|
રવિસત્સંગ સભા
તા. ૨૭-૧૨-૦૯ના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલી રવિસત્સંગ સભા મહેળાવ ક્ષેત્રના હરિભક્તો માટે અણમોલ સંભારણું બની રહી હતી. આજે સ્વામીશ્રીનાં દર્શને ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી ઉત્સવનું વાતાવરણ રચાયું હતું.
સભાસ્થળે સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ શોભી રહી હતી. આ મૂર્તિઓનાં ચરણમાં બે મોટા કળશ મૂકવામાં આવ્યા હતા. એક કળશમાં રામોલ, સુણાવ અને બાંધણીની મહિલાઓએ ૨૫૦૦થી વધુ વ્યક્તિઓનો સંપર્ક કરીને તેઓને વિવિધ પ્રકારના વહેમોમાંથી મુક્ત કરેલા લોકોના કાળા દોરા મૂકવામાં આવ્યા હતા. તો બીજા કળશમાં પોરડા ક્ષેત્રની મહિલા તથા યુવતીઓએ ગ્રહણ કરેલા જુદા જુદા નિયમોની ચિઠ્ઠીઓ મૂકવામાં આવી હતી.
નિયત સમયે આરંભાયેલી આ સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના પ્રેરક પ્રવચન બાદ પેટલાદ સત્સંગમંડળના યુવકોએ 'મોક્ષનું દ્વાર' સંવાદ રજૂ કર્યો. સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ નિહાળી સૌ દંગ થઈ ગયા. ત્યારબાદ કિશોરોએ 'યોગી બાપાના પ્રેમમાં' એ ગીતના આધારે કવ્વાલી રજૂ કરી.
આજે મહેળાવ ક્ષેત્રના વિવિધ સત્સંગ મંડળના હરિભક્તોએ વિશિષ્ટ વ્રત-તપ-મંત્રજાપ-દંડવતયાત્રા, પદયાત્રાની સાંકળ રચી વિશિષ્ટ રીતે ગુરુભક્તિ અદા કરી હતી. આ સૌને સ્વામીશ્રીએ અંતરના આશિષ પાઠવ્યા હતા. ત્યારબાદ વિવિધ કલાત્મક પુષ્પહારથી વડીલ સંતોએ સ્વામીશ્રીને વધાવ્યા.
સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'મહેળાવ પ્રસાદીનું ગામ. અહીં મહારાજ ખૂબ પધારેલા છે. ગુણાતીતાનંદ સ્વામી પણ વડતાલ સમૈયામાં આવતા ત્યારે મહેળાવમાં જ એમનો મુકામ રહેતો. વડતાલથી ઘણા સંતો ભક્તો એમનું સન્માન કરવા અહીં સુધી આવતા. આવા પ્રસાદીના ગામમાં શાસ્ત્રીજી મહારાજનો જન્મ થયો. આ ગામ ભાગ્યશાળી કહેવાય ને ગામમાં રહેનારાય ભાગ્યશાળી છે.
આજે આપણે પ્રહ્લાદની વાત સાંભળી. પ્રહ્લાદ ભક્ત હતા, છતાં પણ એમને અભિમાન આવ્યું કે મેં આવું તપ કર્યું. 'માણસ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ; આદર્યાં અધવચ રહે, હરિ કરે સો હોઈ.' માણસને પૈસાનું, સત્તાનું, આવડતનું માન છે અને એ માને કરીને તેને સત્સંગમાં પણ અવગુણ-અભાવ આવી જાય છે. ગમે તેટલા પૈસા-ટકા-સમૃદ્ધિ પ્રાપ્ત થાય, ગમે તેટલા ગુણ આવે તોપણ એ ભગવાનની ઇચ્છા સિવાય પ્રાપ્ત થતું નથી.
'હું ટળે હરિ ઢુંકડા, તે ટળાય દાસે રે' વહેવાર કરો, દેશ-પરદેશ જાવ, પૈસા કમાવ બધું જ કરો, પણ એની સાથે એક અનુસંધાન રાખવાનું છે કે 'હું કરતો નથી, ભગવાન કરે છે.' કર્તા ભગવાન છે. આ શરીર એમણે આપ્યું છે, આ શક્તિ પણ એમણે આપી છે, આપણે જે કંઈ કરી શકીએ છીએ એ ભગવાનની શક્તિથી જ થાય છે, દયાથી થાય છે માટે કોઈ પ્રકારનો અહં ન આવવા દેવો. કથાવાર્તા, કીર્તન, ભજન બધું કરો છો, તન-મન-ધનથી સેવાઓ કરો છો, દેહે કરીને પણ સેવાઓ થાય છે, વ્રત, તપ ને દાન-પુણ્ય કરો છો, પણ એ બધાની પાછળ જો અહં હશે તો કંઈ થઈ શકે નહીં.
શાસ્ત્રીજી મહારાજનું સ્થાન છે અને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે તો આવું જ્ઞાન સમજણ દરેકને દૃઢ થાય તો અહંભાવ ટળે ને દાસભાવ આવી જાય એવું મહારાજ બળશક્તિ આપે એ જ પ્રાર્થના.'
|
|