|
રવિ સત્સંગસભા
શાહીબાગના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા વિશાળ મેદાનમાં દર રવિવારે યોજાતી રવિ સત્સંગસભા નૈમિષારણ્ય ક્ષેત્ર સમાન બની રહી હતી. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં હજારો મુમુક્ષુઓને આ સત્સંગ સભામાંથી અધ્યાત્મના માર્ગે આગળ વધવાનું બળ પ્રાપ્ત થયું હતું. વળી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરેથી સામેના વિશાળ મેદાનમાં કલાત્મક રથમાં બિરાજીને પધારતા સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિઓ અનેકના હૃદયમાં સદાયને માટે કંડારાઈ ગઈ હતી.
તા. ૬-૯-૨૦૦૯ના રોજ યોજાયેલી રવિવારની સંધ્યા સત્સંગસભા સૌ માટે અણમોલ સંભારણું બની ગઈ હતી. નિયત સમયે આરંભાયેલી આ સત્સંગસભામાં ઉપસ્થિત સૌને શ્રીહરિ સ્વામીની રસાળ શૈલીમાં કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રીના આગમનની સાથે જ દહેગામ બાળમંડળનાં બાળકોએ 'રંગ છાયો, રંગ છાયો, રંગ છાયો રે, આનંદનો રંગ છાયો રે...' કીર્તનના આધારે ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવ્યા હતા. ત્યારબાદ વડીલ સંતોએ સૌ વતી સ્વામીશ્રીનાં કરકમળોમાં વિવિધ કલાત્મક પુષ્પહાર અર્પણ કરી ભક્તિ અદા કરી હતી. આજે સત્સંગશિક્ષણ પરીક્ષામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સૌ પરીક્ષાર્થીઓને સ્વામીશ્રીનાં સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો. આ સૌ વિજેતાઓને ત્યાગવલ્લભ સ્વામીએ પારિતોષિક અર્પણ કરી બિરદાવ્યા હતા. ઇનામ વિતરણ બાદ અમદાવાદ યુવકમંડળના યુવકોએ 'વજેસિંહ દરબારનો હોકો...'ના કેન્દ્રવર્તી વિચાર સાથે પ્રેરક સંવાદની પ્રસ્તુતિ કરી હતી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'અહીં આપણે સંવાદ જોયો. સામાન્ય રીતે દુનિયામાં પૈસાનો કેફ, હોદ્દાનો કેફ, સત્તાનો કેફ છે. બે આની કાર્યો કરીએ એનો કેફ છે, દેશ-પરદેશ ફરી આવે એનો પણ કેફ છે. તો આવી સામાન્ય વસ્તુના કેફ ચઢી જાય છે. પણ એ કેફમાં આપણને શાંતિ કે આનંદ નથી. લૌકિક રીતે આનંદ લાગે, પણ પછી હતું એવું ને એવું.
જગતનું સુખ, પંચવિષયનું સુખ, લૌકિક સુખ ક્ષણિક છે. આ શરીર છે ત્યાં લગી આપણને એ સુખ આવે છે, પણ શરીર છૂટી જાય ત્યારે એ સુખ સાથે આવતું નથી. જ્યારે ભગવાનનું સુખ તો 'ખરચ્યું ન ખૂટે, વાકૂઁ ચોર ન લૂંટે' એવું છે. ભગવાનનો આનંદ તમે ખર્ચો તો અનંત ગણો થઈને પાછો આવે. કોઈ એને લૂંટનાર જ નથી. એટલે એને જેમ જેમ વાપરો એમ એ અધિક થાય છે. જેમ નરસિંહ મહેતા સામાન્ય કુટુંબના હતા અને દીકરીને મામેરું પૂરવા પૈસા નહોતા, પણ એમને ભજનનો આનંદ હતો. તેમના પર ભગવાનની કૃપા થઈ તો દીકરીના મામેરાનો પ્રસંગ પૂરો થઈ ગયો. ભગવાને એમનું કામ કરી દીધું. ભગવાન કોઈ ને કોઈ રીતે કામ કરે જ છે, પણ એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવાં જોઈએ.
જેને ભગવાનમાં શ્રદ્ધા છે, ધર્મમાં શ્રદ્ધા છે, સારા કાર્યમાં શ્રદ્ધા છે તો એને કાયમ આનંદ રહે છે. કેટલીક વખત કામ કરતાં કરતાં મુશ્કેલી આવે તો મન ડગમગ થાય છે. મેં ભજન કર્યું, આટલા દિવસ કથાઓ સાંભળી, મંદિરે ગયો, ઉત્સવો કર્યા તો ય મને દુઃખ કેમ આવ્યું ? મન ભગવાનમાંથી ડગી જાય. પણ 'ડગમગે દિલ જ્યાં લગી, નવ બ્રહ્મ પ્રકાશે રે' ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો શ્રદ્ધા જોઈએ. ખેતીવાડી, ઉદ્યોગ-ધંધા કે વ્યાવહારિક કાર્ય કરો, પણ એમાં શ્રદ્ધા હોય તો સફળતા મળે છે. તો પછી ભગવાન સાક્ષાત્ પૃથ્વી પર પધાર્યા એમાં જેણે જેણે શ્રદ્ધા રાખી એ બધાનાં ભગવાને કામ કર્યાં છે. ભગવાન દરેકને સુખ આપવા માટે આવ્યા છે. સુખ એટલે મોક્ષ. જોગી મહારાજ કહેતા, 'મોહનો ક્ષય એટલે મોક્ષ.' 'આ મારું મનાયું છે, આ હું છું, આ મેં કર્યું છે' એ મોહ છે. પરંતુ કર્તા ભગવાન છે. ભગવાન સિવાય કોઈ કંઈ જ કરી શકતું નથી. આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ ને થાય છે એ ભગવાનથી જ થાય છે, ભગવાન જ કરે છે. આ એક જ સમજણ જો હોય તો પછી દુનિયામાં ગમે એ ઉપાધિ આવે તો પણ કોઈ જાતનો વાંધો આવે નહીં. જગતમાં દુઃખ આવવાનું છે, પણ એમાં જો જ્ઞાન હોય તો વાંધો આવે નહીં. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, મારું મનાય છે, એટલે દુઃખ આવે છે.
જ્યારે સંત સમાગમ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, શાસ્ત્રો વાંચીએ અને એમાંથી આત્મા ને પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે સુખ થાય. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરીએ, દેહભાવ ટાળીને, આત્મભાવ કરીને પરમાત્માની ભક્તિ કરીએ અને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે મનુષ્ય સુખી બને છે.
સૂર્યરૂપી ભગવાન અનંત દુનિયાને પ્રકાશ આપનાર છે, આપણા આત્માને પ્રકાશ આપનાર એ છે. આપણું શ્રેય-કલ્યાણ કરનાર પરમાત્મા છે. સંત કલ્યાણ કરનાર છે.
'સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકુંજી'
ભગવાન ભજવાની રીત, ભગવાનનાં સુખની વાત એ સંતો થકી થાય છે. આ દેહ ખાવાપીવા, મોજશોખ એશ-આરામ માટે નથી મળ્યો, પણ ભગવાનની ભક્તિ માટે મળ્યો છે. મોક્ષની પ્રાપ્તિ કરવા દેહ મળ્યો છે. માટે સંત મળે તો બધું અજ્ઞાન ટળે છે. તો આવો અવસર ચૂકવો ન જોઈએ. તો આવું આત્મા-પરમાત્માનું જ્ઞાન દરેકને થાય, દેશમાં, કુટુંબમાં, સમાજમાં શાંતિ થાય. ભગવાનની ભક્તિ કરીને સર્વ સુખિયા થાય એ માટે શ્રીજીમહારાજને પ્રાર્થના છે.'
|
|