સૂર્યગ્રહણ પર્વ
તા. ૧૫-૧-૨૦૧૦નો દિન વડોદરા નિવાસીઓ માટે વિશેષ યાદગાર બની રહ્યો. આ સહસ્રાબ્દીના સૌથી મોટા સૂર્યગ્રહણમાં સતત પોણા ચાર કલાક સુધી સ્વામીશ્રીનાં દર્શનનો અમૃતલાભ પામી હજારો હરિભક્તો-ભાવિકો ધન્ય બન્યા હતા. સવારના બરાબર ૧૧-૨૫ વાગે મંદિરની સામેના પરિસરમાં સૂર્યગ્રહણ પર્વની વિશિષ્ટ સભાનો આરંભ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનથી થયો. ગ્રહણ શરૂ થતાં પૂર્વે જ સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. ગ્રહણપર્વ નિમિત્તે અહીં સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ વડોદરાના યુવક મંડળ તથા સંયુક્ત મંડળના કાર્યકરોએ પ્રેરક નાટિકાની પ્રસ્તુતિ કરી. સભામાં ઉપસ્થિત સૌ કોઈ સ્વામીશ્રીનાં દર્શન અને સભામાં રજૂ થતા કાર્યક્રમોમાં ગુલતાન બન્યા હતા. સમયાંતરે ગ્રહણને લીધે ગ્રસિત થતા સૂર્યને પણ પડદા પર દર્શાવવામાં આવી રહ્યો હતો. આજની આ વિશિષ્ટ સભામાં સ્વામીશ્રી સાથે સેવામાં રત સંતોએ સ્વામીશ્રીના વિશિષ્ટ પ્રસંગોનું પાન સૌને કરાવ્યું. સ્વામીશ્રીના વિરલ પ્રસંગો દ્વારા તેમના પ્રત્યેક કાર્યની ઝલક સાંભળીને ઉપસ્થિત સૌ ગદ્ગદિત થઈ ઊઠ્યા.
ત્યારબાદ કૃષ્ણપ્રિય સ્વામીએ 'દૃષ્ટિ'ના મધ્યવર્તી વિચાર સાથે 'દીખલા દીદાર પ્યારા' સંકીર્તન રજૂ કર્યું.
ત્યારપછી સંતો-યુવકો સાથેની સંગીતખુરશીની રમત રમાડવામાં આવી. સમય ક્યાં સરતો ગયો તેનો કોઈને અણસાર પણ ન આવ્યો. સભાના અંતે ગ્રહણની મુક્તિ માટે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી. સ્વામીશ્રી પણ એ ધૂનમાં જોડાયા. બરાબર ૩:૦૫ વાગે ગ્રહણની સમાપ્તિ થઈ. આ સદીના લાંબામાં લાંબા ગ્રહણમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની સ્મૃતિઓ સાથે સૌએ વિદાય લીધી.
|