શ્રીહરિસ્મૃતિ દિન તા. ૫-૨-૦૯ના રોજ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય સ્મૃતિ સાથે શ્રીહરિદિન ઊજવાયો હતો. આ નિમિત્તે મહિલામંડળ તરફથી અન્નકૂટની સેવા હતી. મંદિરમાં તૈયાર થયેલી ૧૫૦થી વધારે વાનગીઓનો અન્નકૂટ સવારની મંગળા આરતી પછી ઠાકોરજીના ત્રણેય ખંડમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્વામીશ્રી જ્યારે દર્શને પધાર્યા ત્યારે ત્રણેય ખંડમાં અન્નકૂટની આરતી ઉતારીને સૌની ભક્તિને સાર્થક કરી. શ્રીજીમહારાજના ગુણો અને ઐશ્વર્યની અભિવ્યક્તિ મંદિરની પ્રદક્ષિણાથી માંડીને મંદિરના પરિસરમાં ઠેર ઠેર થઈ રહી હતી. શ્રીજીમહારાજે ચલાવેલા સમાધિ પ્રકરણથી લઈને શ્રીજીમહારાજના પટ્ટાભિષેકનાં દૃશ્યો ભજવાઈ રહ્યાં હતાં. મંદિરના પરિસરમાં મહિલા મંડળ તરફથી મહારાજ અન્નકૂટ આરોગતા હોય એવી રંગોળી કરવામાં આવી હતી. આજના મહારાજના પટ્ટાભિષેક પ્રસંગે નગરયાત્રા નીકળી હોય એમ 'સોના અંબાડીએ હાથી શણગારિયો' એ કીર્તનની સાથે જંબુસરની ઊભી ભજનમંડળી ભૂંગળ અને તાલ લઈને સ્વામીશ્રીને દોરીને સભામંડપ સુધી લઈ ગઈ. વળી, યુવક મંડળ, કિશોર મંડળ અને બાળમંડળના સભ્યો રાસ લઈને આગળ વધતા રહ્યા. પ્રાતઃપૂજામાં પણ પાર્શ્વભૂમાં દાદાનો દરબાર શોભી રહ્યો હતો. પ્રાતઃપૂજામાં ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિના ભજનોએ એક અદ્ભુત માહોલ પાથરી દીધો હતો. |
||