ગુરુહરિ દિન તા. ૩-૨-૦૯ના રોજ ગુરુહરિ દિનની ઉજવણીના ભાગરૂપે આજે બાળકોએ વિવિધ રજૂઆતો કરી હતી. હનુમાનજીના ખંડમાં આજે ચાણસદ ગામની હનુમાનમઢી બનાવવામાં આવી હતી અને ત્યાં હરિદાસ બાવાના રૂપમાં એક બાળક ઊભો હતો. બારીપુરામાં હરિદાસ બાવાજીએ શાંતિલાલ માટે જે શબ્દો કહ્યા હતા એ વાત અહીં સંવાદરૂપે રજૂ થઈ. આજના ગુરુહરિ દિન નિમિત્તે મંદિર અને પ્રદક્ષિણાને ફૂલ અને ફુગ્ગાના શણગાર સજવામાં આવ્યા હતા. પૂજા દરમ્યાન બાળકોએ આજના પ્રસંગને અનુરૂપ કીર્તનો ગાયાં. 'હરિબોલ... હરિબોલ...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું અને 'ફરજ નિભાવતાં' એ સંવાદ પણ રજૂ કર્યો. આજના દિવસે જેસીંગપુરા તથા અંટોલી ગામોના મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી. સાથે સાથે ન્યૂયોર્કના નીલકંઠ વણીની પ્રતિષ્ઠા તથા ધાવટ તથા વાઘોડિયા ગામના મંદિરોની ખાતવિધિ પણ રાખવામાં આવી હતી. સ્વામીશ્રીએ પ્રત્યેક મૂર્તિનું પૂજન કર્યું અને ત્યારપછી આરતી ઉતારી અને પુષ્પો પધરાવ્યાં. સભામંડપમાં બેઠેલા જે તે ગામના હરિભક્તોને પણ સ્વામીશ્રીની દૃષ્ટિ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા. |
||