|
વાર્ષિકોત્સવ
તા. ૧૭-૧-૨૦૧૦ના રોજ વડોદરાના અટલાદરા ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના ૨૬મા વાર્ષિકોત્સવમાં પધારી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે યુવાનોને દિવ્ય સંસ્કાર ઊર્જા અર્પી હતી. રવિ સત્સંગસભામાં યોજાયેલી વાર્ષિકોત્સવની આ વિશિષ્ટ સભામાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે છાત્રાલયના છાત્રો યોગેન્દ્ર સ્વામી લિખિત 'આજે અચાનક આ સફરમાં...' ગઝલનું ગાન કરી રહ્યા હતા. ગઝલગાન પછી છાત્રોએ યોગેન્દ્ર સ્વામી લિખિત અને હાસ્ય પટેલ દિગ્દર્શિત 'સ્વપ્ન' નામના સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ કરી. સંવાદની સમાપ્તિ બાદ સ્વામીશ્રી મંચ પર પધાર્યા. વડીલ સંતોએ સ્વામીશ્રીને સૌ વતી પુષ્પહાર તથા કલાત્મક ચાદર અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી.
સભાના અંતમાં સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે છાત્રાલયનો પ્રોગ્રામ જોયો. તે ખૂબ સરસ હતો. આજના જમાનામાં પશ્ચિમના વાતાવરણને કારણે ને ત્યાંની અવરજવરને કારણે આપણા સંસ્કારો ને સંસ્કૃતિ ભુલાતાં જાય છે. અને એ ભુલાવાથી કેવું પરિણામ આવે છે એની આજે આ વિદ્યાર્થીઓએ સુંદર રજૂઆત કરી છે.
આજે કૉલેજમાં કલુષિત વાતાવરણથી છોકરાઓ પોતાની જિંદગી બરબાદ કરે છે. મોટાં સ્વપ્નાં લઈને ફરે છે અને એ વિચારોમાં પોતાની સંસ્કૃતિ ને સંસ્કારો ભૂલી જાય છે. ખાવું-પીવું, મોજશોખ, એશઆરામ ને પૈસાને ગમે ત્યાં વેડફી બરબાદ થઈ જાય છે. પૈસા પણ નીતિ-પ્રામાણિકતાથી, ધર્મની રીતે કમાઈએ તો એ સુખદાયી થાય. થોડી સમૃદ્ધિ મળે, પણ સાચી રીતે મળે તો તેનાથી સુખી થવાય છે. ભગવાનની આજ્ઞામાં રહીને, નીતિનિયમમાં રહીને જે સદ્વિચારો આવે ને પ્રામાણિકતાથી કમાઈએ એટલું સુખ ને શાંતિ થાય છે.
ખોટું કર્યું હોય તો રાત્રે ઊંઘ ન આવે, ફડકો રહે ને સુખ ન આવે. એટલે આપણા સંસ્કારો સાચવીશું તો જ શાંતિ થશે. એટલા માટે જોગી મહારાજે બાળમંડળો, યુવક મંડળો સ્થાપ્યાં છે. એમાં સંસ્કાર મળે એ હેતુ છે. આ છાત્રાલય પણ એમના સંકલ્પથી, ઇચ્છાથી, મરજીથી થયું છે. એમાં રહીને યુવકો અભ્યાસ કરે છે, સંસ્કારી બને છે અને સુખી થાય છે. ભગવાનનો આશરો રાખીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તીશું તો શાંતિ, સુખ ને આનંદ છે.
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જીવન કેમ સુંદર બને એ બધી વાતો લખી છે. છાત્રાલયમાં રહીને અભ્યાસ સારામાં સારો થાય અને એની સાથે સંસ્કાર મળે તો જીવન સારું થાય, કુટુંબ પણ સુખી થાય. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે એ વિચાર દરરોજ કરવો જોઈએ. અભ્યાસ કરવા આવ્યા છીએ તો ચિત્ત દઈને અભ્યાસ કરવો. હરવા-ફરવા ને મોજ-શોખમાં થોડો ટાઇમ પણ વેસ્ટ ન જવા દેવો. ભણવામાં જ ધ્યાન આપવું, છાત્રાલયમાં જે સંસ્કાર મળે છે તેનું જતન કરવું.
તો છાત્રાલયના વિદ્યાર્થીઓને ધન્યવાદ છે કે જે સંવાદ કર્યો છે એ એમના જીવનમાં ઊતરે, બધાની અંદર આ સંસ્કારો ઊતરે. છાત્રાલયમાં આવા ધર્મના સંસ્કાર મળે છે તો દરેકનું જીવન સારું થાય, ભવિષ્ય સારું થાય, સમૃદ્ધિ થાય - એ પ્રકારનું બળ ભગવાન સર્વને આપે ને સર્વ સુખિયા થાય એ જ પ્રાર્થના.'
|
|