|
તીથલ મંદિરનો નવમો પાટોત્સવ
તા. ૧૨-૧૨-૨૦૦૮ના રોજ તીથલ મંદિરનો નવમો પાટોત્સવ હતો. પાટોત્સવનો વિધિ સવારે સંપન્ન થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ પાટોત્સવની આરતી ઉતારી. આ નિમિત્તે ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રતિષ્ઠા સ્વામીશ્રીએ કરી. આજથી મંદિરના દશાબ્દી વર્ષનો પ્રારંભ થતો હતો. એ નિમિત્તે સંતોએ સ્વામીશ્રી પાસે દશાબ્દી વર્ષના પ્રારંભના દીપનું પ્રાગટ્ય કરાવ્યું. આજના દિવસે રોહિણા, ધનોરી, પોરવાસણ-ધરાસણા, આમધરા, સેગવી, ચીખલી-થાલા, તલાવચોરા ગામતળ, વાઘછીપા, દરબડિયા, વાઘલધરા, જેસીયાફળિયા, પંચલાવ-ગોરગામ, ખાંજણફળિયા, ભૂમાપારડી, ડુંગરી, રોલા-ડુંગરી, બારોલિયા, મલિયાધરા, સોલધરા, સેગવાપીઠા, ખાપરવાડા-પોર-વાસણ, અરવાડા, તિઘરા, પાલણ, દોણજા નાની ખાડી, કકવાડી, ઊમરસાડી વગેરે જુદાં જુદાં ગામોમાંથી ૫૦૮ હરિભક્તોએ કુલ મળીને ૧૪૬૦૧ કિલોમીટરની પદયાત્રા કરી હતી. તેઓને સ્વામીશ્રીના અંતરના આશિષ પ્રાપ્ત થયા.
અંતે સૌ ઉપર સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં જણાવ્યું 'સાંખ્ય ને યોગ આ બે વસ્તુનું જ્ઞાન જો હોય તો વાંધો ન આવે. સાંખ્ય એટલે ખોટું, નાશવંત, તુચ્છ. આ લોકની સુખ-સમૃદ્ધિ નાશવંત છે એ બધું આંખ મીંચાય પછી કાંઈ સાથે આવવાનું નથી. સ્મશાન ભેગા થવાનું છે અને જેને જ્ઞાન છે એને થાય કે ભગવાનના ધામમાં જવાશે ને ભગવાનનું સુખ પ્રાપ્ત થશે.
સત-અસતનો વિવેક હોય તો આપણા જીવનમાં શાંતિ ને સુખ પ્રાપ્ત થાય છે. શ્રીજીમહારાજ કહે છે - જેને સત-અસતનો વિવેક હોય એ પોતાનામાં જે અવગુણ હોય એને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે.
ભગવાને બધું સારું કર્યું છે, પણ આપણામાં વિવેક નથી એટલે બધું ખોટું દેખાય, બીજાના અવગુણ દેખાય, બીજાના દોષ દેખાય. બધી જાતની મુશ્કેલી થાય છે એનું કારણ એ છે કે આપણે આપણા અવગુણ જોતા નથી, આપણામાં છે. એ અવગુણ ટાળવા માટે આપણે આવ્યા છીએ તો પછી બીજામાં સારું આપણને દેખાય, કારણ કે દરેકમાં ભગવાનનો વાસ છે એને લઈને આપણને બધે સારું જ દેખાય અને એનાથી દૃષ્ટિમાં બધું સારું આવે.
સવળા વિચાર કરવા ને અવળા વિચારનો ત્યાગ કરવો. અવળા વિચાર એટલે કોઈ બીજાને નુકસાન કરવું, કોઈને મુશ્કેલી કરવી. બીજાને દુઃખી કરવા, હેરાન કરવા એ આપણા જીવનમાં ખોટું છે. પણ દરેક માણસ સુખી થાય એ કેટલો સારો વિચાર છે! અત્યારે આતંકવાદ થયો, આવીને નુકસાન કર્યું એમાં એમને શું લાભ છે? કાંઈ નથી, પણ કેવળ રાગદ્વેષ છે, પણ નિર્દોષ માણસો આની અંદર હોમાઇ જાય છે. આ અવળો વિચાર છે અને સવળો વિચાર એટલે બધાનું સારું કરવું, સારું ઇચ્છવું. જોગી મહારાજ કહેતા 'ભગવાન સર્વનું ભલું કરો.' આપણાં શાસ્ત્રોનો પણ સિદ્ધાંત છે.
આપણે આપણું પોતાનું જ જોવાનું છે કે આપણને કોઈ બંધન ન થાય, મુશ્કેલી ન થાય, કોઈને વિષે કાંઈ રાગદ્વેષ પણ ન થાય. અને આપણને સત્સંગમાં સદાય દિવ્યતા દિવ્યતા રહે. એવી રીતનો વિચાર અહીં આપણને ભગવાન આપે છે.'
|
|