|
પરીક્ષા દિન
પ્રતિવર્ષ બી.એ.પી.એસ. સંસ્થાનાં હજારો કેન્દ્રો પર લેવાતી સત્સંગશિક્ષણ પરીક્ષા હરિભક્તોમાં સંપ્રદાયના જ્ઞાનની અભિવૃદ્ધિ કરે છે.
તાજેતરમાં તા. ૩-૫-૨૦૦૯ના રોજ મુંબઈ સત્સંગમંડળે સ્વામીશ્રીની પાવન નિશ્રામાં પરીક્ષા દિનની ઉજવણી કરી સત્સંગ શિક્ષણ પરીક્ષાના મહિમાને ગૂંજતો કર્યો હતો.
સભાના આરંભમાં જ્ઞાનપ્રિય સ્વામીએ પ્રેરક વકતવ્ય દ્વારા સત્સંગ શિક્ષણ પરીક્ષાનો મહિમા સૌને દૃઢાવ્યો હતો. ત્યારબાદ મુંબઈ સત્સંગ મંડળે પરીક્ષા અને સત્સંગના જ્ઞાનને પુષ્ટિ મળે એવા ભાવ સાથે સંવાદ પ્રસ્તુત કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું, 'વાહ! આજે સત્સંગ પરીક્ષા આપવાની વાત ચાલે છે. યોગીજી મહારાજની ખૂબ જ ઇચ્છા હતી કે સંપ્રદાયનું, સત્સંગનું આપણને ખૂબ જ સારું જ્ઞાન થાય. લૌકિક વિદ્યા ભણાવવા માટે માબાપ રાજી હોય છે. દીકરાને પણ તે માટેનો ઉત્સાહ અને સારી ડિગ્રી મેળવવાની ઇચ્છા હોય છે. એ માટે મા-બાપ ખૂબ મહેનત કરે છે અને પૈસા ખર્ચવા પડે તો તે ખર્ચે પણ છે. આૅસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન એમ ઘણા દેશોમાં અભ્યાસ કરવા મોકલે છે. જો દીકરો ન ભણતો હોય તો પણ ગમે તેમ મહેનત કરીને તેને ભણાવે છે. પણ એમાં જેટલો ઉત્સાહ, ઉમંગ છે એવો આપણને સત્સંગ પરીક્ષામાં પણ હોવો જોઈએ. આ આપણા આત્માના કલ્યાણ માટે છે, ભગવાનને રાજી કરવા માટે છે. આ આધ્યાત્મિક જ્ઞાન છે.
ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે આપણને આ શરીર શા માટે મળ્યું છે? માણસને લાગે કે ખાવા-પીવા, નોકરી-ધંધો-વ્યવસાય આ બધું કરવા માટે મળ્યું છે. પણ એનાથી આ લોકનું સુખ ને લાભ મળે, પણ અંતે એને મૂકીને જવાનું છે. જ્યારે આ લોકનું ને પરલોકનું બેય જ્ઞાન થાય, આત્મા ને પરમાત્માનું જ્ઞાન થાય. આ જ્ઞાન સત્સંગ પરીક્ષાથી થાય છે.
૨૬૨ વચનામૃત છે. રોજ એક એક વાંચો અને ઊંડા ઊતરો, અભ્યાસ કરો તો એવું જ્ઞાન થાય કે આ સંસારમાં રહેવા છતાં, આ બધી પ્રવૃત્તિ કરવા છતાં અખંડ આનંદ રહે, અખંડ સુખ રહે. સત્સંગ કરતા હોઈએ તો સુખદુઃખ તો આવે, કારણ કે એ દુનિયાનો ક્રમ છે. શરીરના ભાવ છે એટલે સુખદુઃખ આવે, અશાંતિ પણ આવે. દેવજીભાઈનો દીકરો ધામમાં ગયો તો આજુબાજુ બધાને દુઃખ થયું. કારણ કે જ્ઞાન નહોતું. દેવજીભાઈને જ્ઞાન હતું કે મહારાજ કર્તા છે, એ જે કરતા હશે તે સારું જ હશે. દીકરો ભગવાને આપ્યો છે અને લઈ પણ એમણે લીધો છે, માટે મારે શું દુઃખ? આપનાર એ અને લેનાર એ જ છે પછી આપણે વચ્ચે શું કામ કહીએ કે એ મારો? આવું જ્ઞાન હતું તો દેવજીભાઈનાં ઘરવાળા ઘી લઈને મહારાજને રસોઈ આપવા ગયાં. તેમને આ જ્ઞાન હતું તો શાંતિ રહી. આ જ્ઞાન સત્સંગથી થાય છે, પરીક્ષા આપવાથી થાય છે. પરીક્ષાનાં પુસ્તકો વાંચીએ તો એમાં આ બધી વાતો છે. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આ જ્ઞાન જો આપણને થાય તો કોઈ પ્રસંગ બને તો દુઃખ ન થાય. એટલે આ જ્ઞાન આપણને આ સત્સંગ પરીક્ષાથી થાય છે. એના માટે જોગી મહારાજનો આગ્રહ છે તો દરેકે આ જ્ઞાન પ્રાપ્ત કરવું.
દરરોજ એક વચનામૃત, પાંચ સ્વામીની વાતો વાંચો. ધંધાનું વાંચો એનો વાંધો નથી, પણ એ સિવાય કેટલુંય ખરાબ વંચાય છે. કેટલીય જાતનાં ચોપાનિયાં ને ટી.વી. ને કેટલુંય જોવાય છે. એને માટે સમય ને પૈસા બધું ખર્ચાય છે અને પરીક્ષાની વાત આવે તો કહે 'નો ટાઇમ.', પણ બજારમાં કેટલોય ટાઇમ જાય છે. માટે જ્ઞાન થાય તો સુખિયા થવાય. આ જ્ઞાન પરીક્ષા આપવાથી થાય છે. અને એ પરીક્ષા આપવાથી જેને જેને જ્ઞાન થયું છે એવા દાખલાઓ સંપ્રદાયમાં ઘણા છે. દીકરા ધામમાં ગયા હોય, સંસારનાં દુઃખો આવ્યાં હોય, એમાં પણ સુખિયા રહે.
દુઃખ તો દુનિયામાં રહેલું જ છે, પણ જ્ઞાન થાય તો શાંતિ રહે. એટલે આ પરીક્ષા જ્ઞાન માટેની છે. દરેકે આ પરીક્ષા બરોબર આપવી જોઈએ અને એ પોતાના લાભને માટે છે, પોતાના સુખ માટે છે. અત્યારે મંદીનું ચક્કર આવી ગયું તો બધાને મુશ્કેલી આવી ગઈ. પણ જેને જ્ઞાન છે એને મહારાજની ઇચ્છા, ભગવાને આપણને આપ્યું છે ને આપશે - આવી સમજણની દૃઢતા હોય તો પછી આ સંસારચક્રમાં કોઈ જાતનો વાંધો આવે નહીં.
દાદાખાચર મહારાજના ખરેખરા ભક્ત હતા. મહારાજ ત્યાં ૨૯ વર્ષ રહ્યા ને એમણે તન, મન, ધને બધી રીતે સેવા કરી.
મહારાજ કહે, 'દાદા! અમારે લીધે તને દુઃખ આવે છે, માટે અમે જતા રહીએ.'
દાદા કહે, 'જેટલું દુઃખ આવવાનું હોય તેટલું આવે, પણ તમારા વિરહનું દુઃખમારાથી સહન નહીં થાય. મારા હૃદયમાંથી તમે ગયા તો હું દુખિયો જ છું. મારે તમારે લીધે જ બધી સુખ-સંપત્તિ છે.
આજે સંવાદ પણ સારો હતો. એમાંથી સાર એટલો લેવાનો કે ઘરમાંથી બધાએ પરીક્ષા આપવા બેસવાનું છે. યોગી બાપાનાં વચન છે, વાત સાચી છે. આત્મા ને પરમાત્માનું જ્ઞાન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી દુઃખ લાગે છે. મહારાજ સર્વોપરિ છે, સ્વામી મૂળ અક્ષર છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મોક્ષનું દ્વાર છે એ સમજણ દૃઢ કરીએ ને સુખિયા થઈએ અને એ જ્ઞાન સર્વને થાય એવા આશીર્વાદ છે.'
આશીર્વાદની સમાપ્તિ બાદ મુંબઈ મહિલામંડળે બનાવેલી કલાત્મક શાલ કોઠારી સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કરી.
|
|