|
ભાદરામાં સ્વામીશ્રી...
બરાબર ૭.૨૦ કલાકે સ્વામીશ્રી ગુણાતીતનગર-ભાદરા પધાર્યા. ગામના પાદરથી લઈને મંદિર સુધીના માર્ગ પર સૌ કોઈ સ્વામીશ્રીનાં દર્શનની એક ઝાંખી મેળવવા ઊભા હતા. સૌને દર્શનદાન આપી સ્વામીશ્રી યોગીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ મંદિરમાં પધાર્યા. મંદિર પર શ્રી ચંદ્રકાન્તભાઈ પૂજારાએ સમગ્ર સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ સ્વામીશ્રી ગુણાતીત જન્મ-સ્થાનમાં દર્શન કરી સભામંડપમાં પધાર્યા. વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીના પૂર્વ વિચરણની ઝાંખી સૌને કરાવી.
ત્યારબાદ સમગ્ર હાલાર પંથક વતી ભાદરા મંદિરના કોઠારી ધર્મકુંવર સ્વામી તથા જ્ઞાનપ્રસાદ સ્વામી અને ધર્મજીવન સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું.
સત્સંગ સભા :
તા. ૨૫-૫-૨૦૧૦ના રોજ ભાદરા-વાસીઓને સ્વામીશ્રીના આશીર્વાદનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો હતો. આ વખતના રોકાણના અંતિમ દિવસે સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ સૌ ગ્રામજનો પર આશીર્વાદ વરસાવતાં જણાવ્યું હતું : 'ભાદરા એવું પવિત્ર ધામ છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે, એટલે આ મહાતીર્થ છે. હરદ્વાર, હૃષીકેશ, જગન્નાથપુરી, રામેશ્વર બધાં જ તીર્થો છે, પણ 'ઘરમાં દેવ અને પાદરમાં તીરથ હોય એનો મહિમા સમજાય નહિ.' 'પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય વાણી.' પરોક્ષમાં મહિમા સમજીને જઈએ છીએ, પણ એમાં પ્રત્યક્ષના જેવું સુખ ન આવે. પ્રત્યક્ષ ભોજન હોય તો આનંદ આવેõ. જમી લો એટલે તરત ભૂખ જાય. એમ અહીં આવું સરસ મંદિર થયું છે તો દેશ-પરદેશથી આવીને બધાં દર્શન તો કરશે જ, પણ આપણે ઘર-આંગણે જેટલો લાભ લેવાય એટલો ઓછો છે. આપણે તો ઘરબેઠાં ગંગા છે. અહીં ભગવાન વિરાજ્યા છે, ગુણાતીતાનંદ સ્વામીનો અહીં જન્મ થયો છે. તો આવું તીર્થ આપણને ભગવાને આપ્યું છે. હવે બધાં તીર્થોમાં તમારે જવાય કે ન જવાય, પણ આ તીરથમાં બધાં તીર્થો ઘેરબેઠાં આવી ગયાં છે, તો એવો મહિમા સમજીને દરરોજ લાભ લેજો. અહીં જે દર્શને આવશે એ બધાનું ભગવાન કલ્યાણ કરશે. આ તીર્થનો જેટલો મહિમા સમજીએ એટલો ઓછો છે. મંદિરે મોડા જઈશું, શી ઉતાવળ છે ? એમ વિચારમાં ને વિચારમાં તો આવરદા પૂરી થઈ જાય ને લાભ લેવાનો રહી જાય.
ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. આપણે કરોડ કામ તો છે નહીં. આપણે તો ઘરે બેઠા જ તીર્થ છે તો દરેકે ઉત્સાહ ને ઉમંગ રાખવો. બહારથી કોઈ આવે તો એમને ભાદરાનો મહિમા કહેવો. દરરોજ મંદિરમાં આવી નાના-મોટા દરેકે દર્શન કરવા ને આ લાભ મળ્યો છે એને ચૂકવો નહીં. ભગવાન ભજવા માટે આ દેહ છે તો ભગવાન ભજી જ લેવા. ખેતીવાડી, વેપાર-ધંધા કરો, દેશ-પરદેશ ગમે ત્યાં જાવ, પણ આ દેહ ભગવાન ભજવા માટે મળ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મનુષ્યદેહ શા માટે મળ્યો છે ? બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે. આ જ્ઞાન સમજાય તો સુખિયા રહેવાય.
ગામમાં સંપ, એકતા, એકરુચિ રહે ને નાનામોટા બધા સુખિયા થાય ને સત્સંગ દૃઢ થાય એ મહારાજને પ્રાર્થના.'
|
|