|
રવિ સત્સંગસભા
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલી રવિ સત્સંગસભા સૌ કોઈ માટે અણમોલ સંભારણું બની રહી હતી. રવિવારના દિવસે વહેલી સવારથી જ જાણે ઉત્સવનો માહોલ રચાતો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન તથા સંધ્યા સમયે રવિ સત્સંગસભામાં સ્વામીશ્રીના આશીર્વાદનો બેવડો લાભ પ્રાપ્ત કરી સૌ ધન્યતાની લાગણી અનુભવતા હતા.
તા. ૨૧-૨-૨૦૧૦ના રોજ સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે આનંદસ્વરૂપ સ્વામી પ્રવચન કરી રહ્યા હતા. સ્વામીશ્રીના આગમન બાદ ગાંધીનગર સત્સંગમંડળનાં બાળકો-કિશોરો-યુવકોએ નૃત્ય રજૂ કરી ગુરુહરિના ચરણે ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું. ત્યારબાદ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર હરિભક્તોને ઈશ્વરચરણ સ્વામીએ સ્મૃતિ ભેટ આપી બિરદાવ્યા. સ્વામીશ્રીએ આ સૌ હરિભક્તો પર દૃષ્ટિ કરી, આશીર્વાદ પાઠવ્યા. ત્યારબાદ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
ગાંધીનગર સત્સંગમંડળના યુવકો અને કિશોરોના પ્રેરક સંવાદની પ્રસ્તુતિ બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'યુવકોએ સરસ રજૂઆત કરી. એમાં એવો ભાવ હતો કે ભગવાનને માટે શું ન થાય ? ધન-ધાન-કુટુંબ-પરિવાર બધું જ અર્પણ થાય, કારણ કે એમણે આપ્યું છે ને એમને જ આપીએ છીએ. પણ એ જ્ઞાન નથી, સમજણ નથી એટલે થાય કે મેં આપ્યું. જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી આવો અહં રહી જાય છે, માન રહી જાય છે, જેનાથી પોતાનાં કાર્યોમાં અસંતોષ થાય અને દુઃખી થવાય છે.
ભગવાન ભક્તની બધી જાતની રક્ષા કરે છે અને તેના દુઃખને પણ જાણે છે, પણ ભક્તને એટલી નિષ્ઠા કે સમજણ ન હોય એટલે થાય કે ભગવાને દુઃખ આપ્યું, પરંતુ ભગવાન કોઈને દુઃખી કરવા આવ્યા જ નથી, સુખી કરવા માટે જ આવ્યા છે. માણસમાં ધીરજ ન રહે, નિષ્ઠાનું બળ ન રહે, મહિમાનું બળ ન રહે એટલે મોળા વિચારો આવે છે.
જે ભગવાનની સેવા-ભક્તિ કરે છે એને ભગવાન ભૂલતા નથી. 'કોઈનો પાડ ન રાખે મુરારિ, આપે વ્યાજ સહિત ગિરધારી.' કોઈ બૅંકમાં કે શરાફને ત્યાં પૈસા મૂકે તો એને શ્રદ્ધા છે કે વ્યાજ સાથે પાછું આવવાનું છે. કેટલો વિશ્વાસ છે ! કોઈ બીજાને આપ્યા હોય તો એનો વિશ્વાસ છે કે એ મને પાછા આપશે. એમાં શંકા નથી થતી. એમ ભગવાન પણ વ્યાજ સહિત આપે છે. એક નહીં તો બીજી રીતે આપે. લોકો બોલે છે કે વિશ્વાસે વહાણ ચાલે છે - દરિયામાં ડૂબી જવાશે એવું નથી થતું. એમને વિશ્વાસ છે કે નાવ આપણને તારશે, એમ આપણું નાવ ચલાવનાર પરમાત્મા છે એટલે આપણાં કાર્યોમાં સુખિયા કરે છે.
જેમ કાગડાને વહાણનો જ આશરો હતો તો એ પાર ઊતરી ગયો, એમ આપણને ભગવાનનો આશરો છે, તો આપણને સુખ, શાંતિ ને આનંદ રહે, કોઈ જાતનું મનમાં દુઃખ થાય નહીં. ખેતીમાં મહેનત કરો, પણ વરસાદ ન આવ્યો, તીડ આવ્યાં તો તે ઘડીએ બીજો કોઈ વિચાર આવતો નથી. એમ કમાઈએ તો જાય પણ ખરું, પણ વિશ્વાસ હોય તો આનંદ-સુખ રહે. આપણે આત્મા છીએ, દેહ આપણો છે જ નહીં. જન્મ્યા ત્યારે કંઈ લાવ્યા નથી ને જઈશું ત્યારે કંઈ લઈ જવાના નથી, માટે જેટલું ભગવાન-સંતને અર્થે થાય તેટલું સુખ. નોકરી-ધંધા કરીને કમાવાનું છે ને જેટલું જરૂર છે એટલું વાપરવાનું પણ છે. પણ મહારાજની આજ્ઞા છે કે દશમો-વીશમો ભાગ ભગવાનને અર્થે કાઢીએ તો સુખ-શાંતિ રહે છે. તો આવી ભક્તિ થાય, મહારાજનો રાજીપો થાય, સૌના જીવન ધન્ય બને - એ બધું ક્યારે થાય છે ? હું આત્મા છું એમ મનાય ત્યારે. આટલી વાત સમજાય તો ભેટંભેટા અને ન સમજાય તો છેટંછેટા.'
|
|