|
કિશોર દિન
તા. ૩-૧-૨૦૧૦ના રોજ નડિયાદના કિશોરોએ 'કિશોર દિન'ની ઉજવણી દ્વારા વિશિષ્ટ રીતે ભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આજના આ વિશિષ્ટ દિનનો આરંભ થયો. પ્રાતઃપૂજામાં કિશોરોએ સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરી. વળી, આજે કેટલાક કિશોરોએ વિશેષ ઉપવાસ તો કેટલાકે વિશિષ્ટ નિયમો ગ્રહણ કર્યા હતા. આ તપસ્વી યુવાનો સ્વામીશ્રીના આશીર્વાદ પામી ધન્ય બન્યા હતા.
આજની રવિ સંધ્યા સત્સંગસભા કિશોર દિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. 'તમારા સ્નેહલ સથવારે'ના મધ્યવર્તી વિચાર સાથે કિશોરોએ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. સ્વામીશ્રીના આગમન સમયે જ્ઞાનરત્ન સ્વામી લિખિત સંવાદ - 'કથા માનવની, વ્યથા માનવીની' ભજવાઈ રહ્યો હતો. હૃદયસ્પર્શી આ સંવાદની પ્રસ્તુતિ બાદ નડિયાદનાં કિશોર-કિશોરીઓએ ભક્તિભાવપૂર્વક બનાવેલા પુષ્પહાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'અહીં જે સંવાદ રજૂ થયો એ ખૂબ અદ્ભુત ને સારામાં સારો છે. આ શ્રદ્ધાનો વિષય છે. ભગવાન પર વિશ્વાસ રાખીને ભજન કરવાથી બધી રીતે સારું થાય છે, ભગવાન થકી બધું કાર્ય થાય છે - એ વિશ્વાસ કાયમ રાખવો જોઈએ.
માણસ ખોટી સોબતોને લઈને ખોટે રસ્તે ચઢી જાય છે. અફીણ, ગાંજો, બીડી, સિગારેટ, ગુટખા અને બીજું કેટલુંય છે જે શરીરને નુકસાન કરે છે. ધંધામાં, ખેતીમાં નુકસાન થાય તો એમાંથી શાંતિ મેળવવા માટે માણસ કેફી વસ્તુઓના વ્યસને ચઢી જાય, પણ કેફ ઊતરે પછી ઢીલો ઢફ. ગમે તેવા દેશકાળ થાય કે ગમે તે પરિસ્થિતિ આવે પણ ખોટે રસ્તે તો ન જ જવું. આ કાયમી ઇલાજ નથી. ખોટે રસ્તે ન જવું ને નિર્વ્યસની થવું એ સાચો ઉપાય છે અને એ સારાની સોબતે થાય. એટલા જ માટે સત્સંગ છે. તુલસીદાસ કહે છે - 'મોહ ગયે બિન હોવત ન, રામપદ અનુરાગ.'
મોહ એટલે ખોટું હોય એ સાચું મનાય અને સાચું હોય એ ખોટું મનાય. આત્માનું કલ્યાણ તો બધો મોહ નીકળશે ત્યારે જ થશે. 'હું' ને 'મારું' બે વસ્તુ માણસને વળગી છે. પણ ભગવાન કર્તા છે. હાથ-પગ, આંખ-કાન, ઇન્દ્રિયોમાં જે શક્તિ મૂકી એ મૂકનાર કોણ છે ? ભગવાન. ભગવાને જો બુદ્ધિ ન આપી હોત તો શું કરી શકત ? મન ન આપ્યું હોત તો શું વિચાર કરી શકત ? આંખ ન આપી હોત તો શું જોઈ શકવાના હતા ? કાન ન આપ્યા હોત તો સાંભળી શું શકવાના હતા ? પગ ન હોત તો ચાલવાના ક્યાંથી હતા ? આ બધું ભગવાને આપ્યું છે શા માટે ? સારું કરવા માટે. માણસને પૈસા આપ્યા છે એ કેવળ વિષય ભોગવવા માટે કે દારૂ-વ્યસન માટે નથી આપ્યા, પણ એનો સદુપયોગ કરવા માટેõ, સમાજનું કાર્ય કરવા માટે, ધર્મનું કાર્ય કરવા માટે આપ્યા છે. પૈસા-ટકા સમૃદ્ધિનો ઉપયોગ સારા માટે કરો, પણ એમાં મારું છે એમ મનાય તો દુઃખ થાય.
'જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી; આવ્યા ત્યારે શું લાવ્યા, ને શું લઈ જાવું સાથેજી...'
જગતનું સુખ નાશવંત છે. સાચું સુખ તો ભગવાનનું છે. જે મોટા મોટા ૠષિ-મહાત્માઓ થઈ ગયા, ભક્તો થઈ ગયા છે એમને આત્મજ્ઞાન હતું તો સંસારમાં ઘણી જાતની વિટંબણા આવી, ઘણી જાતનાં દુઃખ આવ્યાં તો ય આનંદમાં જ હતા. જનક રાજાને સત્સંગનો કાયમ યોગ હતો તો રાજપાટ બધું કરતા, પણ એમને દૃઢતા હતી કે આ બધું નાશવંત છે, તો કંઈ થાય તો એમાં એમને દુઃખ થતું નહીં. શ્રીજીમહારાજે પણ વચનામૃતમાં આત્મ-જ્ઞાનની વાત કરી છે, પણ એ જ્યારે વાંચીએ ત્યારે સમજાય.
સુખદુઃખ આવશે જ, સાજા-માંદાય થવાશે, હાણ-વૃદ્ધિ પણ થવાની છે. આ દુનિયાનો ક્રમ છે એ ચાલ્યા કરશે. પણ એમાં જો સમજણ સાથે સત્સંગ કરીએ તો વાંધો આવે નહીં. એ માટે વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું વાંચન કરવું જ જોઈએ. એટલા માટે જ ઘરસભા છે. સાંજે બેસીને વાંચી લઈએ તો ઘરના કેટલાય પ્રશ્નો પણ પતી જાય. ઘરમાં ક્લેશ થતો હોય તો સમજૂતી થઈ જાય. સદ્ગ્રંથોના વાંચનથી ધીમે ધીમે આત્મા-પરમાત્માનું જ્ઞાન પણ થાય છે.
આ જ્ઞાન થવા માટે મંદિરની જરૂર છે. શાસ્ત્રીજી મહારાજે ઉપાસના-મંદિરોનું કાર્ય કરી, આ જ્ઞાન આપ્યું. આવું જ્ઞાન-સમજણ સર્વ પ્રકારે થાય એ પ્રાર્થના.'
|
|