|
સુરતમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૨૩-૧૨-૨૦૦૮ થી ૧૬-૧-૨૦૦૯ દરમ્યાન સતત ૨૩ દિવસ સુધી સુરતમાં બિરાજીને સ્વામીશ્રીએ સત્સંગની હેલી વરસાવીને સૌને ચેતનવંતા કર્યા હતા. એક તરફ સુરતમાં આર્થિક મંદીને કારણે છવાયેલી નિરાશા અને બીજી તરફ એ જ સુરતમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં તાપી તટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઉત્સાહ, ઉમંગ, ઉજ્જવળ આશાઓ અને આધ્યાત્મિક બળનાં જાણે પૂર ઊમટ્યાં હતાં. સ્વામીશ્રીના સાંનિધ્યનો જ એ પ્રભાવ હતો. સ્વામીશ્રીની છત્રછાયામાં નિત્ય નવી પ્રેરણા વહાવતાં કાર્યક્રમો અને કથાપર્વોની વચ્ચે હજારો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષો જીવનનાં ચરમ અને પરમ આનંદને માણતા રહ્યા હતા. આર્થિક કટોકટીને લક્ષમાં રાખીને સ્વામીશ્રીએ સતત સૌ માટે પ્રાર્થનાઓ વહાવીને સૌને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે આધ્યાત્મિક બળ સિંચીને કપરા સંજોગોને પાર કરી જવાનો દિવ્ય માર્ગ પણ ચીંધ્યો હતો. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવાયેલા વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતિ રૂપે ઉત્તરાયણપર્વ ઊજવાયું હતું. સ્વામીશ્રીના આદેશથી આ વર્ષે સૌના આર્થિક સંજોગોને લક્ષમાં લઈને સમગ્ર સંસ્થામાં સર્વત્ર દાનપર્વને બદલે માત્ર સત્સંગપર્વ જ ઊજવાયું હતું. સુરતમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવાયેલા ઉત્તરાયણપર્વની એક ઝલક...
તા. ૧૪-૧-૨૦૦૯ના રોજ સુરતના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઉત્તરાયણપર્વનો એક અદ્ભુત માહોલ સર્જાયો હતો. ઠાકોરજી સમક્ષ પતંગના શણગાર સજવામાં આવ્યા હતા. બહારગામના આવેલા કારીગરોએ નીચે કાળા તલમાંથી મૂર્તિની અદ્ભુત રંગોળી બનાવી હતી. પટ્ટા પટ્ટા ગોઠવીને કમ્પ્યૂટર પ્રિન્ટ-આઉટની ઇફેક્ટ આવતી હોય એ રીતની અદ્ભુત મૂર્તિ આ કારીગરોએ કરી હતી. સ્વામીશ્રીએ પ્રસન્ન થઈને કારીગરોને આશીર્વાદ આપ્યા હતા. સભામંડપની પાર્શ્વભૂમાં પણ પતંગના શણગાર સજવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા કરી. પૂજામાં અમેરિકાનાં હરિમંદિરો માટેની હરિકૃષ્ણ મહારાજની છ ચલ મૂર્તિઓ મૂકવામાં આવી હતી. દરેકનો સ્પર્શ કરીને સ્વામીશ્રીએ એની પ્રતિષ્ઠા કરી.
સાંજે સ્વામીશ્રી આજની ઉત્તરાયણ નિમિત્તેની વિશિષ્ટ સભામાં યોજાઈ હતી. આજના પુણ્યપર્વ પ્રસંગે જયેન્દ્ર વીંછી લિખિત 'ગુðરુદક્ષિણા' સંવાદ ભજવાયો. સ્વામીશ્રીના દિવ્ય વિચરણ અને સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વની ઝાંખી કરાવતું 'પ્રસંગમ્' પુસ્તકનું ઉદ્ઘાટન તેના લેખક પ્રિયદર્શન સ્વામીએ કરાવ્યું. આ ઉપરાંત ચિત્રકલામાં લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવોર્ડ મેળવનારા નારાયણ-પ્રસાદ સ્વામીને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. આજના પ્રસંગે મમરા, તલ, મોતી, નાડાછડી, દીવેટ, વરિયાળી, સાકર, કુંદનના દડા, પતંગ, માળા, રિબિન અને કંઠી વગેરેના વિવિધ હાર વડીલ સંતોએ તેમજ સ્થાનિક સંતોએ અર્પણ કર્યા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએકહ્યું, ''જેણે રચ્યું આ જગત જોને જૂજવી જાતનું રે, જોતાં મૂંઝાય જાય મત એવું કર્યું ભાતભાતનું રે'. ભગવાને આ જગત કેટલું રળિયામણું બનાવ્યું છે! ઝાડ-પાન-પર્વત-ગુફાઓ ને અનેક રીતની બધી રચનાઓ ભગવાને કરી છે. માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય. ભગવાનની રચના એવી છે કે જે બુદ્ધિમાં બેસે નહીં. અત્યારે વિજ્ઞાન ગમે એટલું વધ્યું છે, પણ ભગવાન જેવી રચના કોઈ કરી શકે એમ નથી.
એવા ભગવાન અને સંત આપણને મળ્યા છે એ જ સુખ છે. બાકી બીજું સુખ તો મૂકીને જવાનું છે. એવી સમજણ કરવી એ અગત્યની વાત છે.
આજે પુણ્યપર્વણીનો ઉત્સવ થયો છે. આપણી સમર્પણની ભાવનાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એમાં આપણી બધી તન, મન, ધનની સેવા આવી ગઈ. શુદ્ધ ભાવનાથી ભગવાન રાજી થાય છે. ભગવાન તો આપણા જીવની અંદર સત્સંગ છે એનાથી રાજી થાય છે, મહિમાથી રાજી થાય છે. એ રીતે એમને રાજી કરવાના છે. સત્સંગ જીવમાં દૃઢ થાય એના માટે આ ઉપાય છે.
સુરત શહેર રળિયામણું છે ને બધા વિશેષ સુખી થાય, તને-મને-ધને ભગવાન સુખી કરે એ માટે મહારાજને પ્રાર્થના છે. સર્વને આશીર્વાદ છે.' અંતે સ્વામીશ્રીએ વિકટ આર્થિક સંજોગોમાં સૌને બળ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી. ૫૦,૦૦૦થી વધુ હરિભક્તોએ આ દિવ્ય પર્વને માણ્યું હતું.
|
|