|
યોગી જયંતી પ્રતીક સભા
તા. ૬-૬-૨૦૧૦ના રોજ લીંબડી ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં પ્રતીક યોગી જયંતી અને રવિસત્સંગસભાનો બેવડો લાભ પ્રાપ્ત કરી લીંબડીવાસીઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આ વિશિષ્ટ સભાનો આરંભ થયો. પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોનું ગાન કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પ્રાતઃપૂજાના અંતે ગવાઈ રહેલા 'યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો...' કીર્તનના તાલે સૌ કોઈ ભક્તિમાં ગુલતાન બન્યા હતા.
પ્રાતઃપૂજા બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'યોગીજી મહારાજનો રંગ ચડ્યા પછી ઊતરે એવો નથી. આ રંગ બનાવટી નથી. આ તો આત્માનો-પરમાત્માનો રંગ છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં પાંચસો સંતો, લાખો હરિભક્તોને આ રંગ લાગ્યો હતો. દાદાખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આ બધા ભક્તો-સંતોનાં આખ્યાનો સાંભળીને આનંદ થાય છે, કારણ કે આ રંગ પાકો છે અને પાકો રંગ કોઈ દિવસ ક્યારેય કોઈને ઊતર્યો નથી. આપણને પણ જ્યારે આવું જ્ઞાન થાય પછી બીજા જ્ઞાનની જરૂર રહેતી નથી. આ જ્ઞાન એટલે આત્મા-પરમાત્માનું જ્ઞાન. આ જ્ઞાન સાચું છે અને જેને થયું છે એને એનો કેફ હંમેશ માટે રહે છે. આ જ્ઞાન નવું નથી, પણ શાસ્ત્રોક્ત છે. શાસ્ત્રીજી મહારાજે આ જ્ઞાન સૌને આપ્યું. વેદ-ઉપનિષદમાં પણ અક્ષર-પુરુષોત્તમની વાત છે જ. શાસ્ત્રીજી મહારાજે ખાતરી કરીને આ વાત આપણને આપી છે. આ જ્ઞાન મળ્યું છે તો એની સૌએ દૃઢતા કરવાની છે અને બીજાને આ વાત કરવાની છે. આ વાત જેમ જેમ બીજાને કરીશું એમ એમાંથી આપણને બળ મળશે. આ સાચો રંગ ઊતરે નહીં એવું બળ મહારાજ સૌને આપે એ પ્રાર્થના.' આશીર્વાદની સમાપ્તિ બાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી કૃતાર્થતા અનુભવી. સભાના અંતે ઉપસ્થિત સૌ હરિભક્તોએ મહાપ્રસાદ લઈ વિદાય લીધી.
|
|