|
દિલ્હીમાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૭-૬-૨૦૧૦ થી તા. ૨૦-૭-૨૦૧૦ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે રાજધાની દિલ્હી ખાતે યમુના તટ પર આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો. સતત ૪૩ દિવસ સુધી સ્વામીશ્રીનાં દર્શનની વિરલ સ્મૃતિઓ હજારો હરિભક્તોનાં હૈયે સદાયને માટે કંડારાઈ ગઈ હતી. પ્રાતઃપૂજા પૂર્વે મંદિરના ચોકમાં બાળકો તથા યુવકો દ્વારા રજૂ થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પર અમી દૃષ્ટિ કરી ઠાકોરજીનાં દર્શને પધારતા સ્વામીશ્રીનાં સમીપ દર્શન કરી સૌ કૃતાર્થ થતા હતા. સભામંડપમાં સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજાનાં દર્શને ઊમટતા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પરિસર છલકાતું હતું. પ્રાતઃ પૂજા દરમ્યાન સંગીતજ્ઞ સંતો-યુવકોના સુમધુર કંઠે રજૂ થતી કીર્તનભક્તિથી વાતાવરણ વિશેષ ભક્તિસભર બન્યું હતું. સ્વામીશ્રીના નિરામય સ્વાસ્થ્ય માટે અક્ષરધામના સ્વયંસેવકોએ મહાપૂજા કરી વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી. દર રવિવારે યોજાતી સત્સંગસભામાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે ઉત્તર ભારતનાં સત્સંગ કેન્દ્રોમાંથી ઊમટતા હજારો હરિભક્તો-ભાવિકો સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વાદનો બેવડો લાભ પ્રાપ્ત કરી અધ્યાત્મ ઊર્જા પામ્યા હતા. વળી, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સ્વામીશ્રી તેમજ સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.
તા. ૧૬-૬-૨૦૧૦ના રોજ દિલ્હીવાસીઓને સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોગી જયંતી અને ૬૦મા પ્રમુખવરણી દિનની ઉજવણીનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો હતો.
તા. ૧-૭-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ સર્વત્ર સારામાં સારો વરસાદ વરસે અને સૌ ખૂબ સુખી થાય એ માટે દેશ-વિદેશના સૌ હરિભક્તોને પ્રાતઃપૂજામાં તથા તમામ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાની આજ્ઞા કરી હતી. તા. ૪-૭-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં આવેલા 'બી.એ.પી.એસ. સ્વામિનારાયણ શોધ-સંસ્થાન'નું ઉદ્ઘાટન કરી ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ભારતમાંથી અહીં પધારેલા વિદ્વાનોએ ભાવોર્મિઓ વ્યક્ત કરી સ્વામીશ્રીના કાર્યને બિરદાવ્યું હતું. તા. ૬-૭-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ મહેળાવ ક્ષેત્રના વલેટવાના સનાતન મંદિરમાં પધરાવવામાં આવનાર અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી.
તા. ૧૩-૭-૨૦૧૦ના રોજ રથયાત્રાના પરમ પવિત્ર પર્વે પરિમાર્જિત કરેલ સ્વામિનારાયણ અક્ષરધામના નૂતન ગર્ભગૃહને સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક ખુલ્લું મૂકીને ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી હતી. અહીં દિલ્હીમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે...
આગમન :
તા. ૭-૬-૨૦૧૦ના રોજ લીંબડીના હરિભક્તોની ભાવભીની વિદાય લઈ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાંજે વિમાન દ્વારા અમદાવાદથી દિલ્હી પધાર્યા. અહીં હવાઈ મથકના અધિકારીઓ અને સંતોએ સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અક્ષરધામમાં પ્રાણપ્યારા ગુરુહરિના આગમનને વધાવવા સંતો-હરિભક્તોના હૈયે આનંદની હેલી ઊમટી હતી.
બરાબર રાત્રે ૮-૩૦ વાગે સ્વામીશ્રીનું આગમન થતાં મંદિરના સ્વયંસેવકો અને હરિભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાના જયનાદોથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. કિશોરો અને યુવકોએ બી.એ.પી.એસ.ની ધજા લહેરાવી સ્વામીશ્રીને સન્માન્યા. દેવતાઈ વેશભૂષામાં સજ્જ દિલ્હી બાળમંડળના બાળકો સ્વામીશ્રીને વધાવવા નૃત્ય કરી રહ્યા હતા. મેઘરાજાએ પણ અમીછાંટણા કરી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. મંદિર પર સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર દિલ્હી સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીને વધાવ્યા. વરસતા વરસાદમાં ભાંગડા નૃત્ય કરી રહેલા હરિભક્તો પર અમીદૃષ્ટિ કરી સ્વામીશ્રી નિજ નિવાસે પધાર્યા.
|
|