|
રવિસત્સંગ સભા
તા. ૬-૧૨-૨૦૦૯ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયની વિશાળ લોનમાં સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં હરિભક્તો-ભાવિકોને રવિસત્સંગ સભાનો લાભ પ્રાપ્ત થયો હતો. ધૂન-પ્રાર્થનાથી આરંભાયેલી આ સત્સંગસભામાં હરિચિંતન સ્વામી લિખિત 'જીવીશું સ્વામીને માટે' સંવાદ રજૂ થયો. બી.એ.પી.એસ. સંસ્થાની પાયાની સેવાઓમાં ધરબાયેલા આણંદના નિષ્ઠાવાન અને સમર્પિત હરિભક્તોના પ્રસંગોની પ્રભાવક પ્રસ્તુતિ નિહાળી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા હતા. સંવાદ દરમ્યાન આણંદમાં સ્વામીશ્રીના વિચરણની વીડિયો નિહાળી સૌ રોમાંચિત થઈ ઊઠ્યા. સંવાદ બાદ ઘનશ્યામચરણ સ્વામીના કંઠે ગવાયેલ 'આણંદપુરમાં વ્હાલો પ્રગટ બિરાજે...' કીર્તનના આધારે વીડિયો રજૂ થઈ. ત્યારબાદ છાત્રાલય અને સમગ્ર સત્સંગ મંડળ વતી સંતોએ સ્વામીશ્રીને સત્કાર્યા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'બધા બાળકોની પણ જય. સભામાં આવ્યા છે એ બધાની પણ જય. આજે જે સંવાદ રજૂ થયો તે જોઈને ખૂબ આનંદ થયો. જૂની સ્મૃતિઓ તાજી થઈ. એ વખતે પરિસ્થિતિ સારી ન હતી, પણ કેવળ અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તે, શાસ્ત્રીજી મહારાજ રાજી થાય અને જીવનું કલ્યાણ થાય એ દૃષ્ટિ રાખીને જ બધાએ કાર્ય કર્યું છે.
ભગવાન ને સંત થકી આપણી સમૃદ્ધિ વધે છે. જે કંઈ કાર્ય થાય છે એ ભગવાનને લઈને થાય છે, માટે જે કંઈ કરવું એ ભગવાન રાજી થાય એ માટે કરવું. 'હું કરું છું', 'મારાથી થયું છે' એવો ભાવ રાખવો નહીં. ભગવાને આપ્યું છે અને એમને જ આપવાનું છે, કારણ કે આપનાર પણ એ છે. શરીરના બધા અવયવો ભગવાને આપ્યા છે અને એના થકી માણસ કાર્ય કરે છે. ભગવાનનો આ મોટામાં મોટો ઉપકાર છે કે મનુષ્યદેહ આપ્યો, બુદ્ધિ, શક્તિ, વિચાર આપ્યા, કાર્યો કરવાની શક્તિ આપી. એટલે દેશનું, સમાજનું, પરિવારનું, ભક્તિનું કાર્ય કરવામાં એક જ ભાવ રહેવો જોઈએ કે ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય એવો ભાવ હોય તો એનાથી એમ ન થાય કે આ મેં કર્યું છે, મારાથી થયું છે. 'મેં કર્યું' કે 'મારાથી થયું' એમ થાય તો અહમ્ આવે. એક વિચાર બરોબર રાખવો કે કર્તા ભગવાન છે.
'સુખ-દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સૌ સ્થિર મતિ; જાળવીશ મારા જનને કરીને જતન અતિ.'
સંસાર છે એટલે સુખદુઃખ તો આવવાનું છે. સ્થિર મતિ એટલે શું ? ભગવાન કર્તા છે. ભગવાને આપ્યું છે અને કદાચ જતું રહે તોપણ ભગવાનની ઇચ્છા. ભગવાનની ઇચ્છા માનીએ તો અંતરમાં શાંતિ રહે, આનંદ રહે. દાદા ખાચરને ત્યાં મહારાજ રહ્યા, તોપણ એમને દુઃખ આવ્યું છે, છતાં પણ દાદા ખાચરે મન મૂકીને સેવા કરી છે. પાંડવો ભક્ત હતા, છતાં પણ એમને દુઃખ આવ્યું. તો આ તો બધો દુનિયાનો ક્રમ છે, પણ જીવનમાં બળ ને ઉત્સાહ રાખવાં.
શાસ્ત્રીજી મહારાજના વખતમાં થોડા હતા, પણ ઉત્સાહ હજારો-લાખો હરિભક્તો જેવો હતો. ચારે બાજુ ઉપાધિ હતી પણ કીર્તન ગાય - 'અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે.'
જેટલું ભગવાન ને સંત માટે કરીશું તો ભગવાન આપણને અનંતગણું આપે છે અને આપશે. આવી દૃઢ શ્રદ્ધા, વિશ્વાસ રાખીને ભગવાનને ભજીને આત્માનું કલ્યાણ કરવાનું છે. આત્મારૂપ મનાશે તો અખંડ આનંદ રહેશે. તો એવો અખંડ આનંદ સર્વેને થાય ને વિશેષ સુખી થાવ એ માટે ભગવાનને પ્રાર્થના.'
|
|