છે એને આ લોકની કોઈ ઇચ્છા નથી, કોઈ વાંછના નથી, જેને ભગવાન સિવાય કાંઈ નથી અને દરેકનું સારું થાય એવું જ કાર્ય કરે છે, જેને કનક-કામિનીનો ત્યાગ છે, એવા સંત થકી જ્ઞાન પ્રાપ્ત થાય ને સુખિયા થવાય. જગતની ખોટી વૃત્તિઓને, ઉપદેશ આપી ત્યાગ કરાવી અને જીવને ભગવાનના શરણે કરી સારાં કર્મો કરતાં શીખવે છે - એ પરમાર્થ મોટો છે. સાચા સંત મળે ત્યારે ધર્મનો માર્ગ, સદાચારનો માર્ગ બતાવે, એ માર્ગ નિષ્કંટક છે. સરળતાથી ભગવાન પાસે પહોંચી જઈએ. તો એ માર્ગે ચાલીએ ને સર્વ પ્રકારે સુખી થઈએ.'
આજના પ્રતિષ્ઠા ઉત્સવે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદ લીધો હતો.
|
|