|
તીર્થધામ જૂનાગઢમાં પ્રમુખસ્વામી મહારાજ...
જેની રજેરજ ભગવાન સ્વામિનારાયણની પદરજથી પાવન થઈ છે, જ્યાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સતત ૪૦ વર્ષ સુધી નિવાસ કરી બ્રહ્મધૂણી ધખાવી હતી એવા ગરવા ગિરનારની તળેટીમાં પવિત્ર તીર્થધામ જૂનાગઢમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. તા. ૮-૧૦-૨૦૧૦ થી તા. ૧૮-૧૦-૨૦૧૦ એમ સતત ૧૦ દિવસ સુધી અહીં બિરાજીને સ્વામીશ્રીએ સમગ્ર સોરઠ પંથકમાં બ્રહ્મરસની હેલી વરસાવી હતી.
સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન ગિરનારની ગોદમાં આવેલા બી.એ.પી.એસ. મંદિરમાં નિત્ય ઉત્સવનો માહોલ રચાતો હતો. નિત્ય ક્રમ મુજબ પ્રાતઃપૂજા પૂર્વે મંદિરમાં દર્શને પધારતા સ્વામીશ્રી સમક્ષ બાળકો વિવિધ ઉત્સવપર્વોની ભક્તિભાવપૂર્વક પ્રસ્તુતિ કરતા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન સંતો-યુવકોના કંઠે રજૂ થતી કીર્તનભક્તિથી વાતાવરણ સવિશેષ દિવ્ય બની જતું હતું. જૂનાગઢની આસપાસનાં ગામોમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તો પદયાત્રા કરીને સ્વામીશ્રીનાં દર્શને ઊમટતા હતા. રવિસત્સંગસભા, બાળ-કિશોર દિન તથા વિજયાદશમી જેવા ઉત્સવપ્રસંગોએ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પામી સૌ કોઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી.
જૂનાગઢ ખાતેના નિવાસ દરમ્યાન તા. ૮-૧૦-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ માણાવદરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાં પધરાવવામાં આવનારા અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાની ચિત્રપ્રતિમાઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, પ્રતિષ્ઠા કરી હતી. તા. ૧૩-૧૦-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ ધોરાજીમાં રચાનારા હરિમંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. તા. ૧૫-૧૦-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ મહેસાણા જિલ્લાના જામળામાં રચાયેલા નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. તા. ૧૭-૧૦-૨૦૧૦ને વિજયાદશમીના પરમ પવિત્ર દિવસે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની પ્રાગટ્ય ભૂમિ ધારીમાં રચાનાર ભવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ખાતવિધિ પ્રસંગે સ્વામીશ્રીએ ટેલિફોનથી આશીર્વાદ પાઠવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
અત્રે જૂનાગઢમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૮-૧૦-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સારંગપુરના સંતો-હરિભક્તોની ભાવભીની વિદાય લઈ જૂનાગઢ જવા માટે પ્રયાણ કર્યું. સારંગપુરથી જૂનાગઢ જતાં માર્ગમાં વીંછિયા, જસદણ અને ગોંડલની ભાગોળે ઊમટેલા હરિભક્તો સ્વામીશ્રીનો દર્શન-લાભ પામી ધન્ય બન્યા હતા. રાત્રે બરાબર ૮:૦૦ વાગે સ્વામીશ્રી જૂનાગઢના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. મંદિર નિર્માણ બાદ પ્રથમ વખત જ અહીં પધારી રહેલા સ્વામીશ્રીનું મંદિરના પ્રવેશદ્વાર પાસે બેન્ડવાજાના સૂરીલા સૂરોથી સ્વાગત કરવામાં આવ્યું. મંદિરનાં મુખ્ય પગથિયાંની ગમનપથિકા પર વિવિધ વેષભૂષામાં સજ્જ નાનાં નાનાં ભૂલકાંઓએે જયનાદો સાથે સ્વામીશ્રીને સત્કાર્યા.
સૌનું ભક્તિભાવભર્યું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. અહીં સ્વામીશ્રીને સત્કારવા ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી સભામંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો. યોગીસ્વરૂપ સ્વામી, જૂનાગઢ મંદિરના કોઠારી ધર્મકીર્તિ સ્વામી તેમજ અહીંના સ્થાનિક સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા. સંતો તથા મહિલા હરિભક્તોએ વિવિધ વ્રત-તપ કરી વિશિષ્ટ રીતે સ્વામીશ્રીનાં આગમનને વધાવ્યું હતું.
|
|