|
ગોંડલમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૩૦-૯-૨૦૦૯ થી તા. ૨૬-૧૦-૨૦૦૯ સુધી અક્ષરતીર્થ ગોંડલમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. અમદાવાદથી તીર્થધામ ગોંડલ પધારી રહેલા સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવા માટે માર્ગમાં બાવળા, લીંબડી તથા રાજકોટ-ગોંડલ બાયપાસ માર્ગ પર હરિભક્તો ઊમટ્યા હતા. ત્રણ કલાકની લાંબી મુસાફરી બાદ સ્વામીશ્રી ગોંડલ પધાર્યા ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હાઇસ્કૂલ અને ગુરુકુળના વિદ્યાર્થીઓએ હરોળબદ્ધ રીતે હાથમાં મશાલ અને બી.એ.પી.એસ.ના ધ્વજ ફરકાવી સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્વામીશ્રી યોગીજી મહારાજના સ્મૃતિ મંદિરનાં દર્શન કરી સભામાં પધાર્યા. બાલમુકુંદ સ્વામી અને ઘનશ્યામચરણ સ્વામીએ ઘનશ્યામ મહારાજનો પ્રાસાદિક હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સમગ્ર સત્સંગમંડળ વતી સ્વામીશ્રીને સત્કાર્યા.
અક્ષરદેરીના સાંનિધ્યમાં સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજાનાં દર્શન તથા વિદ્વાન સંતોના મુખેથી કથાવાર્તાનું પાન કરીને હરિભક્તો-ભાવિકોએ દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શરદોત્સવ, દીપાવલી, અન્નકૂટોત્સવ, નૂતનવર્ષ જેવા વિવિધ પર્વોએ સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને દેશ-વિદેશના હજારો હરિભક્તો ધન્ય બન્યા હતા. હવે પછીનાં પૃષ્ઠોમાં ગોંડલમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝલક પ્રસ્તુત છે.
શરદપૂર્ણિમા ઉત્સવ :
તા. ૪-૧૦-૨૦૦૯ના રોજ ગોંડલમાં ઉત્સવ ત્રિવેણી રચાઈ હતી. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો ૨૨૫મો પ્રાગટ્યોત્સવ, દીક્ષાના ૨૦૦ વર્ષ અને અક્ષરમંદિરના અમૃત મહોત્સવનો લાભ લેવા ઊમટેલા દેશ-વિદેશના હજારો હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. શરદપૂર્ણિમાની પ્રભાતે સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંગીતજ્ઞ સંતોએ ગુણાતીતાનંદ સ્વામીને કીર્તનાંજલિ અર્પી હતી.
સાંજે ૬:૪૫ વાગે યોગીસ્મૃતિ મંદિરની પાછળ આવેલા મેદાનમાં ૨૯,૦૦૦ હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉત્સવ-સભાનો આરંભ થયો. વિશાળ મંચની પાર્શ્વભૂમાં આજના પ્રસંગને અનુરૂપ નકશીદાર ત્રણ કમાનો વચ્ચે અક્ષરદેરીનાં પ્રતીકો શોભી રહ્યાં હતાં. સભામંડપમાં ચાર મોટા સ્ક્રીન ગોઠવવામાં આવ્યા હતા. સ્વામીશ્રીના પધારતાં પહેલાં શ્રીહરિ સ્વામી તથા સિદ્ધેશ્વર સ્વામીનાં પ્રવચનો તેમજ ગોંડલ કિશોર મંડળના કિશોરો દ્વારા 'અદ્વિતીય સાધુ - ગુણાતીતાનંદ સ્વામી' વિષયક પ્રેરક સંવાદ અને મહોત્સવની બે આરતી થઈ ચૂકી હતી.
સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે હજારો હરિભક્તોના જયનાદોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. ગોંડલના કિશોરોએ 'પાંદડે પાંદડે મહારાજ અને સ્વામી' સંવાદ રજૂ કર્યો. આદર્શજીવન સ્વામીનાં પ્રવચન બાદ શાસ્ત્રીજી મહારાજે ગોંડલમાં દિલરુબા વગાડ્યું હતું એ પ્રસંગના સંવાદ અને વીડિયો પ્રસ્તુતિ નિહાળી સૌ મંત્રમુગ્ધ બની ગયા. ઈશ્વરચરણ સ્વામી, જ્યોતીન્દ્રબાપુ સહિત વડીલ હરિભક્તોએ તૃતીય આરતી ઉતારી. ત્યારબાદ યોગીજી મહારાજની ગોંડલ સાથે જોડાયેલી વિરલ સ્મૃતિઓનું વીડિયો દર્શન રજૂ થયું અને ઈશ્વરચરણ સ્વામીએ પ્રવચન દ્વારા આ સ્મૃતિ તાદૃશ્ય કરી.
ચતુર્થ આરતી બાદ શ્રી જ્યોતીન્દ્રબાપુ અને શ્રી ગિરિરાજસિંહને પુષ્પહારથી વડીલ સંતોએ સત્કાર્યા. ત્યારબાદ ગોંડલનાં બાળકો, કિશોરો અને યુવકોએ પ્રિયદર્શન સ્વામી રચિત 'શરદ પૂનમની ચાંદની, આ સૂરજને શરમાવે' એ ભક્તિ-નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવ્યા. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલાં પુષ્પહાર અને દીક્ષા-મહોત્સવની શાલ સૌ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યાં.
અંતે સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'જેમ ત્રિવેણીમાં ત્રણ નદીઓ ગંગા, જમના અને સરસ્વતી ભેગી થાય છે, ત્યાં સ્નાનનો મહિમા છે, તેમ આજે ગોંડલમાં ઉત્સવોનો ત્રિવેણી સંગમ થયો છે. અહીં કથાવાર્તા-ભજનનો મહિમા છે એમાં તરબોળ થવાનું છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ ત્રિવેણી સંગમમાં ભેગા થયા. અહીં આવી સંતો પાસેથી જે વાતો સાંભળી એ જીવમાં ઉતારીએ તો અહીં આવ્યાનું સાર્થક થાય, આત્માનું શ્રેય થાય.
શ્રીજીમહારાજ અનંત જીવોના કલ્યાણ માટે પોતાનું ધામ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈને પધાર્યા. અક્ષરરૂપ થયા સિવાય ભગવાનની ભક્તિનો અધિકાર નથી, એટલે અક્ષરરૂપ થવા માટે મહારાજ અક્ષરને સાથે લાવ્યા અને એમનો મહિમા સમજાવ્યો. ગુણાતીત સંતનો મહિમા અપરંપાર છે. અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા એમાં નર ભક્ત છે અને નારાયણ ભગવાન છે, પરંતુ વાઘા, શણગાર, થાળ, ઉત્સવ એ મહારાજ જેવા જ થાય છે, આ વાત જો સમજાય તો બેડો પાર. શાસ્ત્રીજી મહારાજ કહેતા 'સાચા દેવળે ઘંટ વાગશે.' તો આજે અક્ષર-પુરુષોત્તમનાં ઘણાં મંદિરો થયાં અને અક્ષરપુરુષોત્તમની જય બોલાય છે.
મહારાજે ડભાણમાં યજ્ઞ કરી પૂર્ણાહુતિના દિવસે મૂળજી શર્માને દીક્ષા આપી 'ગુણાતીતાનંદ સ્વામી' નામ પાડ્યું. એટલે આ વાત નવી નથી. શાસ્ત્રીજી મહારાજ બહુ વિચક્ષણ હતા, વિદ્વાન હતા. તેમણે આ સંપ્રદાય સ્થાપ્યો છે. જોગી મહારાજના સંકલ્પે આ સંતો થયા અને સૌને જ્ઞાન આપે છે તો આજે દેશ-પરદેશમાં ઘણો સત્સંગ થયો છે. આપણાં અહોભાગ્ય છે કે આપણને આ વાત સમજાઈ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા મહાપુરુષનાં દર્શન થયાં છે, તો આ વાતને અતિ દૃઢ કરતા રહીએ જેથી કરીને ફેરો સફળ થાય.
આવા અક્ષરમંદિર જેવા મહાતીર્થનાં દર્શન કરીએ તો બધાં પાપ ટળી જાય, બધાંને સુખ શાંતિ થાય ને અક્ષરધામના અધિકારી બનીએ એ જ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ ઉત્સવની ચરમસીમારૂપ ક્ષણ આવી પહોંચી. સ્વામીશ્રીએ ઉત્સવની અંતિમ અને પાંચમી આરતી ઉતારી ત્યારે વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ. સાથે સાથે વિશાળ ભક્તમેદનીમાં પણ સમૂહ આરતીના દીવાઓ પ્રગટી ઊઠ્યા. આકાશમાં તારે વીંટ્યો શરદચંદ્ર અને નીચે હજારો દીવડાઓથી પ્રકાશિત તારલાઓની વચ્ચે સ્વામીશ્રીરૂપી ચંદ્ર શોભી રહ્યો હતો. આ દૃશ્ય અદ્ભુત અને અવર્ણનીય હતું. આ આરતી પૂર્ણ થતાં જ જયનાદો સાથે શરદોત્સવની પૂર્ણાહુતિ થઈ.
|
|