|
શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ
તા. ૮-૯-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના શ્રાદ્ધદિન નિમિત્તે તેમના અનંત ઉપકારોની સ્મૃતિ કરીને તેઓના વિરલ કાર્યને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદ તથા દૂર-સુદૂરથી આ ઉત્સવમાં સહભાગી થવા આવેલા ૧૯,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. વહેલી સવારથી જ મંદિરમાં ઠેર ઠેર શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરાવતું વાતાવરણ દૃષ્ટિગોચર થઈ રહ્યું હતું.
સ્મૃતિપર્વના વિચારને કેન્દ્રમાં રાખીને મધ્યખંડમાં દાદા ખાચરના દરબારના લીંબડા હેઠળ બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ ૫૦૦ પરમહંસોને દૂધપાકનું પાન કરાવી રહ્યા હોય એવું સુંદર દૃશ્ય રચવામાં આવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની મૂર્તિઓ પુષ્પની ચાદર વડે શોભી રહી હતી. યજ્ઞપુરુષ સભાગૃહના વિશાળ મંચ પર સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દુર્લભ છબિઓ ગોઠવવામાં આવી હતી. શાસ્ત્રીજી મહારાજના જુદા જુદા પ્રસંગોની સ્મૃતિ કરાવતી છબિઓ નિહાળી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન જ સંતોએ કીર્તન-ભક્તિ દ્વારા શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી હતી. જુદાં જુદાં કીર્તનોનાં ગાન દરમ્યાન મંચ પરના વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની વિવિધ છબિઓ નિહાળી ઉપસ્થિત સૌ ગદ્ગદિત થઈ ઊઠ્યા હતા. આજે સ્વામીશ્રીની પ્રાતઃ-પૂજામાં હરિકૃષ્ણ મહારાજને મિઠાઈના થાળની સાથે દૂધપાકનો થાળ ધરાવવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ આ દૂધપાકમાં ગુલાબનાં પુષ્પોની પાંદડીઓ પધરાવી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
પ્રાતઃપૂજા બાદ 'ગામે ગામે ઘૂમે સંતો, કઠિન કરતા સાધના' એ કીર્તનના આધારે સાધુવેષે નૃત્ય કરતા બાળકોએ શાસ્ત્રીજી મહારાજના સમયના વાતાવરણને વધુ જીવંત બનાવી દીધું હતું. આ કીર્તનમાં 'યજ્ઞપુરુષ છે સાથે' એ કડીનું ગાન થતાં જ સ્વામીશ્રીએ પણ તેમાં જોડાઈને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. કીર્તનના અંતે વડીલ સંતોએ વિવિધ કલાત્મક હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'શાસ્ત્રીજી મહારાજે જે અદ્ભુત કાર્ય કર્યું છે, એ આપણે કીર્તનો દ્વારા સાંભળ્યું. આ ઉત્સવોમાં ભગવાનનો સંબંધ છે એટલે ઉત્સવોની મહત્તા છે. જે જે ઉત્સવો થઈ ગયા છે, થાય છે ને ભવિષ્યમાં થશે એમાં ભગવાનનો સંબંધ ભળ્યો એટલે એ કાર્ય નિર્ગુણ કહેવાય.
અહીંથી શાસ્ત્રીજી મહારાજના જીવન-કાર્યની જે વાતો થઈ, એ આપણા જીવનમાં દૃઢ થાય ત્યારે આપણે ઉત્સવ ઊજવ્યો કહેવાય. એમણે ઉપાસનાનો માર્ગ સમજાવ્યો. એ ઉપાસના-આશરો-નિષ્ઠા સૌએ દૃઢ કરવાનાં છે. એમનું કાર્ય સાચું છે, વાત સાચી છે. આપણા માટે એમણે મંદિરો, શાસ્ત્રો ને સંતો કર્યાં. મંદિરોમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ પધરાવ્યા.
ઉપાસના એટલે ઉપ † આસન. ભગવાનની નજીક બેસવું એટલે ઉપાસના. ઉપાસનામાં શ્રીજીમહારાજ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, સર્વકારણના કારણ છે - એ જીવમાં દૃઢ થવું જોઈએ. એ માટે કથાવાર્તા, ભજન-કીર્તન રાતદિવસ કર્યાં કરવાં. ભગવાનની વાતો નિર્ગુણ છે તો અંદરનાં કામ-ક્રોધ-મોહ-મમતા કાઢે છે, છળકપટ, પ્રપંચ કાઢે છે. આવી કથાવાર્તા સાંભળવાથી, ભગવાનનો પ્રસાદ જમવાથી અંદરથી દોષો ટળી જાય છે ને શાંતિ થાય છે. ભગવાન સાકાર છે, એટલે આ સૃષ્ટિ પણ સાકાર બની છે.
'જેણે રચ્યું આ જગત, જોને જૂજવી એ જાતનું રે.
જોતાં મુંઝાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે.'
માણસે બગીચા બનાવવા માટે લાખો રૂપિયા ખરચવા પડે છે, પણ ભગવાને કુદરતી બનાવ્યું છે. વન-પર્વત, જંગલ કેટલું સરસ રળિયામણું છે ! ભગવાનની રચનામાં પાર પમાય એવું નથી. ભગવાન પૃથ્વી પર પધાર્યા અને સાથે એમના ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને લાવ્યા. આ વાત મહારાજે વચનામૃતમાં કરી છે. શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રવિરુદ્ધ કાર્ય નથી કર્યું. ઉપનિષદ, શાસ્ત્રો અને વચનામૃતના આધારે જ એમણે વાત કરી છે. અક્ષરપુરુષોત્તમની વાત નવી નથી. શાસ્ત્રીજી મહારાજનું કાર્ય અક્ષર-પુરુષોત્તમની વાત સૌના જીવમાં દૃઢ થાય એ માટે હતું. શાસ્ત્રીજી મહારાજ કહેતા સાચા દેવળે ઘંટ વાગે. મંદિરો ખંડેર થઈ ગયાં હોય તો એમાં આરતી-પૂજા થાય નહીં. જ્યાં કાયમ પાંચ આરતી-થાળ-ઉત્સવ થાય - એ મંદિર કહેવાય.
ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણએ સાચી વાત કરી, છતાંય એમને ઉપાધિ આવી, દુઃખ આવ્યાં, પણ એને ગણકાર્યા સિવાય તેઓ પોતાની વાતમાં તલ્લીન થઈ ગયા. સોનું જેમ તપેõ એમ એની કિંમત વધે છે. એમ સાચી વાતને મુશ્કેલી આવે છે, પણ સાચી વસ્તુ છે એ સાચી જ બહાર આવે જ છે.
ઉપાસનામાં વાત આવે છે - ભગવાન પ્રગટ છે. ભગવાન ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ દ્વારા પ્રગટ છે. આવી ઉપાસનાની વાત સૌએ જીવમાં દૃઢ કરીને કાર્ય કરવાનું છે. શાસ્ત્રીજી મહારાજને કેટલી મુશ્કેલીઓ પડી છે ! પણ એમણે મુશ્કેલીઓને ગણી નથી.
સુખદુઃખમાં, કસોટીમાં ધીરજ, હિંમત, નિષ્ઠા, અને સમજણ દૃઢ રહેવી જ જોઈએ. એમાં જરાય ફેરફાર થવો ન જોઈએ. 'અવસર આવિયો રણ રમવા તણો'; 'પેટ કટારી રે, મારીને સન્મુખ ચાલ્યા' મરણિયા થઈને જાય તો એની જીત થાય છે, ત્યારે એની કિંમત થાય છે.
શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત કાર્ય કર્યું છે એની જીવમાં દૃઢતા કરવાની છે. નિષ્ઠા રાખીને આવો ને આવો ઉત્સાહ ને પ્રેમ દરેકના જીવનમાં દૃઢ થાય એ મહારાજને પ્રાર્થના કરીએ છીએ.'
સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ ૯-૧૫ વાગે થઈ અને 'આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ' કીર્તન કૃષ્ણપ્રિય સ્વામીએ ગાવાનું શરૂ કર્યું. આ કીર્તનમાં જોડાઈને વિવિધ કરમુદ્રાઓ કરી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
|
|