મધુભાન રિસોર્ટમાં પ્રમુખસ્વામી મહારાજ... તા. ૬-૧-૨૦૧૦ થી તા. ૧૧-૧-૨૦૧૦ દરમ્યાન આણંદ-સોજિત્રા રોડ પર આવેલું મધુભાન રિસોર્ટ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પદરજથી પાવન બન્યું હતું. રિસોર્ટના માલિક શ્રી પ્રયાસવીનભાઈ(એલિકોન ઇન્ડસ્ટ્રીઝ)ના ભક્તિભાવથી સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં ૨૦ એકરમાં પથરાયેલા આ રિસોર્ટમાં સત્સંગની સુવાસ મહેકી ઊઠી હતી. સતત છ દિવસ સુધી અહીં બિરાજીને સ્વામીશ્રીએ અદ્ભુત સત્સંગલાભ આપ્યો હતો. ચરોતરના ગામડાંની શૈલીમાં બંધાયેલી શેરીઓ અને ઓરડાઓ, વિશાળ બગીચાઓ, પહોળા રસ્તાઓ ધરાવતા આ રિસોર્ટમાં સ્વામીશ્રીના સાનિધ્યમાં નૈમિષારણ્ય ક્ષેત્રની અનુભૂતિ સૌએ કરી હતી. રિસોર્ટમાં સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન તથા સરોવરની પાસે આવેલા આમ્રવૃક્ષ હેઠળ સંતો સાથે બિરાજતા સ્વામીશ્રીનાં દર્શન સૌ માટે અણમોલ સંભારણું બન્યાં હતાં. તા. ૮-૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'આજે વિકાસવનમાં આપણે બધા આવી ગયા છીએ. વનમાં તો ઘણા સુખ-શાંતિ માટે જાય છે, પણ જ્યાં આવો સત્સંગ થતો હોય, આવી વાતો થતી હોય એનાથી જે વિકાસ થાય છે એવો બીજે ન થાય. દરેક શાસ્ત્રમાં ભગવાનના આશરાની વાત તો લખી છે. ભગવાનનો આશરો કરે એટલે આ લોકના ને પરલોકના બધા સંકલ્પો સિદ્ધ થાય. પણ આજે વૈભવમાંથી માણસ ઊંચા આવતા નથી ને એને લઈને અશાંતિ થાય છે. પણ એ અશાંતિને ટાળનાર ભગવાન છે. ગમે એટલી અશાંતિ હોય, પણ ભગવાનનો આશરો કરે તો બધું સારું થઈ જાય છે, પણ માણસને શ્રદ્ધા નથી.' |
||