દીપાવલી - ચોપડા પૂજન પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૭-૧૦-૨૦૦૯ના રોજ તીર્થરાજ ગોંડલમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં હજારો હરિભક્તોએ દીપોત્સવી પર્વનો અનેરો લહાવો માણ્યો હતો. અક્ષરમંદિર તથા સમગ્ર પરિસરમાં ઠેર ઠેર ઝળહળી રહેલા વીજદીપકોથી વાતાવરણ સુરમ્ય લાગી રહ્યું હતું. વિક્રમ સંવત ૨૦૬૬ની પૂર્વ સંધ્યાએ ૬:૨૫ વાગે સ્વામીશ્રી અક્ષરદેરીમાં દર્શન કરી સભામંચ ઉપર પધાર્યા. મંચની પાર્શ્વભૂમાં સાક્ષાત્ અક્ષરમંદિર શોભી રહ્યું હતું. મંદિરના બંને પગથિયે અને મંચ આગળ હરિભક્તોના હિસાબી ચોપડાઓ મૂકવામાં આવ્યા હતા. ચોપડા પૂજન નિમિત્તેની આ વિશિષ્ટ સભામાં શ્વેતવૈકુંઠ સ્વામીએ વેદોક્ત-વિધિપૂર્વક મહાપૂજાવિધિનો આરંભ કર્યો. સ્વામીશ્રી પણ આ મહાપૂજાવિધિમાં જોડાયા. ડાબે ખભે કળશ ધારણ કરી સ્વામીશ્રીએ સૌના કલ્યાણની કામના કરી. ત્યારબાદ હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવી થાળ ધરાવવામાં આવ્યો. લગભગ સવા કલાક સુધી મહાપૂજા-વિધિમાં બિરાજી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને દર્શનનું દિવ્ય સુખ આપ્યું હતું. મહાપૂજાવિધિના અંતે સ્વામીશ્રીએ સ્વયં ચોપડાઓ ઉપર અક્ષત અને પુષ્પ પધરાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક ઉદ્બોધન બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે આ ઉત્સવમાં જે પધાર્યા છે એ બધાની જય, કારણ કે સૌ પોતાનો કામધંધો મૂકીને મહાતીર્થ અક્ષરદેરીમાં પધાર્યા છે. યોગી મહારાજના આશીર્વાદ છે કે અક્ષરદેરીનાં જે દર્શન કરશે, સેવા કરશે એના બધાના સંકલ્પો પૂરા થાશે એવો આ પવિત્ર સ્થાનનો મહિમા છે. નવું વર્ષ સારું જાય ને સુખ-શાંતિ રહે એને માટે આપણે આ ઉત્સવો કરીએ છીએ. |
||