|
સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ...
જનજનના કલ્યાણ કાજે ૮૯ વર્ષની વયે પણ દેહની પરવા કર્યા વિના વિચરણ કરતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તા. ૨૫-૨-૨૦૧૦ના રોજ ગાંધીનગરથી તીર્થધામ સારંગપુર પધાર્યા. સ્વામીશ્રીના આગમનથી જ સંતો-હરિભક્તોના હૈયે દિવ્ય આનંદની લહેર ઘૂમી વળી. બી.એ.પી.એસ. સંસ્થાના સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલા સાધકો, પાર્ષદો અને સંતો પ્રાણપ્યારા ગુરુહરિનું સાંનિધ્ય પામીને બ્રહ્મરસમાં તરબોળ બન્યા હતા. સૌ કોઈ વિશિષ્ટ ભક્તિ વડે ગુરુભક્તિ અદા કરી રહ્યા હતા. નિત્ય નિજ નિવાસેથી ઠાકોરજી તેમજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે પધારતા સ્વામીશ્રીનાં દર્શનની વિરલ સ્મૃતિઓ સૌના હૈયે સદાયને માટે અંકિત થઈ જતી હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન માટે દૂર-સુદૂરથી આવતા પદયાત્રીઓ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાની લાગણી અનુભવતા હતા. સ્વામીશ્રીએ આ વખતના રોકાણ દરમ્યાન ભગતજી મહારાજ જન્મોત્સવ, પુષ્પદોલોત્સવ-રંગોત્સવ તથા સંત દીક્ષાવિધિ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તો-ભાવિકોને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું હતું. અહીં આ પ્રસંગોની એક અલ્પ ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૨૫-૨-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ગાંધીનગરના સંતો-હરિભક્તોની ભાવભીની વિદાય લઈ સારંગપુર પધાર્યા. એક વર્ષના વિરામ બાદ અહીં પધારેલા સ્વામીશ્રીના આગમનને વધાવવા માટે સૌનો ઉત્સાહ અનન્ય હતો. સૌ કોઈના મુખ પર પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવાના અદમ્ય ઉત્સાહનાં દર્શન થઈ રહ્યાં હતાં. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ મંદિરના પ્રાંગણમાં સ્વામીશ્રીનાં દર્શનની એક ઝાંખી મેળવવા માટે ઊમટેલા સંતો-હરિભક્તો-ભાવિકોની સત્સંગસભા રચાઈ હતી. સાંજે ૭-૧૫ વાગે સ્વામીશ્રીનું આગમન થયું. સ્વામીશ્રીની આગમન વેળાએ અક્ષરેશ સ્વામી 'આજ આનંદ ઉત્સવ થાય રે યજ્ઞ પુરુષને દ્વાર' કીર્તનનું ગાન કરી રહ્યા હતા. સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણામાં બેઠેલા સંતો-પાર્ષદોની સાથે સ્વામીશ્રીએ પણ આ કીર્તનના તાલે તાલ મિલાવી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી સ્મૃતિ મંદિરમાં દર્શને પધાર્યા. સ્વામીશ્રીનાં દર્શનથી સૌ કોઈના હૈયે ભક્તિની હેલી ઊમટી હતી. અહીં વસતા સાધકો, પાર્ષદો, સંતો તથા હરિભક્તો-ભાવિકોએ વિશિષ્ટ વ્રત-તપની ભાગીરથી વહાવી ભક્તિભાવ-પૂર્વક સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્વામીશ્રીએ આ સૌને અંતરના આશીર્વાદ પાઠવી અપાર પ્રસન્નતા દર્શાવી. અહીં જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણમુનિ સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી ને રામચરણ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સૌ વતી સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું.
|
|