|
સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં અટલાદરા ખાતે ઉજવાયું વસંતપંચમી પર્વ
શિક્ષાપત્રી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન એટલે વસંતપંચમીનું પાવન પર્વ. વડોદરામાં અટલાદરા ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આ પર્વની સ્મૃતિમાં સત્સંગની વસંત મ્હોરી ઊઠી હતી. છેલ્લા ત્રણ દિવસથી આ પર્વ નિમિત્તે શિક્ષાપત્રી દિન, બ્રહ્માનંદ દિન અને નિષ્કુળાનંદ દિનની ઉજવણી કરવામાં આવી રહી હતી.
તા. ૨૮-૧-૨૦૦૯થી વસંતપંચમી પર્વનો પ્રારંભ થઈ રહ્યો હતો. આ પર્વના અંતર્ગત આજે શિક્ષાપત્રીદિન ઊજવાયો હતો. સ્વામીશ્રી મંદિરના પરિસરમાં પધાર્યા ત્યારે મંદિર અને લીંબડાની વચ્ચેના ચોકમાં બાજોઠ ઉપર ગ્રંથ લઈને બેઠેલા બાળકો શિક્ષાપત્રીના શ્લોકોનો સમૂહમાં પાઠ કરી રહ્યા હતા, તો બીજી તરફ પ્રદક્ષિણામાં શિવરામ ભટ્ટ અને સગરામ વાઘરીવાળો પ્રસંગ રજૂ થયો. 'ગાળ્યા વગરનું જળ પણ ન પીવું' એ શિક્ષાપત્રીનો આદેશ વાઘરી કુળમાં જન્મેલા સગરામના જીવનમાં પણ દૃઢ હતો. યુવકો દ્વારા પ્રસ્તુત શિક્ષાપત્રીનાં આવા વિવિધ સ્મરણો સાથે સ્વામીશ્રી નીચે પધાર્યાત્યારે શિક્ષાપત્રીમાં ૨૧૨ સુદર્શન ચક્રો આવેલાં છે એ રનિંગ સ્કિટ યુવકોએ રજૂ કરી.
સભામંડપમાં યુવકોએ પ્રાતઃપૂજામાં શિક્ષાપત્રીનો મહિમા અને વસંતનો મહિમા વર્ણવતાં કીર્તનો ગાયાં. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ વીરમગામ અને નેનપુર મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનાં વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી.
તા ૨૯-૧-૨૦૦૯ના રોજ વસંતપર્વના અંતર્ગત બ્રહ્માનંદદિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામીશ્રી મંદિરની પ્રદક્ષિણામાં પધાર્યાત્યારે યુવકોએ બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ સ્કિટ દ્વારા રજૂ કર્યો. પરિસરમાં યુવકો બ્રહ્માનંદ સ્વામીનાં કીર્તનો ગાઈ રહ્યા હતા. વળી, પ્રાતઃપૂજામાં પણ યુવકોએ આજે બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તનોનું ગાન કરીને ભક્તિ અદા કરી હતી.
તા. ૩૦-૧-૨૦૦૯ના રોજ વસંતોત્સવ અંતર્ગત નિષ્કુળાનંદદિનની ઉજવણી કરવામાં આવી હતી. નિષ્કુળાનંદ સ્વામીની સ્મૃતિ કરાવતાં ભાવસભર દૃશ્યો કિશોરો-યુવકોએ ઠેર ઠેર રચ્યાં હતાં. પ્રાતઃપૂજામાં પણ નિષ્કુળાનંદ સ્વામીનાં ભજનો દ્વારા તેમને અર્ઘ્ય અપર્ણ કરવામાં આવ્યું. પ્રાતઃપૂજાના અંતે સ્વામીશ્રીએ ખેરવામાં પ્રારંભ પામી રહેલા નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયની મૂર્તિઓનું પૂજન કર્યું હતું. આજે શહેરી વિકાસ અને પાણીપુરવઠા મંત્રી નીતિનભાઈ પટેલે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૩૧-૧-૨૦૦૯નો દિવસ વસંત પંચમીના પવિત્ર દિને શાસ્ત્રીજી મહારાજ દિન તરીકે ઉજવાયો.
આજે વસંતપંચમીની વહેલી સવારથી જ મંદિરના પ્રાંગણમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો. દૂર-સુદૂરથી વિશાળ સંખ્યામાં ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પરિસર છલકાતું હતું. સ્વામીશ્રી ઉતારામાંથી બહાર પધાર્યા ત્યારે ઠેર ઠેર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની મહિમાગાથા રજૂ કરતાં સૂત્રો અને પ્રેરક જીવનપ્રસંગોની રજૂઆત તેમને પ્રસન્નતાથી છલકાવી દેતા હતા. શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક ઓરડામાં કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ચિત્રિત શય્યાધીન શાસ્ત્રીજી મહારાજના તૈલચિત્રનું પૂજન કરી, આરતી કરતા સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં પણ સંતોએ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યને વર્ણવતાં ભક્તિપદોનું ગાન કરી ભક્તિ અદા કરી હતી. આજે ઘોઘંબા તેમજ વડોદરા શહેરની આજુબાજુ ના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. આ સૌ પદયાત્રીઓને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા બાદ આજ્ઞા-ઉપાસના-સદ્ભાવ અને પક્ષ - એ મધ્યવર્તી વિચાર સાથે ઉત્સવ-સભાનો આરંભ થયો. વડીલ સંતોનાં પ્રેરક વકતવ્યો બાદ સ્થાનિક યુવકોએ ભક્તિનૃત્ય રજૂ કરી ગુરુહરિનાં ચરણોમાં ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. નૃત્ય દરમિયાન જ સભાજનોની વચ્ચેથી નીકળેલી શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રાનાં દર્શનનો સૌને વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો. નૃત્ય બાદ અક્ષરજીવન સ્વામી લિખિત 'હમ પહચાનેં...' હિન્દી છ પુસ્તિકાઓનું તથા શ્રુતિપ્રકાશ સ્વામી સંપાદિત 'હરિગીતા'નું સ્વામીશ્રીએ ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ વિવિધ મંડળોએ ભક્તિભાવપૂર્વક કરેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએજણાવ્યું, 'શ્રીજીમહારાજના કાર્યને શાસ્ત્રીજી મહારાજે ખૂબ આગળ વધાર્યું, યોગીજી મહારાજે એમાં ખૂબ પુષ્ટિ કરી અને આજે એમના સંકલ્પથી દેશ-વિદેશમાં સત્સંગ ખૂબ વધ્યો છે. શાસ્ત્રીજી મહારાજે આપણને નિષ્ઠા, સમજણ, ભગવાનનો આશરો આપ્યો છે, એની દૃઢતા વિશેષ ને વિશેષ આપણને થાય એટલા માટે આપણે ઉત્સવો ઊજવીએ છીએ. એમાંથી આપણો ભક્તિભાવ પણ વધે ને ભગવાન રાજી પણ થાય છે.
દુનિયામાં ઘણી જાતનાં કાર્યો થાય છે, પણ ભગવાન રાજી થાય એવાં જે કાર્યો છે એ આપણાં ભાગ્યમાં છે. બીજા ઉત્સવો આનંદ-પ્રમોદ માટે છે, એથી આપણા આત્માને શાંતિ ન થાય. આત્માની શાંતિ માટે ભગવાનનો આશરો, ભગવાનની ભક્તિ છે. સંપત્તિ ને વૈભવ એ શરીર ને મનને આનંદ માટે હોય છે, પણ એથી આત્મશાંતિ થતી નથી. ભગવાનનો આશરો થાય, ભગવાને આપેલા જ્ઞાનની જેટલી દૃઢતા થાય એટલી શાંતિ થાય છે. એટલે આ જ્ઞાનમાં ઊંડા ઊતરીને એ વાતને વધુ ને વધુ લોકો સમક્ષ કરીએ એ મોટી સેવા છે. સમાજસેવા કરીએ એ જરૂરી છે, કરવી પણ જોઈએ, થવું પણ જોઈએ, પણ જે ભગવાનની વાત છે, આત્મા-પરમાત્માની વાત છે, અક્ષરપુરુષોત્તમની વાત છે એ જેટલી આપણે કરીએ એટલાં દુનિયાને શાંતિ-સુખથશે.
શ્રીજીમહારાજે સુંદર વચનામૃત ગ્રંથ આપણને આપ્યો છે. એમાં સર્વે ગ્રંથોનું રહસ્ય છે. એનું વાંચન કરીશું, એનું જ્ઞાન દૃઢ થશે તો બીજુ _ કાંઈ સમજવાનું છે નહીં. એ જ્ઞાન થયા પછી બીજા જ્ઞાનની જરૂર નથી. એ સાચું જ્ઞાન જો જીવમાં દૃઢ થશે તો સર્વ પ્રકારે સુખિયા થવાશે, જીવનમાં સર્વ પ્રકારે શાંતિ પણ રહેશે, આનંદ પણ રહેશે.
તો શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે રાત-દિવસ દાખડો કર્યોછે કે આ જ્ઞાન કેમ દૃઢ થાય, એના માટે મંદિરો કર્યાં, સાધુ કર્યા, હરિભક્તો કર્યા ને આજે સંતો એ કાર્ય કરી રહ્યા છે, હરિભક્તો પણ એ કાર્ય કરી રહ્યા છે.
આજે બાહ્ય વાત પર આપણે ઘણા ઊંડા ઊતરીએ છીએ, પણ ખરી વસ્તુ જ્યારે આપણને સમજાશે ત્યારે બીજામાં આપણને મોહ રહેશે નહીં. આવો જે અમૂલ્ય ને અલભ્ય લાભઆપણને મળ્યો છે, આ વાત સાધારણનથી. એનો આનંદ આપણને છે. એ આનંદ જુદો છે, એ આનંદ ભગવાનનો છે.'
સ્વામીશ્રીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં જીવન અને કાર્યને અદ્ભુત રીતે બિરદાવીને ભાવાંજલિ અર્પણ કરી. આજની સભામાં ૧૮,૦૦૦થી વધારે હરિભક્તોએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સાક્ષાત્ સ્વરૂપ સમા પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં વંદન કરીને વસંતપર્વને સાર્થક કર્યું હતું.
|
|