|
રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૨૬-૧૦-૨૦૦૯ થી તા. ૩૧-૧૦-૨૦૦૯ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે રાજકોટમાં બિરાજીને સત્સંગનું સુખ આપ્યું હતું. ગોંડલથી રાજકોટ પધારેલા સ્વામીશ્રીનું હજારો હરિભક્તોએ ઉમળકાથી સ્વાગત કર્યું. સૌના હૈયે અનેરો આનંદ હતો. સ્વામીશ્રીએ છ દિવસના રોકાણ દરમિયાન સત્સંગની હેલી વરસાવી હતી. સ્વામીશ્રીની પાવન નિશ્રામાં પ્રબોધિની એકાદશીનો વિશિષ્ટ લાભ રાજકોટવાસીઓને પ્રાપ્ત થયો હતો એની એક ઝલક અત્રે પ્રસ્તુત છે...
તા. ૨૯-૧૦-૨૦૦૯ને કાર્તિક સુદ એકાદશીના પરમ પવિત્ર દિવસે રાજકોટવાસીઓને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું પાવન સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું. ૮૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોથી સભામંડપ છલકાતો હતો. સંપ્રદાયની પરંપરા મુજબ આજે ઠાકોરજી સમક્ષ લીલી શાકભાજીનો કૂટ રચાયો હતો.
સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા ત્યારે ઉત્સવને અનુરૂપ પાર્શ્વભૂ$માં વિવિધ જાતની લીલી શાકભાજીના સુંદર શણગાર રચવામાં આવ્યા હતા. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ યુવકોએ 'અસ્મિતા' શિબિરના થીમસોંગ 'અંતર-દીપ જગાવે' ના આધારે નૃત્ય રજૂ કર્યું. નૃત્યબાદ વિવિધ મંડળોએ તૈયાર કરેલા પુષ્પહાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. ત્યારબાદ યુવકોએ 'આવી આવી પ્રબોધિની આજ' એ કીર્તનનું ગાન કર્યું.
અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં જણાવ્યું : 'આજના ઉત્સવની પણ જય. આજે પ્રબોધિની એકાદશીનો ઉત્સવ સારી રીતે ઊજવાયો. આપણે દેહને માટે તો બધું કરીએ છીએ પણ ભગવાનને વિશે ભક્તિ કેમ વધે, ભગવાનને માટે શું ન થઈ શકે ?
આ વિચાર આવા ઉત્સવોમાંથી મળે છે. દુનિયામાં ઘણા ઉત્સવો ઊજવાય એનાથી આંખને, મનને અને શરીરને આનંદ મળે પણ આત્માનો આનંદ આવા ઉત્સવમાંથી મળે છે. આજની એકાદશીનો મહિમા ઘણો છે. બલિરાજાએ એવું દાન કર્યું કે ભગવાન રાજી થયા. આપણે પણ ભગવાન માટે કાર્ય કરીએ તો ભગવાન રાજી થાય. શ્રીજીમહારાજે કહ્યું છે કે, પોતાનું ધન-ધામ, કુટુંબ-પરિવાર ભગવાનને અર્થે કરી રાખવું. 'આ બધું એમનું છે' આવી દૃઢતા હોય તો ભગવાનની સેવા કરવામાં મન પાછું પડે નહીં. પૂર્વે ઘણા ભક્તોએ સેવા કરી ભગવાનને રાજી કર્યા છે. જોગી મહારાજ કહેતા : 'ભગવાન તો દેવકરણ છે, એ કોઈનું લેતા નથી પણ આપે છે.' શ્રીજીમહારાજના વખતમાં દાદાખાચર મહાન ભક્ત થઈ ગયા. તેમણે ધન-ધામ-કુટુંબ-પરિવાર-જાગીર અર્પણ કરી મહારાજને રાજી કર્યા.
નિષ્ઠા-સમજણ કેટલી પાક્કી છે એ જોવા માટે ભગવાન પરીક્ષા પણ કરે. ખેડૂત ખીલો નાખી, હલાવી મજબૂત કરે, એમ ભગવાન ભક્તિ જોવા માટે બધું કરે. પણ સાચા ભક્ત થવા એક જ વિચાર કરવાનો કે નિષ્કામ-ભક્તિથી ભગવાનને રાજી કરવા માટે આ જન્મ થયો છે.'
સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ બાદ એકાદશી ઉત્સવ સભાની પૂર્ણાહુતિ થઈ.
|
|