|
ગુણાતીત દીક્ષાદિન અને બાળદિન
તા. ૧૧-૧-૨૦૦૯ના રોજ તાપીના કિનારે જાણે ભરતી ચડી હોય એવું દૃશ્ય જોઈશકાતું હતું. વરાછાથી માંડીને મંદિર સુધી, સ્ટેશનરોડથી માંડીને મંદિર સુધી કે અન્ય ખૂણાઓથી માંડીને મંદિર સુધી વિવિધ પ્રકારનાં બેનરો સાથેનો પદયાત્રીઓનો માનવપ્રવાહ જોનારાઓને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. સવારની મંગળા આરતીમાં આવી પહોંચેલો આ માનવપ્રવાહ મંદિરમાં આવતાં સાગરસંગમની અનુભૂતિ કરાવતો રહ્યો. આજે પોષી પૂર્ણિમા, મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો ૧૯૯મો દીક્ષાદિન હતો.
મંદિરના મધ્ય ખંડમાં ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષાનું સુંદર દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. પોડિયમમાં બાળકો બેઠાં હતાં. સૌ 'આવે છે રે આવે છે મારા સ્વામી બાપા આવે છે' એ કીર્તન ઝીલી રહ્યા હતા. વળી, 'બી.એ.પી.એસ. એક પરિવાર'ના નારા ગગનમાં ઊઠતા હતા.
આજના દિવસે સભામાં ૪૦ હજારની સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા. એમાં પણ ત્રણ હજારથી વધારે બાળ-બાલિકાઓ પદયાત્રી તરીકે આવ્યાંનો રેકોર્ડ હતો! કંથરાજ, સરસ, એરથાણ, કઠોરસબ્રામા, ઉમરસાડી, અમરોલી તથા સુરતના શહેરના વરાછા વેડરોડ વગેરે ૪૦ જેટલા દૂર દૂરના વિસ્તારોમાંથી હજારો હરિભક્તો પદયાત્રા કરીને આવ્યા હતા. તેમાંથી કેટલાક તો દંડવત્યાત્રા કરીને આવ્યા હતા. ભીમપોરથી ૪૦ યુવકો કુલ ૧૨,૨૯૨ દંડવત્ કરીને અહીં આવ્યા હતા. સાંકરી ક્ષેત્ર તેમજ ધૂળિયાથી કેટલાક યુવકો સાઇકલયાત્રા તેમજ મોટરબાઇકયાત્રા કરીને આવ્યા હતા. આ ઉપરાંત મહિલા મંડળમાંથી પાલનપુર પાટિયા રહેતાં કાંતાબહેને ૧૩૪ કલાકના, પ્રેમજીભાઈ તથા હસમુખભાઈ લાડેએ ૧૨૦ કલાકના નિર્જળ ઉપવાસ કર્યા હતા.
પદયાત્રા કરીને આવેલા દસ હજારથી વધારે પદયાત્રીઓ તેમજ વ્રતધારીઓને સભામંડપમાં ઊભા કરવામાં આવ્યા. સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવ્યા.
સાંજે રવિસભામાં બાળદિન અને પોષી પૂનમનો સંયુક્ત કાર્યક્રમ હતો. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે પારાયણની સમાપ્તિ પછી બાળકોનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો હતો. આજે સીટીલાઇટ એરિયામાંથી તેજસ નામનો એક યુવક ૧૨૦ કલાકના નિર્જળ ઉપવાસ સાથે સાડા છ કિ.મી.ની દંડવત્યાત્રા કરીને આવ્યો હતો. સ્વામીશ્રીએ એને ખાસ આશીર્વાદ આપ્યા. જયેન્દ્ર વીંછી લિખિત 'બી.એ.પી.એસ.નું ભવિષ્યનું દર્શન' કાર્યક્રમ રજૂ થયો, જેમાં ઘનશ્યામ મહારાજે માછલીઓને જીવિત કરી એ પ્રસંગ નૃત્યનાટિકાની જેમ ભજવાયો. પછી બે પ્રવક્તા બાળકોએ કોમેન્ટરી દ્વારા સૌને ટાઇમમશીનમાં મુસાફરી કરાવી, જેમાં આજથી ૫૦૦ વર્ષ પછીના બી.એ.પી.એસ.ની સુંદર પરિકલ્પના રજૂ થઈ હતી.
આજની સભામાં સૌની પ્રેમભક્તિથી સ્વામીશ્રીની પ્રસન્નતા છલકાઈ રહી હતી. અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએકહ્યું, 'દરેક કાર્યમાં શ્રદ્ધા અને ભગવાન ને સંતમાં વિશ્વાસ - આ બે વસ્તુ હોય તો બધું સારું જ કાર્યથાય છે અને કોઈ વાત અશક્ય નથી. આપણે ક્યાં જોયું હતું કે વિજ્ઞાન આટલું વધશે ? પણ આપણે જોઈએ છીએ કે પ્લેન ઊડતાં થઈગયાં. એમ ભગવાન તો વિજ્ઞાનીના પણ વિજ્ઞાની છે. એમની દૃષ્ટિ વિશાળ છે અને અનંત જીવોનું કલ્યાણકરવું છે અને આપના જેવા નિષ્ઠાવાળા તૈયાર થાય છે એનાથી આ બધું કાર્યથયું છે. યોગીજી મહારાજેસંકલ્પ કર્યો તો સત્સંગ થયો અને દેશ-વિદેશમાં મંદિરો થયાં.
આજે બાળકોનો કાર્યક્રમ જોઈને આનંદ થાય છે કે બાળકોમાં આ સંસ્કાર હશે તો સમાજ ઘણો ઉત્તમ થશે ને સર્વને શાંતિ થશે. કેટલાયે દંડવત્ કર્યા, ઉપવાસ કર્યા, પદયાત્રા કરી! આજના જમાનામાં આ વિચાર જ ન આવે, પણ ભગવાન ને સંતને રાજી કરવા છે ને એમાં જીવનું કલ્યાણ છે તો નાનાં-મોટાં બાઈભાઈ આ કાર્યમાં જોડાયાં છે. તો મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આવો ને આવો ઉત્સાહ, આવો ને આવો પ્રેમ બધાના જીવમાં દૃઢ થાય ને ભવિષ્યમાં આવા યુવકો તૈયાર થયા છે એ દ્વારા અને સંતો દ્વારા સત્સંગ વધે એ પણ ભગવાનને પ્રાર્થના છે.'
|
|