|
અન્નકૂટ ઉત્સવ
તા. ૬-૧૧-૨૦૧૦ના રોજ અક્ષરમંદિરનું પ્રાંગણ દેશ-વિદેશથી ઊમટેલા હજારો હરિભક્તોથી છલકાતું હતું. પ્રમુખસ્વામી મહારાજ પ્રતિવર્ષે અક્ષરદેરી-અક્ષરમંદિરમાં અન્નકૂટ અને બેસતું વર્ષ ઊજવે છે. તે જ રીતે આ વર્ષે પણ સ્વામીશ્રીએ આ લાભ ગોંડળના હરિભક્તોને આપ્યો હતો.
૧૧:૦૦ વાગ્યાથી મંદિરમાં અન્નકૂટના થાળગાનનો આરંભ થઈ ગયો હતો. બધા જ ખંડમાં મહારાજને હજાર વાનગીઓ ધરાવવામાં આવી હતી. સારંગપુરથી આવેલા તાલીમાર્થી સંતોએ વાનગીઓ ગોઠવવાની તથા મંદિરનો ઘુમ્મટ શણગારવાની અદ્ભુત સેવા કરી હતી.
સ્વામીશ્રી સૌપ્રથમ અક્ષરદેરીમાં પધાર્યા. અક્ષરદેરીમાં ત્રણે બાજુ સુંદર રીતે અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. દર્શન કરીને સ્વામીશ્રી રાજી થયા. થાળગાન બાદ સ્વામીશ્રીએ આરતી ઉતારી.
અહીંથી સ્વામીશ્રી મંદિર ઉપર પધાર્યા. મંદિર ઉપર ઠાકોરજી સન્મુખ કલાત્મક અન્નકૂટ રચ્યો હતો. અન્નકૂટ વાનગીઓથી એવો ભવ્ય અને પ્રચૂર હતો કે મંદિરનો મધ્ય ઘુમ્મટ પણ તેનાથી આવૃત્ત થઈ ગયો હતો. સ્વામીશ્રીનું આસન પણ પરિક્રમા પાસે આવેલા દ્વાર આગળ રાખવામાં આવ્યું હતું. હરિભક્તોને દર્શનદાન દેતાં દેતાં સ્વામીશ્રી આસન ઉપર પધાર્યા.
સ્વામીશ્રીની આજ્ઞાથી ગોંડલ ગુરુકુળના બાળકોએ મંજુલ સ્વરોમાં થાળગાન કર્યું. સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
સ્વામીશ્રીએ ગોવર્ધનનું પૂજન કર્યું પછી મંચ ઉપર ઊભા થઈને અન્નકૂટોત્સવની આરતી ઉતારી. ત્યારબાદ અંદર ઘુમ્મટમાં પધારીને ત્રણેય ખંડમાં ઠાકોરજી અને અન્નકૂટનાં દર્શન કર્યાં, ખૂબ રાજી થયા. ઘુમ્મટમાં બેઠેલા સૌને સ્વામીશ્રીનાં પ્રત્યક્ષ દર્શન ઉપરાંત સી.સી.ટી.વી.માં પણ દર્શન થતાં હતાં. એ જ રીતે મંદિરના સભામંડપમાં બેઠેલા હજારો હરિભક્તોને પણ સી.સી.ટી.વી.માં દર્શન થતાં હતાં.
પ્રદક્ષિણામાં નૂતન નિર્માયેલ ગુરુ મંદિરોમાં પણ પ્રથમ અન્નકૂટ ગોઠવાયો હતો. આમ, એક કલાક સુધી થાળગાન સાથે આ ઉત્સવ ભવ્યતાથી સંપન્ન થયો. આ ઉત્સવનો લાભ લેવા પ્રતિવર્ષની જેમ ગોંડળના મહારાજા પણ તેમના કુંવર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
|
|