નડિયાદમાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૨૮-૧૨-૨૦૦૯ થી તા. ૬-૧-૨૦૧૦ સુધી નડિયાદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું રોકાણ નડિયાદ સત્સંગ મંડળ માટે ભક્તિ વહાવવાનું સોનેરી પર્વ બની રહ્યું હતું. દશ દિવસના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીની ચિરંતન સ્મૃતિઓ આબાલવૃદ્ધ સૌ કોઈના હૈયે સદાયને માટે જડાઈ ગઈ હતી. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા દ્વિશતાબ્દી મહોત્સવ તથા ચંદ્રગ્રહણની વિશિષ્ટ સભામાં સ્વામીશ્રીનો દિવ્ય સત્સંગલાભ લેવા માટે ઊમટેલા સંતો-હરિભક્તો-ભાવિકોથી નડિયાદ ખાતેનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય ઊભરાતું હતું. તા. ૩૦-૧૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીએ ડભાણ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર હનુમાનજી તથા ગણપતિજીની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના કિશોરોએ 'કિશોર દિન' નિમિત્તે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
અહીં નડિયાદમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૨૮-૧૨-૨૦૦૯ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મહેળાવના સંતો-હરિભક્તોની ભાવભીની વિદાય લઈ રાત્રે ૮-૧૫ વાગે નડિયાદ પધાર્યા. ઘણા લાંબા સમય બાદ નડિયાદ પધારી રહેલા સ્વામીશ્રીને સત્કારવા માટે કોલેજ રોડ પર આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. સૌ કોઈ પ્રાણપ્યારા ગુરુહરિને ઉમળકાભેર ïવધાવવા થનગની રહ્યા હતા. સ્વામીશ્રીના આગમનની સાથે જ બાળકોએ 'હૈયાનાં હેતથી વધાવીએ...' કીર્તનના આધારે નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવ્યા. સ્થાનિક હરિભક્તો, છાત્રાલયનાં છાત્રો તથા કિશોર-કિશોરીઓએ વિશિષ્ટ વ્રત-તપની ભાગીરથી વહાવી ભક્તિભાવપૂર્વક સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્વામીશ્રીએ આ સૌ વ્રતધારીઓને અંતરની આશિષ પાઠવી અપાર પ્રસન્નતા દર્શાવી. સૌનું સ્વાગત ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી મંદિરના પોડિયમ આગળ પધાર્યા ત્યારે નડિયાદનું 'યોગી બેન્ડ' સ્વાગતની સૂરાવલિઓ વહાવી રહ્યું હતું. વિશાળ સંખ્યામાં હરિભક્તો-ભાવિકો પ્રાણપ્યારા ગુરુહરિના પ્રથમ દર્શનની ઝાંખી માટે ઊભા હતા. અહીં સ્વામીશ્રી પધારતાં જ એક નાની સ્વાગતસભા રચાઈ ગઈ. વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીના વિચરણની દિવ્ય સ્મૃતિઓની ઝાંખી સૌને કરાવી. ત્યારબાદ નડિયાદ મંદિરના કોઠારી અમિતયશ સ્વામીએ તલનો હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સમગ્ર નડિયાદ સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું.
ચંદ્રગ્રહણ :
તા. ૩૧-૧૨-૨૦૦૯ના રોજ નડિયાદ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં સ્વામીશ્રીની પાવન નિશ્રામાં ચંદ્રગ્રહણ-પર્વની વિશિષ્ટ સભા યોજાઈ હતી. રાત્રિના ૧૨.૦૦ થી ૧.૨૦ સુધી યોજાયેલ આ સત્સંગસભાની દિવ્ય સ્મૃતિઓ સૌ કોઈ માટે અવિસ્મરણીય બની હતી. એકબાજુ દુનિયામાં ઠેર ઠેર લોકો નવા ïવર્ષની ઉજવણીમાં ગુલતાન બન્યા હતા ત્યારે ચારુતર પ્રદેશના નડિયાદમાં દેશ-વિદેશના હજારો હરિભક્તો-ભાવિકો સ્વામીશ્રીના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક આનંદ લૂંટી રહ્યા હતા. નવા વર્ષના આરંભમાં જ પ્રાણપ્યારા ગુરુહરિનાં પ્રથમ દર્શન પામી સંતો-હરિભક્તોએ અનેરી શીતળતાનો અનુભવ કર્યો હતો.
બરાબર ૧૨.૧૫ વાગે સ્વામીશ્રી આ ગ્રહણપર્વ સભામાં પધાર્યા. કૃષ્ણપ્રિય સ્વામીના પ્રવચન બાદ અક્ષરેશ સ્વામીએ 'થઈ રહ્યો છે જય જયકાર રે...' કીર્તનનું ગાન કર્યું. સ્વામીશ્રીએ પણ કીર્તનગાન દરમ્યાન ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ છાત્રાલયના છાત્રોએ 'હું માનવી માનવ થાઉં તો ઘણું...' સંવાદ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. બરાબર ૧.૨૦ કલાકે ગ્રહણનો મોક્ષ થયો. આ વિશિષ્ટ સભામાં એક કલાક સુધી બિરાજી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને અદ્ભુત સત્સંગલાભ આપી કૃતાર્થ કર્યા.
|