|
શરદ પૂર્ણિમા ઉત્સવસભા
તા. ૨૨-૧૦-૨૦૧૦ના રોજ ગોંડલ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૨૬માં પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી ઉત્સવનો દિવ્ય માહોલ રચાયો હતો. દેશ-વિદેશના ૧૯,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પરિસર પણ નાનું લાગતું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંગીતજ્ઞ સંતોએ ગુણાતીતાનંદ સ્વામીને કીર્તનાંજલિ અર્પી.
સંધ્યા સમયે અક્ષર મંદિરના વિશાળ પ્રાંગણમાં ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં કરવામાં આવેલી રંગબેરંગી લાઇટોથી રાત્રિના અંધકારમાં જાણે અનંત તારલાઓ પરિસરમાં ઊતરી આવ્યા હોય એવી રોશની પ્રગટી હતી. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. હનુમાનજી અને ગણપતિજીના દેરાવાળા પોડિયમ ઉપર બરાબર વચ્ચે સ્વામીશ્રીનું આસન શોભી રહ્યું હતું. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સૌને દર્શન આપી રહ્યા હતા. મંદિરની બંને બાજુએ વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્વામીશ્રી સભામાં પધાર્યા તે પૂર્વે બ્રહ્મદર્શન સ્વામી, શ્રીહરિ સ્વામી, અને સિદ્ધેશ્વર સ્વામીનાં પ્રાસંગિક પ્રવચનો અને દ્વિતીય આરતી પૂર્ણ થઈ ચૂક્યાં હતાં. ત્યાગવલ્લભ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ બોચાસણ મંદિર પ્રતિષ્ઠા વિષયક સંવાદ રજૂ થયો. સંવાદ બાદ તૃતીય આરતી થઈ. ત્યારબાદ ઈશ્વરચરણ સ્વામી અને આત્મસ્વરૂપ સ્વામીએ પ્રેરક પ્રવચન દ્વારા યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગોનું પાન સૌને કરાવ્યું. આજની આ વિશિષ્ટ સભામાં ગોંડલનરેશ શ્રી જ્યોતીન્દ્રસિંહજી, બિલાડાનરેશ શ્રી માધવસિંહજી દીવાન તથા ગોંડલ ભાયાત શ્રી ઉપેન્દ્રસિંહજી જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામીએ મહાનુભાવોનું પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું. ચતુર્થ આરતી બાદ મહંત સ્વામીએ કર્તાપણાની અદ્ભુત વાતો દ્વારા મહારાજ-સ્વામીનો મહિમા સૌને દૃઢાવ્યો.
આજે સંસ્થા દ્વારા કેટલાક નૂતન પ્રકાશનોનું ઉદ્ઘાટન કરીને સ્વામીશ્રીએ સૌને વિરલ સ્મૃતિ આપી હતી. જેમાં ગોંડલના બાળકોના સુમધુર કંઠે ગવાયેલા ભગવાન સ્વામિનારાયણનાં દિવ્ય પદોની સીડી 'શોભે શ્રી ઘનશ્યામ'નું ઉદ્ઘાટન દિવ્યમુનિ સ્વામી તથા નૈષ્ઠિકવ્રત સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. નિષ્કામજીવન સ્વામી તથા ધર્મકુંવર સ્વામીએ ભાદરા પ્રતિષ્ઠા મહોત્સવને દર્શાવતી 'સત્સંગ દર્શન ભાગ ૧૦૮'ની વીડિયો ડીવીડીનું ઉદ્ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. અક્ષરજીવન સ્વામીએ હિંદી પુસ્તક 'ભગવાન સ્વામિનારાયણ - એક દિવ્ય જીવનગાથા' ઓડિયો કૅસેટનું ઉદ્ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. સરલજીવન સ્વામી તથા ભક્તિવેદાંત સ્વામીએ કન્નડ ભાષામાં લખાયેલ '૧૦૮ પ્રસંગમાળા' પુસ્તકનું ઉદ્ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું.
'શરદ પૂનમની રાતડી...' બાળકો-કિશોરોએ રજૂ કરેલા નૃત્ય દરમ્યાન વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતો અને મહાનુભાવોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'ગોંડલમાં જ્યારે આવીએ ત્યારે આપણને આ દેરીનાં દર્શન, મહારાજનાં દર્શન થાય છે ને ચારેય બાજુ દિવ્યતા જોવા મળે છે. અક્ષરદેરી પ્રતાપી છે, બધાના સંકલ્પો પૂરા કરે છે, બધાનાં કાર્યો થાય છે, એવું આ દિવ્ય ધામ છે. યોગીજી મહારાજે આપણને જે જે સુખ આપ્યું છે, જે વાતો કરી છે, જે કાર્યો કર્યાં છે એની સ્મૃતિ પણ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીનું સમાધિસ્થાન અને એવા ગુણાતીત પુરુષ યોગીજી મહારાજ પણ અહીં વિરાજ્યા છે.
વચનામૃત ગઢડા પ્રથમ ૭૧માં શ્રીજીમહારાજે વાત કરી છે કે 'હું અક્ષરધામમાંથી મારું ધામ ગુણાતીત, અક્ષરમુક્તો ને સર્વ ઐશ્વર્ય લઈને પધાર્યો છું, ને આ વાત તમારે સમજવી ને બીજાને સમજાવવી.' શ્રીજીમહારાજની આ આજ્ઞા છે. શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે એ વચનામૃતનો આધાર લઈને કર્યું છે. શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત લોકોને સમજાવી દેવા માટે કે પોતાની મહત્તા વધારવા માટે નથી પ્રવર્તાવ્યો, પણ શ્રીજીમહારાજ જે વાત લઈને આવ્યા છે, એ વાત બધાને સમજાય, બ્રહ્મરૂપ થવાય અને અક્ષરધામની પ્રાપ્તિ થાય એ આ વાતનો હેતુ હતો. એ માટે જ એમણે મંદિરો કર્યાં, સંતો કર્યા, પાયો મજબૂત કરીને કાર્ય કર્યું ને જોગી મહારાજને આપણને ઓળખાવ્યા. શ્રીજીમહારાજનો અપાર મહિમા અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ મહિમા બધાને સમજાય એ માટે એમણે કાર્ય કર્યું છે.
'માણસ જાણે મેં કર્યું, કરતલ બીજા કોઈ; આદર્યાં અધવચ રહે, હરિ કરે સો હોઈ.'
આપણે આદર્યું હોય ને અધૂરું રહી જાય, પણ મોટાપુરુષના સંકલ્પો પૂરા થાય. ભગવાન સિવાય કાંઈ થઈ શકતું નથી. માણસ જાણે મેં કર્યું, પણ આપણે કર્તા છીએ નહીં. ભગવાન જ કર્તા છે એ શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ. ભગવાનનો આશરો હોય, ભજન કરતા હોઈએ તોપણ દુઃખ આવે તો તે પણ આપણા હિતને માટે છે, કલ્યાણ માટે છે, એમ સમજીએ તો શાંતિ શાંતિ રહે. આવી દૃઢ સમજણ, શ્રદ્ધા, વિશ્વાસ રાખીને જો કાર્ય કરીએ તો થાય, ન થાય, વહેલું-મોડું થાય તોપણ વાંધો આવે નહીં. ભગવાન અને સંતની વાત સાચી છે, શાસ્ત્રો સાચાં છે, પણ મન ડગમગ થાય તો પ્રકાશ થાય નહીં. આ સાચી વાત છે એમ માનીને જો કાર્ય કરીએ તો થાય છે.
સર્વ પ્રકારે ભગવાન બધાને સુખિયા કરે. આવા ને આવા ઉત્સવ થાય. દેશ-પરદેશમાં સત્સંગ વધે. આપણે પણ એવી શ્રદ્ધા રાખીને જે કાંઈ આપણાથી થાય એ સેવા કરીએ. તો બધાને શાંતિ-સુખ થાય ને સત્સંગ દૃઢ થઈ જાય અને આવા ઉત્સવમાં આવીને ભગવાનની ભક્તિ કરી શકીએ એ ભગવાનને પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ સ્વામીશ્રી અને ઉપસ્થિત તમામ હરિભક્તોએ પાંચમી અને અંતિમ આરતી ઉતારી ત્યારે વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ. આરતી બાદ સૌ હરિભક્તોએ દૂધપૌંઆનો પ્રસાદ લઈ, આજના ઉત્સવની સ્મૃતિઓને અંતરમાં કંડારી વિદાય લીધી.
|
|