સુવર્ણતુલા-સ્મૃતિદિન તા. ૨-૨-૦૯ના રોજ અટલાદરામાં એક વિશિષ્ટ સ્મૃતિનો માહોલ હતો. આજથી ૬૦ વર્ષ પૂર્વે સને ૧૯૪૯ની સાલમાં આજના દિવસે, અહીં જ, હજારો ભક્તોએ પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની ૮૫મી જયંતી ઊજવીને સુવર્ણતુલાના બહુમાનથી તેમને વધાવ્યા હતા. સ્વામીશ્રી આ પ્રસંગના સાક્ષી હતા. અને એટલે જ સ્વામીશ્રી જ્યારે પ્રાતઃપૂજા માટે પધાર્યા ત્યારે લીંબડા આગળ ગોઠવાયેલી સુવર્ણતુલાને જોઈને સ્વામીશ્રી એ યુગમાં સરી પડ્યા. એમાં પણ તત્કાલીન મોટેરા હરિભક્તોના પરિવેષ સાથે ઊભેલા યુવકોને જોઈને સ્વામીશ્રી જાણે એજ હરિભક્તોને મળતા હોય એટલા ઉમળકાથી દરેકનાં નામ વાંચતાં વાંચતાં દૃષ્ટિ દ્વારા તેઓને મળતા રહ્યા. ક્યાંક ક્યાંક જે તે હરિભક્તની લાક્ષણિકતાને સંભારીને વાત પણ કરતા રહ્યા. એ જ રીતે મંદિરમાં દર્શન કરીને પ્રદક્ષિણામાં પધાર્યા ત્યારે ઈશ્વર દાજી, મણિભાઈસલાડવાળા વગેરેના પરિવેશમાં બેઠેલા જૂના હરિભક્તોને જોઈને તેઓની લાક્ષણિકતાની પણ સ્મૃતિ કરતા રહ્યા. અને જ્યારે લિફ્ટ દ્વારા નીચે ઊતરી રહ્યા હતા ત્યારે અહીંથી દેખાઈ રહેલી સુવર્ણતુલાને નીરખતાં સ્વામીશ્રી સ્મૃતિઓ વહાવવા લાગ્યા હતાઃ 'આ લીમડા આગળ જ સભા થઈ હતી. પાછળ કૂવો હતો અને મંદિર તરફ મુખ આવે (ટાવર તરફ) એ રીતે સભામંડપ ગોઠવાયો હતો. સ્ટેજ એ રીતે હતું અને ડાબી બાજુ એ જ્યાં અત્યારે સભામંડપ છે ત્યાં સુવર્ણતુલા ગોઠવવામાં આવી હતી. એ પણ મંદિર તરફના મુખે આવે એ રીતે ગોઠવાયેલી હતી...' સ્વામીશ્રી જ્યારે નીચે પધાર્યા, સુવર્ણતુલાની નજીક ગયા ત્યારે જૂના જૂના હરિભક્તોના પરિવેષધારી યુવકો પણ પાછળ ઊભા હતા. સુવર્ણતુલા આગળ પધારીને સ્વામીશ્રીએ સાકર મૂકી અને સામા પલ્લામાં ગોઠવાયેલી શાસ્ત્રીજી મહારાજની મૂર્તિની તુલા કરી. સૌને સહજ સ્મૃતિ આપી. સાથે સાથે ફરીથી જે જગ્યાએ સુવર્ણતુલા થઈ હતી ત્યાંથી માંડીને સભા સુધીની સ્મૃતિ કરતાં કરતાં સ્વામીશ્રી આગળ વધ્યા અને કહ્યું, 'અત્યારે સભામંડપ છે ત્યાં પહેલાં જૂનું છાપરું ઢાળિયા જેવું હતું. લોકો એટલા બધા આવ્યા હતા કે છાપરા ઉપર ચડી ગયા હતા અને ઝાડ ઉપર ચડીને પણ દર્શન કરતા હતા!' |
||