|
મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ
મુંબઈની સતત ભાગદોડસભર જિંદગીમાં સતત બે મહિનાથી પણ વધુ સમય સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું દિવ્ય સાંનિધ્ય પામીને મુંબઈવાસીઓએ પરમ શીતળતાનો અનુભવ કર્યો હતો. વહેલી સવારે મુંબઈના દૂર-સુદૂરનાં પરાંઓમાંથી દાદર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ઊમટતા હજારો-હરિભક્તોમાં ઠાકોરજી તથા સ્વામીશ્રીનાં દર્શનથી તાજગીનો સંચાર થયો હતો. સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં હરિભક્તો-ભાવિકોમાં ભક્તિની હેલી ઊમટી હતી. હજારો હરિભક્તોએ વિશેષ વ્રત-તપ તથા પદયાત્રા દ્વારા ગુરુહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજામાં સંગીત જગતના સુપ્રસિદ્ધ કલાકારોએ ભક્તિપદો તથા ભક્તિ સંગીત રજૂ કરી પોતાની કલા પાવન કરી હતી. વળી, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
સ્વામીશ્રીના આ વખતના મુંબઈ ખાતેના રોકાણ દરમ્યાન વિવિધ ઉત્સવોની શૃંખલા રચાઈ હતી. યોગી પર્વ, પ્રમુખ પર્વ, શ્રીહરિ પર્વ, બાળદિન તથા કિશોરદિન જેવાં વિવિધ પર્વોએ વિવિધ સાંસ્કૃતિક અને ભક્તિસભર કાર્યક્રમો રજૂ કરી આબાલવૃદ્ધ સૌએ ગુરુભક્તિ અદા કરી હતી.
મુંબઈની આસપાસના બાર્શી, દહાણુ, જામગે, નાંદેડ, કંકરાલી તથા સાંકરી વિસ્તારમાં આવેલા અલગઢ એમ કુલ છ ગ્રામ્ય વિસ્તારોમાં રચાયેલાં નૂતન હરિમંદિરોની મૂર્તિઓનું સ્વામીશ્રીએ વેદોક્તવિધિ પૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. સંસ્થાના વિદ્વાન સંતોની કલમે લખાયેલા કેટલાંક વિશિષ્ટ પ્રકાશનોનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રીએ સૌને વિરલ સ્મૃતિ આપી હતી. વળી, અહીં યોજાયેલા કાર્યક્રમને કારણે રાજસ્થાનના હરિભક્તો-ભાવિકોને સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો હતો. અહીં સ્વામીશ્રીએ મુંબઈમાં આપેલા સત્સંગના દિવ્ય લાભની એક ઝાંખી પ્રસ્તુતછે.
યોગી પર્વ - યોગી જયંતીઃ
'ભગવાન સૌનું ભલું કરો.'ની ભાવના જેઓના હૈયે સદાય ગૂંથાયેલી હતી એવા બ્રહ્મસ્વરૂપ યોગીજીમહારાજના ૧૧૮મા પ્રાગટ્યોત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી મુંબઈ સત્સંગ મંડળે સ્વામીશ્રીના સાંનિધ્યમાં પોતાની ભક્તિ અદા કરી હતી. તા. ૧૭-૫-૨૦૦૯ થી તા. ૨૧-૫-૨૦૦૯ દરમ્યાન યોજાયેલા 'યોગી પર્વ'માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની દિવ્ય સ્મૃતિઓ કરાવતા વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ દ્વારા હરિભક્તોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આ પર્વ અંતર્ગત તા. ૧૭-૫-૦૯ને રવિવારના રોજ આઠ હજારથી પણ વધુ હરિભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રતીક જન્મોત્સવની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં બાળકોએ યોગીજી મહારાજના સ્મૃતિ કરાવતાં ભક્તિપદોનું ગાન કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પ્રાતઃપૂજાના અંતે કીર્તનના તાલે નૃત્ય કરી રહેલા નાના નાનાં શિશુઓને નિહાળી સ્વામીશ્રીએ વિવિધ કરમુદ્રાઓ કરી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
પ્રાતઃપૂજા બાદ વર્ણીન્દ્ર સ્વામીએ સ્વામીશ્રી પાસે 'શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય' નામક હિન્દી પ્રકાશનનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. આજે 'યોગી પર્વ' નિમિત્તે ઘાટકોપર, વિક્રોલી, ચેમ્બૂર, અને કૂર્લાથી આવેલા પદયાત્રીઓને સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
આજની રવિ સંધ્યા સત્સંગસભા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રતીક જન્મોત્સવની વિશિષ્ટ સભા બની રહી હતી. યોગીજી મહારાજે દૃઢાવેલાં મૂલ્યો અને પ્રેરણાઓ આધારિત પ્રેરક પ્રવચનો બાદ પ્રેમપ્રકાશ સ્વામી, વિવેકસાગર સ્વામી તથા ભક્તિપ્રિય સ્વામીએ યોગીજી મહારાજના મુંબઈ ખાતે વિવિધ પ્રસંગોનું રસપાન સૌને કરાવ્યું હતું. ત્યાર- બાદ મુંબઈમાં યોગીજી મહારાજે આપેલા દિવ્ય સત્સંગલાભની સ્મૃતિ કરાવતો વીડિયો-શો નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા.
આ પ્રસંગે યોગીજી મહારાજનો મહિમા વર્ણવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું: 'આજે પૂજ્ય યોગીજી મહારાજની જન્મજયંતી આપણે ઊજવીએ છીએ. યોગીજી મહારાજ એવા દિવ્યમૂર્તિ હતા કે એમના મુખ પર હંમેશાં હાસ્ય, પ્રેમ, અને દરેક પર દયા ને આનંદ, આનંદ ને આનંદ. ગમે તેવી મોટી સભા હોય, નાની સભા હોય કે એકાંતમાં બેઠા હોય તોય પણ બધાને આનંદ થાય એવી વાતો કરે, એવો પ્રેમ કરે. સ્વામીને ઇચ્છા હતી કે મારે એકાવન સાધુ કરવા છે. જે આવા યુવાનો આવે એને થાપો મારે ને સાધુ થવાની વાત કરે. મોટાપુરુષ તો આપણામાં ગુણ ન હોય તો એ હેત ને પ્રીત કરી ગુણ આપે છે.
તેમનું સેવાનું અંગ પણ એવું હતું. સારંગપુર-ગોંડલ મંદિરો થતાં ત્યારે સ્વામી રસોડું કરતા. સવારમાં ઊઠીને રોટલા કરવા, ઠાકોરજીનો થાળ કરવો એ બધું તેઓ ઉત્સાહથી કરતા. કોઈ દા'ડો એમ નહીં કે આજે મને માથું દુખ્યું, પેટ દુખ્યું. કરવાનું એટલે કરવાનું, ગમે તેવી સ્થિતિ હોય તોપણ. શાસ્ત્રીજી મહારાજ સારંગપુર વિરાજતા હતા તે વખતે લોકો ભાલમાંથી ઘઉંનાં ગાડાં લઈ બોટાદ વેચવા જતા. એક વાર ગાડાંવાળા રાતના બાર-એક વાગે સારંગપુર મંદિરમાં આવ્યા. બધા ગુણભાવી હતા. ગાડાંવાળાએ જમવાની ઇચ્છા બતાવી. રાતના ૧૨:૦૦ વાગે તો ક્યાંથી રસોઈ હોય ? પણ જોગી મહારાજ તો કોઈ આવ્યો હોય તો એને જમ્યા વગર જવા જ ન દે. 'ગળાના સમ' દઈ એટલું હેત કરે કે પેલો જમ્યા વગર જાય નહીં.
સ્વામીને કથાવાર્તાનું પણ એવું અંગ. સવાર-બપોર-સાંજે કથા કરે. સવારે ચાર વાગે ઊઠીને અક્ષરદેરીમાં કીર્તન બોલે. કથા કરવી, સેવા કરવી, ભજન કરવું એ બધું ચોવીસેય કલાક એમના જીવનમાં હતું. એમના સ્વપ્નામાં પણ શાસ્ત્રીજી મહારાજની સેવા કરી, મહારાજની પૂજા કરી હોય એવી જ વાત આવે. ભગવાન સિવાય બીજી વાત જ નહીં, કારણ કે તેઓ સાક્ષાત્ મહારાજનું સ્વરૂપ હતા.
બાળકોને સંસ્કાર આપવા એ વિચાર એમને પહેલેથી જ હતો. બાળકોને સંસ્કાર આપીશું તો ભવિષ્યમાં સંસ્કાર રહેશે. અત્યારે બહારના વાતાવરણમાં તો છોકરાઓ ભણવા જાય ત્યાં જ બગડી જાય છે. પણ નાનપણના સંસ્કાર હશે તો વાંધો નહીં આવે. રવિવારની સભા કરવાની વાત પણ સ્વામીએ કરેલી છે.
એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. આપણે કથાવાર્તા-કીર્તન-સેવા શીખવાનું છે. કોઈ પ્રકારનું માન નહીં, ઈર્ષ્યા નહીં, ક્રોધ નહીં. એમણે કોઈનો અવગુણ લીધો નથી. કોઈના માટે કાંઈ બોલ્યા નથી, ત્યારે આ સત્સંગ વધ્યો છે. તો આપણે પણ આમાંથી સાર લઈ ભક્તિ કરી રાજી કરી લઈએ એવું સર્વને બળ મળે તે પ્રાર્થના.'
આશીર્વચનની સમાપ્તિ બાદ આજના ઉત્સવ નિમિત્તે સૌ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીના કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સત્કાર્યા. સભાના અંતમાં વિવિધ પરંપરાગત સ્પર્ધાઓમાં વિજેતા થયેલ રમતવીરોને ભક્તિપ્રિય સ્વામીએ સ્મૃતિભેટ આપી બિરદાવ્યા હતા. આ સૌ રમતવીરો સ્વામીશ્રીના સમીપ દર્શનનોõ લાભ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
આમ, પાંચ દિવસના 'યોગી પર્વ'ના પ્રથમ દિને મુંબઈ સત્સંગમંડળે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રતીક જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી તેમના દિવ્ય કાર્યને અંજલિ આપી હતી.
'યોગી પર્વ'ના દ્વિતીય દિને એટલે કે તા. ૧૮-૫-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં યોગીજી મહારાજના દીક્ષિત સંતો ભક્તિપ્રિય સ્વામી, વિવેકસાગર સ્વામી, સર્વેશ્વર સ્વામી તથા કૃષ્ણવલ્લભ સ્વામીએ યોગીજી મહારાજના કીર્તનોનું ગાન કરી યોગીજી મહારાજને ભાવાંજલિ અર્પી હતી.
તા. ૨૦-૫-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં યોગીજી મહારાજની દિવ્ય વાણીની સ્મૃતિ કરાવતો એક વિશિષ્ટ કાર્યક્રમ રજૂ થયો હતો. યોગીજી મહારાજના કંઠે કીર્તનનો આરંભ થતો, ત્યારબાદ ગાયક સંત દ્વારા તે કીર્તન પૂર્ણ થતું. યોગીજી મહારાજની દિવ્ય વાણીની સ્મૃતિ કરાવતો આ કાર્યક્રમ સૌ કોઈના અંતરપટ પર વિશિષ્ટ સ્મૃતિ અંકિત કરી ગયો.
તા. ૨૧-૫-૨૦૦૯ ને વૈશાખ વદ બારસનો દિન એટલે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિન. કપાળમાં ચંદનની અર્ચા અને તિલકચાંદલા સાથે શોભી રહેલા સ્વામીશ્રીના મુખ પર ગુરુહરિના પ્રાગટ્ય દિનનો આનંદ છલકાતો હતો.
અભિષેક મંડપમ્માં યોગીજી મહારાજની વિવિધ લાક્ષણિકતાઓ છતી કરતી કલાત્મક રંગોળી તેમજ ગુરુ-પરંપરાની મૂર્તિઓ આગળ પાટ પર પાથરેલી યોગીજી મહારાજની પ્રાસાદિક પૂજાનાં દર્શન કરી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા હતા. પ્રાતઃપૂજામાં સંતો-યુવકોએ યોગીજી મહારાજની સ્મૃતિ કરાવતાં વિવિધ કીર્તનોનું ગાન કરી ભાવાંજલિ અર્પણ કરી. પ્રાતઃપૂજાના અંતે વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા હતા.
|
|