|
આણંદ-વલ્લભવિદ્યાનગરમાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૪-૧૨-૨૦૦૯ થી તા. ૧૯-૧૨-૨૦૦૯ દરમ્યાન 'બ્રહ્મવિદ્યાની કોલેજ' સમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય, વલ્લભવિદ્યાનગરમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સૌને બ્રહ્મરસમાં તરબોળ કર્યા હતા. સવા વર્ષના લાંબા અંતરાલ પછી છાત્રાલય ખાતે પધારેલા સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને આણંદ-વિદ્યાનગરના હરિભક્તો-ભાવિકોમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો. છાત્રાલયની મધ્યમાં આવેલી વિશાળ લોનમાં યોજાતી સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજાનાં દર્શન તથા યુવકો અને જાણીતા ગાયક કલાકારો દ્વારા રજૂ થતી કીર્તનભક્તિથી સમગ્ર વાતાવરણ વિશેષ ભક્તિસભર બન્યું હતું. છાત્રાલયના મંદિરના પ્રવેશદ્વાર પાસે પ્રેરક સ્કીટ રજૂ કરતા યુવકોને સ્વામીશ્રીએ નિત્ય આશીર્વાદ પાઠવી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. છાત્રાલયના યુવકો તથા આજુબાજુના વિસ્તારોના અનેક હરિભક્તોએ વિશિષ્ટ વ્રત-તપ તેમજ પદયાત્રા દ્વારા સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
અહીંના ૧૬ દિવસના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ આણંદ મંદિરના દશાબ્દી મહોત્સવ, છાત્રાલયના પાટોત્સવ તેમજ વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌને વિશિષ્ટ સત્સંગલાભ આપી કૃતાર્થ કર્યા હતા. વળી, સ્વામીશ્રીએ તીથલ ક્ષેત્રના ખજૂરડી ગામના મંદિરની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન-પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી હતી તો અમેરિકાના નોક્સવીલ ખાતેના મંદિરનું ભૂમિપૂજન કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
અહીં, વલ્લભવિદ્યાનગરમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૪-૧૨-૨૦૦૯ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બોચાસણથી વિદાય લઈ સાંજે ૭.૩૦ વાગ્યે વલ્લભવિદ્યાનગર ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં પધાર્યા. છાત્રાલયના યુવકોનાં હૈયાં પ્રાણપ્યારા ગુરુહરિને ઉમળકાભેર વધાવવા થનગની રહ્યાં હતાં. સ્વામીશ્રીનું આગમન થતાં જ પ્રવેશદ્વાર પાસે વિદ્યાર્થીઓએ છડીના આધારે નૃત્ય કરી સ્વામીશ્રીને વધાવ્યા. સૌનો ઉત્સાહ અનન્ય હતો. મુખ્ય પ્રવેશ દ્વારથી મંદિર સુધીના રસ્તાની બંને બાજુએ ગામડાંનું દૃશ્ય ખડું કરવામાં આવ્યુð_ હતું. ગામની શેરીમાંથી પસાર થતા હોય એ રીતે સ્વામીશ્રીએ દરેક છાત્ર પર દૃષ્ટિ કરી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. મંદિરના હોલમાં છાત્રોના કંઠે ગવાયેલી ગઝલ 'ઘણા સમય પછી તમારું આગમન થયું...' ગુંજી રહી હતી. સ્વામીશ્રીના આગમનની સાથે જ હરિભક્તો અને છાત્રોએ જયનાદોથી સ્વામીશ્રીને સત્કાર્યા. ત્યારબાદ વલ્લભવિદ્યાનગર અને આણંદના સમગ્ર સત્સંગમંડળ વતી સાધુજીવન સ્વામી, ભગવત્ચરણ સ્વામી તથા વેદપુરુષ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વાગત કર્યું. મંદિરના હોલમાં સફેદ વસ્ત્રોમાં સજ્જ અનેક યુવાનોએ વિવિધ વ્રત-ઉપવાસની સાંકળ રચી વિશિષ્ટ રીતે સ્વામીશ્રીને સત્કાર્યા. આ સૌ યુવાનો પર દૃષ્ટિ કરી સ્વામીશ્રીએ વિશેષ પ્રસન્નતા દર્શાવી હતી.
|
|