|
બાળદિન
તા. ૨૦-૧૨-૦૯ના રોજ મહેળાવ ક્ષેત્રના બાળકોએ સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં 'બાળદિન'ની ભક્તિ-ભાવપૂર્વક ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં બાળકોનું સામ્રાજ્ય છવાયું હતું. રંગબેરંગી ફુગ્ગાઓ લઈને હરોળબદ્ધ બેઠેલાં બાળકો સ્વામીશ્રીને વધાવવા થનગની રહ્યા હતા. મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી, ફુગ્ગાઓનાં ઝુમખાંને હવામાં તરતાં મૂકી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. મંદિરથી સભાસ્થળ સુધીના માર્ગ પર મહેળાવ ક્ષેત્રના જુદાં જુદાં બાળકોએ વિવિધ સ્મૃતિવિરામો રચ્યા હતા. એક તરફ બાળમંડળના જયનાદો અને બીજી તરફ થોડા થોડા અંતરે આવતા સ્મૃતિવિરામો પર બાળકો પ્રેરક પ્રસ્તુતિ કરી રહ્યાં હતાં. સ્વામીશ્રીએ આ સૌ બાળકો પર અમીદૃષ્ટિ કરી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
આજની રવિ સત્સંગસભા 'બાળદિન' નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. સ્વામીશ્રીના આગમન સમયે બાળ-કિશોર મંડળે 'પક્ષ' સંવાદ રજૂ કર્યો. મહાભારત આધારિત આ સંવાદ પછી સોજીત્રા બાળ-કિશોરમંડળે 'આજે યજ્ઞપુરુષને દ્વાર' એ ગીતના આધારે નૃત્ય રજૂ કરી ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું. ત્યારબાદ વડીલ સંતોએ પુષ્પહારથી સ્વામીશ્રીને વધાવ્યા.
સભાના અંતમાં સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું :
'આજે આપ બધા ખૂબ પ્રેમભાવથી પધાર્યા છો, કારણ કે આ તો યાત્રાનું ધામ છે. આ યાત્રા થઈ એટલે બધી યાત્રાઓ થઈ ગઈ એવું આ સ્થાન છે. અહીં શાસ્ત્રીજી મહારાજનો જન્મ થયો અને એમના પ્રભાવે દુનિયાભરમાં અક્ષર-પુરુષોત્તમનો સત્સંગ થયો.
આજે બાળકોએ મહાભારતનો સંવાદ રજૂ કર્યો. મહાભારતનું યુદ્ધ થયું એ ધર્મયુદ્ધ કહેવાયું. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. ભગવાન જેના પક્ષમાં છે એ ધર્મ છે, તો પાંડવોનો જય થયો. એમ જો ધર્મનિયમ, આજ્ઞા-ઉપાસના પાળીએ તો જય થાય.'
|
|