|
સુરતમાં પાટોત્સવ અને ગુરુપરંપરા મૂર્તિપ્રતિષ્ઠા
તા. ૨૮-૧૨-૨૦૦૮ના રોજ ગુરુપરંપરા પુનઃપ્રતિષ્ઠા અને ૭૦મો ભાગવતી દીક્ષામહોત્સવ હતો. દશેક હજાર હરિભક્તોની ઉપસ્થિતિમાં પાટોત્સવનો વિધિ વહેલી સવારે પ્રારંભાયો. પોડિયમની આગળ આવેલી બંને દેરીઓમાં ગુરુપરંપરાની નૂતન મૂર્તિઓની પ્રતિષ્ઠાના વિધિ નિમિત્તેનો મહાપૂજાવિધિપણ સાથે સાથે જ પ્રારંભાઈ ચૂક્યો હતો. શાકાહાર ઉપર અંગ્રેજી ભાષામાં મુકુંદચરણ સ્વામી લિખિત પુસ્તિકા "Vegetarianism"નું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રી મંદિર ઉપર ઠાકોરજીના દર્શને પધાર્યા.
આજે પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ રચવામાં આવ્યો હતો. મુંબઈથી પધારેલા કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ સંપન્ન થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ મૂર્તિઓનાં પૂજન-આરતી કર્યાં. આ સમગ્ર દિવસ દરમ્યાન દર્શનાર્થીઓનો જાણે કે કુંભમેળો રચાયો હતો. ૩૭૫૦૦થી વધારે હરિભક્તોએ બપોરે ભોજનનો લાભ લીધો હતો.
સાંજે રવિસભામાં મંદિરનું સમગ્ર પરિસર સામે આવેલો નદીનો પાર્કિંગવાળો તટ, જૂનો સભામંડપ અને એની સામે આવેલા એપાર્ટમેન્ટની દીવાલો - આ સઘળું દર્શનાર્થી હરિભક્તોથી ઊભરાઈ ગયું હતું. વિવેકસાગર સ્વામી તથા કોઠારી સ્વામીના પ્રવચન બાદ સમગ્ર વિશ્વમાં અને સુરતમાં પણ મંદી દૂર થાય એ માટે ધૂન કરાવવામાં આવી. કિશોરો અને યુવકો દ્વારા 'હૃદિયા ઉલેચીને આવ્યો આવ્યો....' એ નૃત્ય રજૂ થયું. આ નૃત્યના અંતિમ ચરણમાં હરિકૃષ્ણ મહારાજ પાલખીમાં વિરાજીને મંચ ઉપર પધાર્યા. અને એ રીતે સૌને ગુરુ-ગોવિંદ બંનેનાં દર્શનનો સુયોગ પ્રાપ્ત થયો.
સુરતની મહિલા મંડળની મહિલાઓએ ઉપવાસ કરીને બનાવેલો ૩૧૮૮૮ ધાણીનો સ્વામિનારાયણ મહામંત્ર અંકિત હાર સુરતના તમામ સંતોએસ્વામીશ્રીને અર્પણ કર્યો.
સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રી કહે, 'આજે પાટોત્સવ થયો એમાં આપ બધા પધાર્યા, સવારે પણ હતા અને અત્યારે પણ છો એ આપના હૃદયની ભક્તિ છે, ભગવાનને વિષે શ્રદ્ધા છે ને એમાંથી જ આપણને શાંતિ પ્રાપ્ત થાય છે એની નિષ્ઠા, દૃઢતા છે તો આવો લાભ લેવાય છે. અત્યારે મંદીના પ્રશ્નો થયેલા છે ને એને માટે સૌ ચિંતિત પણ છો અને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ આપણે ભગવાનનો આધાર છે. ભગવાનમાં શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો આવા ઘણા ઘણા પ્રશ્નોને આપણે પાર કરી શકીએ છીએ. ભગવાન કર્તાછે. જ્યારે ધંધાપાણી સારાં ચાલતાં હોય ત્યારે થાય કે ભગવાને બહુ દયા કરી, પણ આવા જ્યારે મંદીના પ્રશ્ન આવે ત્યારે મનમાં જરા દુઃખ થાય કે ભગવાને કંઈ સારું કર્યું નહીં, પણ ભગવાન તો દરેકનું સારું કરવા, કલ્યાણ કરવા જ આ પૃથ્વી પર અવતાર લે છે.
આપણને સુખી કરવા છે એટલે આપણી નિષ્ઠા જોવા માટે ભગવાન પરીક્ષા પણ કરે છે. જે વિદ્યાર્થી સ્કૂલ-કૉલેજમાં ભણતો હોય એની પરીક્ષા લેવાય, પણ જે રસ્તે રખડતો હોય એની પરીક્ષા થાય નહીં. ભગવાન પરીક્ષા એટલા માટે લે છે કે આ મારો ભક્ત છે એમાં રંચમાત્ર કસર ન રહે, કારણ કે આ દુનિયાના વૈભવ જન્મોજનમથી આપણે ભોગવતા આવ્યા છીએ અને એ અંદરથી નીકળવા પણ બહુ કઠણ છે. જેને લીધે હરખ-શોક થયા કરે છે. ભગવાનમાં નિષ્ઠા છે એ જાણે કે ભગવાન જે કરશે એ સારું છે, એ રીતે બધા પાર થઈગયા છે.
આપણે બધા ઇચ્છીએ છીએ કે રામરાજ આવે. પહેલાં બોલતા કે 'સત્યુગ આયેગા' પણ એ રીતે આવતો નથી. 'રામરાજ આયેગા' પણ પહેલાં આપણું અંતઃકરણ શુદ્ધ છે કે નહીં ? આપણામાં ભગવાનની એવી દૃઢતા છે કે નહીં ? આ આપણે પહેલું જોવાનું છે. ભગવાન તો દરેકનું સારું જ કરવા આવ્યા છે. એને કરવું છે, પણ આપણા સ્વભાવ ને પ્રકૃતિને લઈને, અહં ને મમત્વના ભાવોને લઈને સુખ-દુઃખ આવે છે.
દાદા ખાચરે પોતાનું તન-મન-ધન મહારાજને અર્પણ કર્યું છતાં દુઃખ આવ્યાં, છતાં દાદા ખાચરને એક જ વસ્તુ હતી કે તમે જેમ રાજી થાવ એમ કરવાનું છે, તો આજે દાદાનાં વખાણ થાય છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતીભાઈ ને બધા ભક્તો હતા એમને પણ એટલું બધું દુઃખ આવી પડ્યું, પરંતુ એવી પરિસ્થિતિમાં પણ શાસ્ત્રીજી મહારાજને મૂક્યા નહીં. એ વખતે તો ગમે તેવો માણસ હોય તોય ડગી જાય, પણ નિષ્ઠામાં જરા પણ ડગમગાટ ન થયો. દુનિયામાં સુખ ને દુઃખ તો છે જ, પણભગવાનના ભક્તને મતિ સ્થિર રાખવાની કે બુદ્ધિમાં ફેર ન થાય. ભગવાન જે કરે છે એ સારું છે એવી સ્થિર મતિ હોય તો ભગવાન રાજી થાય છે.
અત્યારના દેશકાળમાં બધાને દુઃખ છે. અમને પણ બધાને, સંતોને દુઃખ થાય અને તમને તો વિશેષ થાય. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ મુશ્કેલી બધી ભગવાન દૂર કરે. આપણા માટે ભગવાન જ છે ને ભગવાનના આપણે છીએ. ભગવાન આપણા માટે કરશે એ સારું જ કરશે. આપણી વાસના, સ્વભાવ-પ્રકૃતિઓ કાઢવી હશે અને આપણને સુખિયા કરવા છે તો આવા પ્રસંગો આવે ને જાય પણ શાંતિ અને ધીરજ રાખવી. ધીરજનાં ફળ મીઠાં છે. એમ કરતાં દેશકાળ સુધરી જશે ને પાછુ _ કાર્યચાલુ થશે એ માટે ભગવાનને પ્રાર્થના.'
|
|