|
પ્રાર્થના સભા
તાજેતરમાં મુંબઈમાં ૨૬ નવેમ્બરે આતંકવાદી હુમલામાં દિવંગત આત્માઓની શાંતિ માટે વિરાટ પ્રાર્થના સભા તીથલ ખાતે બી.એ.પી.એસ. મંદિરમાં યોજાઈ હતી. આમ તો સ્વામીશ્રીના તીથલ રોકાણ દરમ્યાન સંતો-ભક્તોએ, સ્વામીશ્રીના ૮૮મા જન્મદિનને લક્ષમાં રાખીને ગુરુહરિ પ્રતીક જન્મ જયંતી ઉત્સવનું આયોજન કર્યું હતું. સ્વામીશ્રીએ દેશ-વિદેશમાં ક્યાંય પણ તેઓની જન્મજયંતી ઊજવવાને બદલે પ્રાર્થનાસભા કરવા આદેશ આપ્યો હતો. આથી તીથલ ખાતે યોજાયેલ પ્રતીક જન્મ-ઉત્સવ પણ રદ કરાયો હતો.
તીથલમાં મંદિરના પરિસરની વિશાળ ભૂમિમાં તા. ૨૮-૧૧-૨૦૦૮ના રોજ વિરાટ શ્રદ્ધાંજલિ - પ્રાર્થના સભાનો પ્રારંભ સાંજે ૫:૩૦ વાગે થયો. દોલતભાઈ (ધારાસભ્ય, વલસાડ), નરેશભાઈ પટેલ (ધારાસભ્ય, ચીખલી), કાનજીભાઈ પટેલ (રાજ્યસભાના સભ્ય), કલેક્ટર આર.ડી. દવે તથા ડી.ડી.ઓ. ઇન્દ્રીશા વોરા વગેરે સ્થાનિક અગ્રણીઓ સહિત આશરે ચાલીસ હજારથી વધારે હરિભક્તો ઉપસ્થિત હતા.
સ્વામીશ્રીના પધારતાં પહેલાં બ્રહ્મદર્શન સ્વામી, વિવેકસાગર સ્વામીએ પ્રવચનો કર્યાં. ડૉક્ટર સ્વામીના પ્રવચન પછી યુવકોએ 'સૌનું કરો કલ્યાણ' એ કીર્તન ગાયું. ત્યારપછી યોગીચરણસ્વામીએ 'વૈષ્ણવજન તો' તથા 'સંત પરમ હિતકારી' એ કીર્તનો ગાયાં અને અખંડદર્શન સ્વામીએ 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' એ કીર્તન ગાયાં અને સૌને શ્રદ્ધાપૂર્વક અંજલિ અર્પણ કરી.
અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું: 'આજે પ્રાર્થનાસભામાં આપ સૌ એટલા માટે આવ્યા કે આપને સૌને ભગવાનમાં શ્રદ્ધા છે, ધર્મમાં શ્રદ્ધા છે, મહાન ૠષિઓ-ભક્તોનાં ભજનોમાં, એમના વિચારોમાં શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાના હિસાબે આપણે આટલા સમૂહમાં ભેગા થયા છીએ. જેને ભગવાનમાં શ્રદ્ધા છે, ધર્મમાં શ્રદ્ધા છે, સદાચાર છે એને જરૂર સારા વિચારો આવે છે. અને એવિચારો આપણામાં કાયમ રહે એના માટે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, જેથી સર્વત્ર શાંતિ થાય.
ભગવાનમાં શ્રદ્ધા ખૂટે છે ત્યારે ખોટું કર્મ થાય છે. અને ખોટું કરવાથી કોઈને ફાયદો થયો જ નથી. બીજાનું જેટલું સારું કરીશું એટલું આપણું સારું થવાનું_ છે. એટલે પોતપોતાના ધર્મમાં રહીને, એના આદેશો પ્રમાણે વર્તીશું તો પછી આબધા પ્રશ્નો આપણને રહેશે જ નહીં.
આજે જે કંઈ આતંકવાદની વાત સાંભળી છે એ દુઃખદ છે. બીજાને દુઃખી કરો, હેરાન કરો, મુશ્કેલી કરો તો એમાંથી કોઈ દિવસ ફાયદો નથી, ઊલટી અશાંતિ વધે છે. એટલા માટે આપણાં શાસ્ત્રો કહે છે કે જીવપ્રાણી માત્ર પર દયા રાખો. આસુરી અને દૈવી બે પ્રકૃતિઓ છે. દૈવી પ્રકૃતિ બધાને શાંતિ સુખ આપે છે. આસુરી પ્રકૃતિ બીજાને હેરાન કરવા, મુશ્કેલીઓ કરવી એ જ છે. પણ બીજાને દુઃખી કરીને આપણે સુખી ન થવાય. સાચી શ્રદ્ધા હોય તો ક્યારેય કોઈનેય દુઃખી કરવાનો વિચાર જ ન આવે.
સંત થકી ભગવાનમાં સાચી શ્રદ્ધા થાય, ધર્મમાં શ્રદ્ધા થાય ને આપણી સંસ્કૃતિ દૃઢ થાય.
એનાથી જ્ઞાન મળે પછી ખોટા ધંધા કરવાનું મન થાય નહીં. જેને વિષે જેને શ્રદ્ધા હોય તેને માનો પણ સાચી શ્રદ્ધા સૌના જીવમાં જેટલી ઊતરશે એટલા આવા ખોટા પ્રસંગો થશે નહીં. સાચી વસ્તુ સમજાય તે સારા માર્ગેચાલવાના છે.' એમ કહીને સ્વામીશ્રીએ પ્રાર્થના કરી હતી કે 'આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ પ્રાપ્ત થાય, ઘાયલ લોકોને સુસ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, સર્વત્ર શાંતિ જળવાય.'
સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ પછી શ્રદ્ધાંજલિના વૈદિક શાંતિપાઠરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ધૂન કરવામાં આવી. અંતે સમૂહ આરતી દ્વારા સૌની શુભકામના કરી હતી.
આમ, મૃતાત્માઓની એક દિવ્ય શ્રદ્ધાંજલિ સભા સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંપન્ન થઈ ગઈ!
|
|