|
બાળ દિન
તા. ૯-૫-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં અમદાવાદ બાળમંડળના બાળકો અને કાર્યકરોએ બાળ-દિનની ઉજવણી કરી ભક્તિની સુવાસ પ્રસરાવી દીધી હતી. નાના નાના ભૂલકાંઓમાં પ્રાણપ્યારા ગુરુહરિને પ્રસન્ન કરવાનો અનેરો તરવરાટ જોવા મળતો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં બાળકોએ મધુર સ્વરે કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીના ચરણોમાં ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું. આજના દિવસે બાળકો તથા બાળ-કાર્યકરોએ વિશિષ્ટ વ્રત-તપ કરી વિશિષ્ટ રીતે ગુરુભક્તિ અદા કરી હતી.
સંધ્યા રવિ સત્સંગ સભામાં બાળ દિન નિમિત્તે બાળમંડળના બાળકો તથા બાળ કાર્યકરો દ્વારા રજૂ થનાર વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા વિશાળ સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. સાંજે ચાર વાગ્યાથી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ તથા યજ્ઞપુરુષ સભાગૃહ હકડેઠઠ ભરાઈ ચૂક્યાં હતાં. સમગ્ર અમદાવાદ શહેરમાં બાળમંડળની સત્સંગ પ્રવૃત્તિ સંભાળી રહેલા નાનામોટા તમામ કાર્યકરોને સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદની સહજ સ્મૃતિ મળી રહે એવું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. 'સ્વામીના બાગમાં ખીલ્યા રે, અમે ફોરમતાં ફૂલ' એ મધ્યવર્તી વિચાર સાથે અમદાવાદ શહેરમાં થતી બાળ સત્સંગ- પ્રવૃત્તિના ઇતિહાસની ઝાંખી કરાવતા સંવાદ તથા પ્રેરક પ્રસંગોની પ્રભાવક પ્રસ્તુતિ નિહાળી સૌ દંગ રહી ગયા. બાળ સત્સંગપ્રવૃત્તિની સુંદર છણાવટ બાદ બાળકો, વાલીઓ, બાળકાર્યકરોએ બાળ સત્સંગપ્રવૃત્તિ દ્વારા જીવનમાં આવેલા પરિવર્તનના પ્રસંગોની ચોટદાર રજૂઆત દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાએ તેમનામાં સિંચેલાં મૂલ્યોનું દિવ્ય દર્શન સૌને કરાવ્યું. ત્યારબાદ બાળ સત્સંગપ્રવૃત્તિની સેવામાં રત સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પ-હાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા.
સભાના અંતમાં બાળકોએ રજૂ કરેલા નૃત્ય બાદ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે બાળમંડળની પણ જય અને એના કાર્યકર્તાઓની પણ જય. બાળકો પણ સિનેમા-નાટક મૂકીને આ સેવા, ભક્તિ, સત્સંગ અને મોક્ષની બાબતમાં જોડાઈ ગયા છે તો એમને પણ ધન્યવાદ છે. જેમ શિક્ષણ આપવા માટે આપણે તેને શાળામાં મોકલીએ છીએ તેમ સંસ્કાર માટે બાળ-સભામાં મોકલવા. સારામાં સારું શિક્ષણ લઈને મોટા હોદ્દા મેળવી દેશની સેવા કરવાની છે. પણ જો શિક્ષણમાં સંસ્કાર ન હોય તો બધું ઊલટું થઈ જાય, કારણ કે પછી એમાં સ્વાર્થ આવી જાય. બીજાનું કેમ લઈ લેવું એવા વિચારો આવ્યા કરે. પણ સંસ્કાર હોય તો કોઈનું ખોટું લેવાય નહીં, કોઈનું નુકસાન કરાય નહીં, ચોરી-વ્યભિચાર કરાય નહીં, માંસાહાર કરાય નહીં. એ બધી વાતો જીવનમાં દૃઢ થાય. આ બધી પાયાની વાત છે. પાયો મજબૂત હોય તો મકાનને વાંધો આવે નહીં. બાળકોને નાનપણથી સંસ્કાર આપવા એ પાયાની વાત છે. જો પાયો મજબૂત ન હોય તો મકાન ગમે ત્યારે પડી જવાનું છે. યોગીજી મહારાજે જીવનનો પાયો મજબૂત કરવા માટે બાળમંડળ સ્થાપ્યાં. નાના નાના બાળકોને પણ તેઓ કીર્તન-ભજન ગવડાવતા તો આજે આ સંતો, કાર્યકરો તૈયાર થયા છે. બાળમંડળના બાળકો વ્યસન છોડાવવા માટે જાય છે, દવાખાનામાં જઈને દર્દીઓ માટે પ્રાર્થના કરે છે. આ બધી પ્રવૃત્તિ કલ્યાણકારી છે. આ બધી પ્રવૃત્તિઓ અત્યારથી જ કરશે તો મોટા થઈને દેશની સેવા કરશે ને સાથે સાથે આપણા દેશની સંસ્કૃતિ પણ સાચવશે.
બાળમંડળો મોટી આધ્યાત્મિક નિશાળ છે. આત્માનું કલ્યાણ કરવાની ડિગ્રી તેમાં મળે છે. સમજવાનું છે એ જ્ઞાન અહીં નાનપણથી મળી જાય તો ઘરમાં ને સમાજમાં બધે શાંતિ રહે. આ જ્ઞાન ન થાય ત્યાં સુધી બધું અધૂરું છે. અત્યારથી બાળકોને પૂજાપાઠ કરવા, દંડવત્ કરવા, મંદિરે જવું, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, વ્યભિચાર ન કરવો, જેવા સંસ્કાર દૃઢ થઈ જાય તો તે મોટી વયે લાભ કરે. નાનપણમાં બાળમંદિરમાં એકડે એક, બગડે બે એવું ઘૂંટાવતા હોય, પણ એ ઘૂંટતાં ઘૂંટતાં મોટા બૅરિસ્ટર થઈ જવાય. એમ અત્યારથી આત્મારૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવાની છાપ પાકી થઈ જાય તો બેડો પાર થઈ જાય. એવું આ સર્વોપરિ જ્ઞાન મળ્યું છે. ભગવાન સર્વ પર પ્રસન્ન થાય અને સર્વનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના.' આશીર્વાદની સમાપ્તિ બાદ પુરુષોત્તમ માસ નિમિત્તે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. ૨૧,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોએ મહાપ્રસાદ-ભોજન લઈ વિદાય લીધી.
|
|