|
રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજ...
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૧-૧૧-૨૦૧૦ થી તા. ૧૮-૧૧-૨૦૧૦ દરમ્યાન રાજકોટના હરિભક્તો-ભાવિકોને દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો. સતત એક સપ્તાહ સુધી સ્વામીશ્રીનું પાવન સાંનિધ્ય પામીને રાજકોટવાસીઓ ધન્ય બન્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં અદ્ભુત માહોલ છવાઈ જતો હતો. આબાલવૃદ્ધ સૌ કોઈના હૈયે સ્વામીશ્રીનાં દર્શનનો અનેરો તરવરાટ અનુભવાતો હતો. સ્વામીશ્રીના નિવાસસ્થાનથી સભામંડપ સુધીના ગમનપથની બંને બાજુ રચાયેલા સ્મૃતિવિરામ પર શિશુઓ, બાળકો અને કિશોરો દરરોજ જુદા જુદા પરિવેશમાં સજ્જ થઈ વિવિધ સેવા-પ્રવૃત્તિઓ અને ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવતી રજૂઆત કરતા હતા. નિત્ય મંદિરમાં તથા અભિષેક મંડપમ્માં દર્શને પધારતા સ્વામીશ્રીનાં સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કરી, પરિસરમાં ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકો ધન્ય બની જતા હતા.
સ્વામીશ્રીના આ વખતના રોકાણ દરમ્યાન રાજકોટવાસીઓને વિવેકસાગર સ્વામીની રસાળ શૈલીમાં 'હરિલીલામૃત' ગ્રંથ પરની પારાયણનો વિશિષ્ટ લાભ પણ પ્રાપ્ત થયો હતો. કિશોરદિન અને પ્રબોધિની એકાદશીના પવિત્ર પર્વે સ્વામીશ્રીની દિવ્ય પરાવાણીનો લાભ પ્રાપ્ત કરી, સૌએ અદ્ભુત અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તા. ૧૩-૧૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ સારંગપુર ખાતે યોજાનાર ભાવનગરનાં કિશોર-કિશોરીઓની શિબિર નિમિત્તે આશીર્વાદ પાઠવી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. તા. ૧૮-૧૧-૨૦૧૦ના રોજ રાજકોટ મંદિરના પાટોત્સવની સ્મૃતિમાં સંતો-હરિભક્તોએ ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
વળી, રાજકોટ મહિલા સત્સંગ મંડળનાં મહિલાઓએ વિશિષ્ટ વ્રત-તપ રૂપી ભક્તિ અદા કરી વિશિષ્ટ નિયમો ગ્રહણ કર્યા હતા.
આવો, હવે પછીનાં પૃષ્ઠોમાં સ્વામીશ્રીએ રાજકોટ ખાતે આપેલા દિવ્ય સત્સંગલાભને માણીએ...
આગમન :
વિક્રમ સંવત ૨૦૬૭ના આરંભના દિવસોમાં જ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન-આશીર્વાદનો અમૃત-લાભ પામીને રાજકોટવાસીઓ આનંદ-વિભોર બની ગયા હતા. લાભપાંચમના બીજા દિવસે તા. ૧૧-૧૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રી ગોંડલથી જામનગર બાયપાસવાળા હાઈવે થઈને સાંજે ૬:૪૦ વાગે રાજકોટ પધાર્યા. એક વર્ષ બાદ પધારી રહેલા પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા આબાલવૃદ્ધ સૌના હૈયે અનેરો ઉત્સાહ હતો. સ્વામીશ્રીનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાના જયનાદો અને આતશબાજીથી ગુંજી ઊઠ્યું.
સ્વામીશ્રીના સ્વાગતમાં મંદિરમાં અદ્ભુત શોભા કરવામાં આવી હતી. ત્રિશિખરીય મંદિર રંગબેરંગી દીપમાળાથી ઝળહળી રહ્યું હતું. મંદિરના પથની બંને બાજુએ દીપમાળ શોભી રહી હતી. અહીં હાથમાં દીપ લઈને ઊભા રહેલા બાળકો સ્વામીશ્રીને ઉષ્માભરી રીતે સત્કારી રહ્યા હતા. પરિસરમાં જ સીદીભાઈઓનાં ઢોલ-નગારાંના તાલે બાળકો આદિવાસી નૃત્ય કરી સ્વામીશ્રીને વિશિષ્ટ રીતે સત્કારી રહ્યા હતા.
સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી લિફ્ûટ આગળ સજવામાં આવેલી રંગોળી પર દૃષ્ટિ કરી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. પછી પોડિયમ આગળ રચાયેલી સભામાં પધાર્યા. અહીં રાજકોટ મંદિરના કોઠારી યોગીસ્વરૂપ સ્વામીએ હાર પહેરાવી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સભામાં વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. સભામાં સૌને સમીપદર્શનનું સુખ આપી, 'અભિષેક મંડપમ્'માં નીલકંઠ વણીનાં દર્શન કરી સ્વામીશ્રી નિજનિવાસે પધાર્યા.
|
|