|
શ્રીજીમહારાજ સ્મૃતિપર્વ - બાળયુવાદિન
તા. ૩-૧૦-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દિવ્ય સાંનિધ્યમાં શ્રીજીમહારાજ સ્મૃતિપર્વ, બાળ-યુવાદિન અને રવિ સત્સંગસભાની ત્રિવેણી રચાઈ હતી. વહેલી સવારથી જ સ્વામીશ્રીના સાંનિધ્યમાં આ ત્રિવિધ ઉત્સવનો લાભ લેવા ઊમટેલા બાળકો, કિશોરો તથા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું.
પ્રાતઃપૂજા પૂર્વે સ્વામીશ્રી મંદિરમાં દર્શને પધાર્યા ત્યારે માર્ગમાં ગઢડા યુવકમંડળે 'આદર્શ થઈએ' મધ્યવર્તી વિચારના આધારે વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન રજૂ કર્યું.
શ્રીજીમહારાજના સ્મૃતિ પર્વ નિમિત્તે આજે મંદિરના ચારેય ખંડોમાં ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાનાં દૃશ્યો શોભી રહ્યાં હતાં. અદ્ભુત શણગારોમાં સજ્જ ઠાકોરજીના દર્શન કરી સ્વામીશ્રી સવિશેષ પ્રસન્ન થયા. સ્મૃતિ મંદિર પર યુવકોએ 'ગઢપુર જોતાં શ્રીજી મને સાંભરે' પ્રસંગની પ્રેરક પ્રસ્તુતિ કરી. સ્મૃતિ મંદિરે દર્શન કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે સભામંડપમાં પધાર્યા.
પ્રાતઃપૂજામાં સારંગપુર, બોટાદ, ધંધુકા, ગઢડા, રાજુલા તથા અમરેલી ક્ષેત્રના ૧૨૦૦ બાળ-બાલિકાઓ વતી પસંદ કરાયેલા કેટલાક બાળકોએ 'ઘનશ્યામ' નૃત્યનાટિકાની પ્રેરક પસ્તુતિ કરી. ભગવાન સ્વામિનારાયણના બાળવયના પ્રસંગોની અદ્ભુત પ્રસ્તુતિ નિહાળી સૌ કોઈ દંગ રહી ગયા. વળી, આજે ૨૮ બાળકોએ નાનીવાવડીથી સારંગપુરના બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ મંદિર સુધી પદયાત્રા કરી વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી.
સંધ્યા સમયે ધૂન-પ્રાર્થનાથી આરંભાયેલી રવિ સત્સંગ સભા શ્રીજીમહારાજ સ્મૃતિપર્વ અને બાળ-યુવાદિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. આ વિશિષ્ટ સભામાં યુવા તાલીમ કેન્દ્રના યુવકોએ 'ભારત ભાગ્ય નિર્માતા' કાર્યક્રમની પ્રભાવક પ્રસ્તુતિ કરી. ત્યારબાદ પ્રિયદર્શન સ્વામી રચિત 'કૈસે કરે હમ આપકી તારીફ' કીર્તનના આધારે યુવકોએ ભક્તિનૃત્ય રજૂ કર્યું. સભાના અંતમાં સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદની વર્ષા વરસાવી કૃતાર્થ કર્યા.
આશીર્વાદની સમાપ્તિ બાદ વિવિધ મંડળોમાંથી આવેલી ચાદર અને કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
આમ, સારંગપુરમાં સત્સંગનો દિવ્યલાભ આપી તા. ૮-૧૦-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ જૂનાગઢ જવા વિદાય લીધી.
|
|