Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કિશોર દિન

તા. ૨-૫-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં અમદાવાદ કિશોર મંડળના કિશોરોએ 'કિશોર દિન'ની ઉજવણી કરી આનંદની લાગણી અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ કિશોરોનું સામ્રાજ્ય છવાયું હતું. અનેરા ઉત્સાહ અને તરવરાટથી થનગનતા કિશોરોના હૈયે જાણે ભક્તિભાવનાં પૂર ઊમટ્યાં હતાં.
આજે કિશોરો દ્વારા સમગ્ર દિવસ દરમ્યાન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થવાના હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ તેનો આરંભ થયોõ. સભાગૃહના મંચની પાર્શ્વભૂમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરાવતી દુર્લભ છબિઓના દર્શન કરી સૌ ધન્ય બન્યા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન કિશોરોએ સવાદ્ય કિર્તન-ભક્તિ રજૂ કરી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી. પ્રાતઃપૂજાના અંતે 'ગામે ગામે ઘૂમે સંતો...' કીર્તનના આધારે કિશોરોએ વિશિષ્ટ નિદર્શન રજૂ કર્યું ત્યારે સ્વામીશ્રી અને ઉપસ્થિત સૌ કોઈ તત્કાલીન સમયની સ્મૃતિઓમાં ગરકાવ થઈ ગયા. યુવાનોને ઉત્સાહથી છલકાતાં સ્વામીશ્રીએ અદ્‌ભુત પ્રેરણાઓ આપી. આજના દિવસે અનેક કિશોર-કિશોરીઓએ વ્રત-ઉપવાસની સાંકળ રચી સ્વામીશ્રીની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આજની રવિ સત્સંગસભામાં કિશોર દિન નિમિત્તે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થવાના હતા. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને માણવા ઉમટેલા હરિભકતોથી બંને સભાગૃહો છલકાતા હતા. લાલ રંગનો ખેસ ધારેલા શ્વેત વસ્ત્રધારી કિશોરોના હૈયે આજે સ્વામીશ્રીને પ્રસન્ન કરવાના કોડ જાગ્યા હતા.
નિયત સમયે ધૂન-પ્રાર્થનાથી આ વિશિષ્ટ સભાનો આરંભ થયો.  સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે કિશોરોએ તેરતાલી નૃત્ય કરી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. ત્યારબાદ અમદાવાદ કિશોર મંડળના કિશોરોએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યના દિવ્ય પ્રસંગોની સ્મૃતિ કરાવતા સંવાદ 'જય જય અક્ષરપુરુષોત્તમ'ની પ્રભાવક પ્રસ્તુતિ કરી. સંવાદના અંતે કિશોરોએ 'જય જય અક્ષરપુરુષોત્તમ...' કીર્તનના આધારે નૃત્ય રજૂ કર્યું ત્યારે ઉપસ્થિત સૌના હૈયે આનંદની હેલી ઉમટી. સ્વામીશ્રી પણ કીર્તનના તાલે તાળી પાડી સૌને અદ્‌ભુત સ્મૃતિ આપતા હતા. સમગ્ર વાતાવરણ અક્ષરપુરુષોત્તમના જયજયકારથી ગૂંજી ઊઠ્યું. નૃત્ય બાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં કલાત્મક ચાદર અને પુષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીને સત્કાર્યા.
શાસ્ત્રીજી મહારાજનાએ પ્રસંગોને માણતાં સ્વામીશ્રી પણ ભાવવિભોર થઈ ગયા હતા. સભાના અંતમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે રવિવારની સભામાં કિશોર મંડળે ખૂબ સુંદર રજૂઆત કરી છે. શાસ્ત્રીજી મહારાજ અક્ષરપુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે વડતાલથી નીકળ્યા. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રોક્ત છે. સંપ્રદાયના ગ્રંથોમાં એ વિદિત છે. શાસ્ત્રીજી મહારાજ બહુ વિચક્ષણ બુદ્ધિવાળા હતા. તેમણે આ વાતનું પ્રવર્તન કરવાનું નક્કી કર્યું, પણ સાચી વાતમાં વિઘ્નો હોય. શાસ્ત્રીજી મહારાજને આ વાત કરીને પોતાને મનાવું-પૂજાવું નહોતું, પોતાની મોટપ વધારવી ન હતી, પણ એક જ તાન હતું કે આ સાચી વાત છે તો સૌને કરવી. એમાં ઘણી મુશ્કેલીઓ થઈ, પણ શાસ્ત્રીજી મહારાજ નીડર હતા. એમને નક્કી હતું કે શરીરના ચૂરેચૂરા થાય તો પણ આ જ્ઞાન સૌને આપવું છે. મરણિયો ઉપાય! હવે આપણે શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે એને આગળ લઈ જવાનું છે, આમાંથી પાછા પડવાનું નથી.
જાણપણારૂપ દરવાજે રહેવું. કામ-ક્રોધ-લોભ-મોહ-મમતા-મારું-તારું આ બધું પેસી ન જાય તેનું ધ્યાન રાખવું. કુસંગથી દૂર રહેવું. કુસંગથી ગમે એટલો લાભ થતો હોય, પણ એનાથી અધોગતિ થાય છે. જાણપણારૂપ દરવાજે રહીએે તો નિયમ-ધર્મ-કથા-વાર્તા-કીર્તન-ભજન આ બધું થાય. સત્સંગ મળ્યો છે તો શિર સાટે કરવો. શિર ભલે જાય પણ સત્સંગ મૂકવો નહીં, તો એ સત્સંગ દૃઢ કહેવાય. કોઈ ગમે એટલી લાલચ આપે, પણ આપણી દૃઢતા બરાબર રહેવી જોઈએ. 'દૃઢતા જોઈને રે મદદ કરે મુરારિ' એટલે જાણપણારૂપ દરવાજે બધા રહેજો અને બીજાને તૈયાર કરજો. આ સત્સંગ મળ્યો છે એને સાચવવાનો છે. ખબડદાર રહેવું. નિયમ-ધર્મ-ભજન-ભક્તિમાં વિઘ્ન આવે તો એની દરકાર કરવી નહીં. મોળી વાત કરવી નહીં. સત્સંગની વાત બીજાને કરવી અને સમજાવવી, સાચી વાત છે એટલે જરૂર અસર થશે. આપણો સત્સંગ બીજાને થાય, પણ બીજાની ખોટી અસર આપણામાં પેસી ન જાય એવા જાણપણે અખંડ રહેવું.'
આશીર્વચનની સમાપ્તિ બાદ ધોળકા કિશોર-કિશોરી મંડળે ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલો નિયમ-કળશ ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યો. સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |