|
અટલાદરામાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૨૩-૧-૨૦૦૯ થી તા. ૧૦-૨-૨૦૦૯ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વડોદરામાં અટલાદરા ખાતે બિરાજીને સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. સ્વામીશ્રીના આ વખતના રોકાણ દરમિયાન વડોદરાવાસીઓને વિવિધ ઉત્સવોમાં સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડ્યું હતુð_. પ્રજાસત્તાક દિન, નીલકંઠવણી દિન, શ્રીહરિ દિન, યોગી દિન જેવા વિશિષ્ટ દિવસોએ વિવિધ કાર્યક્રમો દ્વારા વડોદરાવાસીઓએ સ્વામીશ્રીનાં ચરણોમાં ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. સ્વામીશ્રીની પાવન નિશ્રામાં અટલાદરા ખાતે વસંતોત્સવ પર્વ, બી.એ.પી.એસ. છાત્રાલયની રજત જયંતી તથા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સુવર્ણતુલા-સ્મૃતિ જેવા વિવિધ ઉત્સવોની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વામીશ્રીએ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના જન્મસ્થાન તીર્થધામ મહુવામાં રચાનાર નૂતન શિખરબદ્ધ મંદિરની વેદોક્તવિધિપૂર્વક ખાતવિધિ કરી સૌને વિશેષ સ્મૃતિ આપી હતી. અત્રે અટલાદરામાં સ્વામીશ્રીના સાંનિધ્યની એક સ્મૃતિ-ઝલક પ્રસ્તુત છે.
તા. ૨૫-૧-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીએ મંદિરના પરિસરમાં બેઠેલા દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને તેજસ્વી કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા. પ્રાતઃપૂજામાં બી.એ.પી.એસ. વિદ્યામંદિરના બાળકોએ સવાદ્ય કીર્તન-ભક્તિ રજૂ કરીને ભક્તિ અદા કરી હતી.
આજની રવિ સત્સંગસભામાં સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે ઉપસ્થિત હરિભક્તો-ભાવિકોથી સભામંડપ છલકાતો હતો. કૃષ્ણપ્રિય સ્વામીના કથામૃત પાન બાદ બી.એ.પી.એસ. વિદ્યામંદિરના બાળકોએ વિવિધસાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. 'હૈયાના હેતથી વધાવીએ' એ ગીતના આધારે બાળકોએનૃત્ય રજૂ કરી ગુરુહરિનાં ચરણોમાં ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રસંગવર્ણન કર્યા બાદ બાળકોએ 'અવર બ્યુટિફુલ સ્કૂલ' એ ગીતના આધારે માર્ચિંગ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ સુરતની બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી હોસ્પિટલના સંચાલક ડૉ. હર્ષદભાઈ જોશીએ ચૅમ્બર ઓફ કૉમર્સ, ગુજરાત મિત્ર દૈનિક તથા ગ્રાહક સુરક્ષા સંઘ તરફથી હૉસ્પિટલને આપવામાં આવેલો શ્રેષ્ઠ એવોર્ડ સ્વામીશ્રીનાં કરમાં અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સભાના અંતમાં પુષ્પહારવિધિ બાદ સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા હતા.
તા. ૨૬-૧-૨૦૦૯ના રોજ પ્રજાસત્તાક દિનની પ્રભાતે મંદિરના પરિસરમાં વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. સ્વામીશ્રીના આગમન સાથે હરિભક્તોમાં અત્ર-તત્ર-સર્વત્ર ત્રિરંગાનું સામ્રાજ્ય છવાઈ ગયું અને દેશભક્તિની ભરતી ઊભરાઈ ગઈ. ઠાકોરજીના સિંહાસનમાં અને ઠાકોરજીના વાઘામાં પણ ત્રિરંગાની છાયા વર્તાઈ રહી હતી. સ્વામીશ્રી મંદિરે દર્શન કરીને નીચે પધાર્યા ત્યારે માર્ચિંગ રીધમ કરતા યુવકોએ સ્વામીશ્રીને સલામી આપી. લીલા, શ્વેત અને ભગવા રંગના પરિધાન સાથે યુવકોએ ત્રિરંગો રચ્યો હતો. એ સૌએ પણ સ્વામીશ્રીને નમન કરી સલામી આપી. ત્યારપછી માર્ચિંગ પાસ્ટ અને લેઝિમ દાવ સાથે યુવકો સ્વામીશ્રીને નગરયાત્રારૂપે સભામંડપ સુધી દોરી ગયા. અહીં તમામ હરિભક્તોએ ધ્વજ ફરકાવીને સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. પ્રાતઃપૂજામાં પ્રાસંગિક કીર્તનોના અંતે 'વંદે માતરમ્' ગીતના આધારે યુવકોએ નૃત્ય રજૂ કર્યું. સ્વામીશ્રીએ ધ્વજ ફરકાવીને સૌમાં જોમ પ્રગટાવ્યું હતું. શહેરના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના આજે સ્વામીશ્રીના દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા. શ્રેષ્ઠ સેવાઓ બદલ તેઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરતાં તેમણે કહ્યું: 'આપની કૃપા ને આશીર્વાદને લીધે જ પ્રોત્સાહન અને ઉત્સાહ મળે છે.'
તા. ૨૭-૧-૨૦૦૯ના રોજ સ્વામીશ્રી પરિસરમાં પધાર્યા ત્યારે જંબુસરનું સત્સંગ મંડળ ભૂંગળ અને ઢોલ દુક્કડના તાલે વિશિષ્ટ લહેકામાં કીર્તનો ગાઈ રહ્યું હતું. જૂની પરંપરાની આ પદ્ધતિ પ્રમાણે ગવાતાં કીર્તનો સાંભળીને સ્વામીશ્રીએ પણ ઉમંગ સાથે ઝાંઝ વગાડતા હોય એ રીતે મુદ્રા કરીને ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. પૂજાના અંતે સ્વામીશ્રીએ નોંધણા ક્ષેત્રના વાવલી તથા ઉબેર ગામનાં મંદિરોનો શિલાન્યાસવિધિ અને પાદરા મંદિરના શિખર માટેની શિલાઓનું પૂજન કર્યું હતું.
|
|