બાળ-કિશોર દિન
તા. ૨૪-૧૦-૨૦૧૦ના રોજ ગોંડલ સત્સંગ મંડળના બાળકો અને કિશોરોએ બાળ-કિશોરદિન નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમો રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પ્રાતઃપૂજા દરમ્યાન ગોંડલ ગુરુકુળના બાળકોના મંજૂલ સ્વરમાં રજૂ થયેલી સીડી 'શોભે શ્રી ઘનશ્યામ'નું સ્વામીશ્રીએ શ્રવણ કર્યું. આજે સ્વામીશ્રીના નિરામય સ્વાસ્થ્ય માટે બાળ-બાલિકા કાર્યકરોએ વિશિષ્ટ વ્રત-તપરૂપી ભક્તિ કરી અનોખી રીતે આ વિશિષ્ટ દિનની ઉજવણી કરી હતી.
સંધ્યા સમયે મંદિરના વિશાળ ચૉકમાં આ વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યુð_ હતું. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે બાળકો દ્વારા 'મા-બાપને ભૂલશો મા' સંવાદની પ્રસ્તુતિ થઈ રહી હતી. ત્યારબાદ ઘનશ્યામચરણ સ્વામીએ ઉપસ્થિત સૌ બાળકો અને વાલીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું. પછી ગોંડલ સત્સંગ મંડળના કિશોરોએ 'એક અમૂલ્ય વરદાન' સંવાદની પ્રસ્તુતિ કરી. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવી સૌને કૃતાર્થ કર્યા. આશીર્વાદની સમાપ્તિ બાદ બાલિકા કાર્યકરો તેમજ મહિલા મંડળે ભક્તિ-ભાવપૂર્વક તૈયાર કરેલા હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
પૂર્વ વિદ્યાર્થી સંમેલન :
તા. ૩૦-૧૦-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ગોંડલ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાઈ ગયું. વહેલી સવારમાં જ આ સંમેલનનો લાભ લેવા માટે ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવી પહોંચ્યા હતા.
પ્રાતઃપૂજા પૂર્વે મંદિર પરથી સ્વામીશ્રીએ આકાશમાં ફુગ્ગાઓ તરતા મૂકીને સંમેલનનું ઉદ્ઘાટન કરી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. મંદિરથી સ્મૃતિ મંદિર સુધીના ગમનપથની બંને બાજુએ પૂજા દ્રવ્યો હાથમાં લઈને વિદ્યાર્થીઓ સ્વામીશ્રીનું પૂજન-અર્ચન કરી સ્વાગત કરી રહ્યા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન છાત્રોએ સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સંધ્યા સમયે અક્ષરવાડીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનની વિશિષ્ટ સભા રાખવામાં આવી હતી. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે પૂર્વ છાત્રોના સ્વાનુભવો રજૂ થઈ ચૂક્યા હતા. છાત્રો દ્વારા રજૂ થયેલા 'સ્વપ્ન' સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ બાદ મહંત સ્વામીએ છાત્રાલયના તેજસ્વી છાત્રો તથા ત્યાગાશ્રમ ગ્રહણ કરેલા સંતોનું સન્માન કર્યું. ત્યારબાદ યોગેન્દ્ર સ્વામી રચિત મિલન ગીતના આધારે નૃત્ય રજૂ થયું. નૃત્ય બાદ સમગ્ર છાત્રો વતી વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા. ત્યાર-બાદ શૈલેષ સગપરિયા રચિત 'તમસો મા જ્યોતિર્ગમય' સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ થઈ. સંવાદ દરમ્યાન નિર્ભયજીવન સ્વામી લિખિત ગુરુકુળ ગીતનું નૃત્ય નિહાળી સૌ મંત્રમુગ્ધ બની ગયા.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વચન વરસાવી સૌને અદ્ભુત સ્મૃતિ આપી હતી.
|