|
રવિ સત્સંગસભા
તા. ૨૫ ઓકટોબરે ગોંડલના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષર-મંદિરમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલી રવિ સત્સંગસભાનો લાભ લેવા હજારો હરિભક્તો ઊમટ્યા હતા. સ્વામીશ્રીના ગોંડલ ખાતેના આ વખતના રોકાણના અંતિમ દિવસે હજારો મુમુક્ષુઓને આ સત્સંગ સભામાંથી અધ્યાત્મના માર્ગે આગળ વધવાનું બળ પ્રાપ્ત થયું હતું.
સ્વામીશ્રી સંધ્યા સત્સંગસભામાં પધાર્યા ત્યારે સારંગપુર ખાતે તાલીમ લઈ રહેલા યુવકોની તાલીમની અભિવ્યક્તિનું નિદર્શન રજૂ થયું. વીડિયો, સંવાદ અને પ્રવચનના માધ્યમથી મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તથા પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખસ્વામી મહારાજના સામ્યના પ્રસંગો વિવિધ સ્વરૂપે સૌએ વર્ણવ્યા. 'અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત વૈદિક છે' એ મધ્યવર્તી વિચાર સાથે રજૂ થયેલા જ્ઞાનસભર શાસ્ત્રાર્થ બાદ યુવકોએ ભક્તિ નૃત્ય રજૂ કર્યું. નૃત્ય દરમિયાન જ વિવિધ મંડળોએ બનાવેલા પુષ્પહાર તેમજ યુવકોએ તૈયાર કરેલી ચાદર વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે રવિસભા. યોગીજી મહારાજ પહેલાં તો રવિસભામાં પત્તું લખતા કે આવી રીતે સભા કરજો. એમના સંકલ્પે આજે પત્તામાંથી પત્રિકા થઈ, મંડળો શરૂ થયાં, ઘણા સંતો થયા. સારંગપુરમાં ટ્રેનિંગ લઈ નિયમ-ધર્મ, આજ્ઞા-ઉપાસના દૃઢ રાખી ઘણા સંતો વિદ્વાન થયા છે, તો હવે એવા કાર્યકરો પણ તૈયાર થાય. આમાં જ્ઞાન સાથે સેવાનું પણ અંગ છે. નહીંતર પંડિત થયા પછી કોઈને નમે નહીં. જે યુવકો સારંગપુરમાં 'યુવા તાલીમ કેન્દ્ર'માં ટ્રેનિંગ લઈ રહ્યા છે એ બધાને ધન્યવાદ છે. યોગીજી મહારાજના સંકલ્પે આજે દેશ-વિદેશમાં ઘણો સત્સંગ થયો છે, મંદિરો થયાં છે. મહારાજને પ્રાર્થના કરીએ કે સૌના જીવમાં અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન દૃઢ થાય, સૌને સત્સંગનું સુખ થાય એ જ પ્રાર્થના.'
૨૭ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોમાં સ્વામીશ્રીના દિવ્ય સાન્નિધ્યને માણીને સમગ્ર ગોંડલ ક્ષેત્રના હરિભક્તોએ કૃતાર્થતા અનુભવી હતી.
ગોંડલથી સ્વામીશ્રીએ સૌની ભાવભીની વિદાય લઈ રાજકોટ તરફ પ્રસ્થાન કર્યું.
|
|